Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઇસ્લામમાં ડિસિપ્લીનનું મહત્ત્વ

ઇસ્લામમાં ડિસિપ્લીનનું મહત્ત્વ

ડિસિપ્લીનનો અર્થ નિયમનું  પાલન અને નક્કર કાર્યવાહી  થાય છે તેને અંગ્રેજીમાં Controlled Behavior કહી શકાય છે. ઇસ્લામના દ્રષ્ટિબિંદુથી સાદી ભાષામાં તેની સમજૂતી આ રીતે કરી શકાય છેઃ “એવી શિસ્તબધ્ધ અને પરિણામ દાયક કાર્યવાહી જેનો પાયો સદાચારના મૂલ્યો પર આધારિત હોય.” ડિસિપ્લીન વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના કાર્યો ઉપર વ્યાપક બને છે જેને કોઇ વ્યક્તિ પોતાના જીવનમાં અમુક નિશ્ચિત નિયમો પ્રમાણે કાર્યરત્ હોય તો નિઃશંક તે અન્ય લોકોથી વધુ સફળ બનશે. એવી જ રીતે જો કોઇ સંસ્થા પોતાના કાર્યકરોના કલ્યાણ અને તેમના સ્વમાનનું ધ્યાન રાખવામાં આવતું હોય તો એવી સંસ્થાને એક શિસ્તબધ્ધ સંસ્થા કહી શકાય છે.

આ વસ્તુ એક કુંટુંબના ઉદાહરણથી સહેલાઇથી સમજી શકાય છે. એક ઘર જેમાં માતા-પિતા, બાળકો અને બીજા નજીકના સગાઓ રહે છે. જો આ કુટુંબનો વડો શક્તિ પ્રમાણે ઘરની બધી જરૂરતો પૂરા કરતો હોય, ઘરના બધા જ કામોનો સમય નિશ્ચિત હોય, ઘરની ચીજો માટેની જગ્યા નક્કી હોય, ઘરના કામકાજ સલાહ મશવરહથી કરી શક્તા હોય એવા કંટુંબને આપણે એક શિસ્તબધ્ધ કુંટુંબ કહી શકીએ છીએ.

એવી જ રીતે જો કોઇ શૈક્ષણિક સંસ્થા, મદ્રસા, સ્કૂલ અથવા કોલેજ પોતાના હેતુ સિધ્ધ કરવા માટે ક્રમબધ્ધ પ્રયત્નો કરે જેમાં શિક્ષકો નિયમિત સમયસર આવે, પોતાની ફરજો ઉત્તમ રીતે નિભાવે, શિસ્તન્વ મૂલ્યોને ઉચ્ચ સ્તરે લઇ જવાના પ્રયત્ન કરે, દરેક વસ્તુની એક પદ્ધતિ નિર્ધારિત હોય, સમસ્ત વાતાવરણમાં પ્રેમ અને ભાઇચારાનો વ્યવહાર હોય તો આવી શૈક્ષણિક સંસ્થાને આપણે એક સફળ અને શિસ્તબધ્ધ સંસ્થા કહી શકીએ છીએ.

આનાથી વિપરીત જે સંસ્થામાં નિયમો અને શરતોની પાબંદી કરવામાં આવતી ન હોય, સંસ્થાના હેતુઓ નિશ્ચિત ન હોય, કાર્યનું અવલોકન કરવામાં આવતું ન હોય, સ્થિતિમાં સુધાર લાવવાના પ્રયત્નો ન કરાતા હોય, તો આ સંસ્થાને આપણે એક નિષ્ફળ અને બિનવ્યવહારિક સંસ્થા કહીશું. ઇસ્લામે આરંભથી જ શિસ્તબધ્ધ અને સંયમને અસાધારણ મહત્ત્વ આપ્યું છે. ઇબાદતો, વ્યવહારો, આર્થિક, સામાજિક, રાજકીય અહીં સુધી કે તમામ ક્ષેત્રોમાં નિયમો અને શિસ્તબધ્ધતાની પ્રણાલી સ્પષ્ટ રીતેજ દૃષ્ટિગોચર થાય છે.

નમાઝને જ લઇ લો, કુઆર્નપાકમાં ફરમાવવામાં આવ્યું છે કે, “મો’મિનો ઉપર નમાઝ પાબંદીની સાથે ફર્ઝ કરવામાં આવી છે.” (સૂરે નિસા ઃ ૧૦૩) પુુરુષોને જમાઅત સાથે નમાઝ પઢવાની આજ્ઞા આપવામાં આવી છે. પરંતુ સ્ત્રીઓ માટે ઘરમાં નમાઝ પઢવાનું ઉત્તમ ઠેરવવામાં આવ્યું છે. નમાઝના અરકાન અને શરતો એ શિસ્તબધ્ધતાની સ્પષ્ટ દલીલ છે. નમાઝ માટે જ્યારે આદમી મસ્જિદમાં જાય તો જમાઅતમાં જોડાવા માટે દોડા-દોડી ન કરે. પરંતુ શાંતિપૂર્વક ગોઠવણનું ખ્યાલ રાખે. લાઇનથી વ્યવસ્થિત ગોઠવણનો ખ્યાલ રાખે,જમાઅતની નમાઝમાં મુક્તદી (નમાઝી) ઈમામનું અનુસરણ કરે. પરંતુ જો ઇમામથી કોઈ ભૂલ થઇ જાય તો સુધારણા કરવામાં આવે નમાઝની આ પ્રવૃત્તિથી આપણને આ ઉપદેશ મળે છે કે જો મસ્જિદની બહારના જાહેર જીવનમાં મુસલમાનોનો પ્રબંધક (અમીર) કોઈ ભૂલ કરે તો તેને સાવચેત કરવો જરૂરી છે. આના લીધે શિષ્ટબધ્ધતા અને વ્યવસ્થા સારી રીતે જળવાઇ રહેશે. સામાજિક વૃધ્ધિ પામશે, અને સુખ અને શાન્તિ, ચેન અને આરામ અસ્તિત્વમાં આવશે. આવી જ રીતે રોઝા, ઝકાત, હજ્જ જેવી ઇબાદતો માટે પણ અમુક  શરતો  અને નિયમો નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો ઇબાદતની અદાયગી શક્ય બનશે નહીં. આ સર્વ પ્રવૃત્તિઓ કાયદો અને વ્યવસ્થાના વર્તુળમાં આવે છે.

ડિસિપ્લીનના ઘડવામાં આવેલ મૂળ તત્ત્વોમાં સમયનું પાલન, વચનબધ્ધતા, કાર્યોમાં નિયમિતતાનું પાલન કરવું અને કરાવવું, નિર્ણયોને આચરણમાં લાવવું પણ સામેલ છે. એવી રીતે કાર્યો ઉમદા રીતથી કરવા માટે સલાહ-મશવરો કરવા માટેનુ આયોજન કરવું પણ જરૂરી છે. કુઆર્નપાકમાં અલ્લાહતઆલાનો ઇર્શાદ છે,”અને તેમના કાર્યો મસલતથી કરવામાં આવે છે.” (સૂરઃ ૩૮)

વ્યવહારમાં ડિસિપ્લીન

ઇસ્લામે આર્થિક વ્યવહાર અને લેવડ-દેવડમાં જે ઉપદેશો આપ્યા છે, તેની ઘણાખરા લોકોને જાણકારી નથી અને જો જાણકારી છે પણ તો તના ઉપર આચરણ કરવામાં નથી આવતું. જેના કારણે સંબંધોમાં કટુતા ઉત્પન્ન થાય છે એટલું જ નહીં પરંતુ દિલો તૂટી જાય છે. પ્રેમ મટી જાય છે અને સ્થિતિ લડાઈ-ઝઘડા સુધી પહોંચી જાય છે. તેનાથી વિપરીત જો ઇસ્લામના નિયમોનું પાલન કરવામાં આવે તો એક શાંતિમય સમાજ અસ્તિત્વમાં આવે છે. કુઆર્નમજીદમાં સુરઃ બકરહની આયત નંબર ૨૮૨ જે કુઆર્નની સૌથી મોટી આયત છે તેમાં લેવડ-દેવડ વિશે સ્પષ્ટ અને વિસ્તારપૂર્વક નિયમો વર્ણન કરવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો મોટાભાગની સામાજિક સમસ્યાઓ આપો આપ હલ થઇ જશે. આ આયતનો ભાષાનુવાદ આ પ્રમાણે છેઃ

“હે મનુષ્યો! જેમણે ઇસ્લામ સ્વિકાર્યો છે જ્યારે કોઇ નિશ્ચિત સમય માટે તમે પરસ્પર કરજની લેવડ-દેવડ કરો તો તેનું લખાણ કરી લોે, બંને પક્ષ તરફથી એક વ્યક્તિ ન્યાય સાથે દસ્તાવેજ કરી આપે. જેને અલ્લાહે લખવા-વાંચવાની યોગ્યતા આપી હોય તેણે લખવાની ના પાડવી ન જોઇએ. તે લખે અને લખાણ તે કરાવે જેનો હક્ક છે. (અર્થાત્ કરજ લેનાર) અને તેણે અલ્લાહથી ડરવું જોઇએ જે વ્યવહાર નક્કી થયો હોય તેમાં કોઇ જાતનો વધારો ઘટાડો ન કરે પરંતુ જો કરજ લેનાર પોતે અભણ હોય અથવા ઘરડો હોય અથવા લખાણ કરાવી શક્તો ન હોય તો તેના વાલી ન્યાયપુર્વક લખાણ કરાવે પછી પુરુષો પૈકી બે વ્યક્તિઓની એના ઉપર સાક્ષી તરીકે સહીઓ લઇ લો અને જો પુરુષો ઉપલબ્ધ ન હોય તો એક પુરૃષ અને બે સ્ત્રીઓની સાક્ષી તરીકે સહીઓ લઇ લો, જેથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે. આ સાક્ષીઓ એવા લોકો પૈકી હોવા જોઇએ જેમની સાક્ષી તમારા દરમ્યાન સ્વીકાર્ય હોય. સાક્ષીઓને જ્યારે સાક્ષી બનવા માટે કહેવામાં આવે તો તેમણે ના પાડવી  ન જોઇએ લેવડ-દેવડનો મામલોે નાનો હોય કે મોટો નિશ્ચિત મુદ્દત સાથે દસ્તાવેજ લખાવી લેવામાં સુસ્તી ન કરો. અલ્લાહના નજીક આ રીતે તમારા માટે વધુ ન્યાય સંગત છે. આના બધી જ સાક્ષી મેળવવમાં વધારે આસાની રહેલી છે અને તમોનેે શંકા-કુશંકા કે સંદેહમાં પડવાની સંભાવના પણ નહિવંત રહે છે. માલ જે ખરીદ-વેચાણ અર્થે લેવડ-દેવડ, હાથો-હાથ તમે લોકો પરસ્પર કરે છે તે ન લખવા કંઇ વાંધો નથી પરંતુ વેપારનો સોદા નક્કી કરતી વખતે સાક્ષી બનાવી લો, લખનાર અને સાક્ષીને હેરાન કરવામાં ન આવે એવું કરશો તો ગુનાહિત કૃત્ય ગણાશે. અલ્લાહના ગજબથી બચો તે તમને સદાચારનું શિક્ષણ આપ છે અને યાદ રાખો તણે દરેક વસ્તુની જાણ છે.”

હઝરત મુહમ્મદ સલ્લ.ની પવિત્ર સીરત પરથી ડિસિપ્લીનના કેટલાક દૃષ્ટાંતો અત્રે પ્રસ્તુત છેઃ ડિસિપ્લીન માટે સમયનું પાલન એક અનિવાર્ય શરત છે. આપ સલ્લ. આપના વ્યવહારમાં સમય પાલનના ખૂબ જ પાબંદ હતા. આથી આપ સલ્લ.એ આપના દરેક કામનો સમય નિશ્ચિત કરી દીધો હતો. જ્યારે આપ સલ્લ.ને અલ્લાહ તરફથી હિજરત કરવાનો આદેશ મળી ગયો, તો આપ સલ્લ. બપોરના સમયે હઝરત અબૂબકરના ઘરે પધારી ગયા ઘર વાળાઓને નવાઇ લાગી અને પરસ્પર ક્હ્યું કે આ સમયે આપને આવવાનો નથી હોતો જરૃર કોઇ અસાધારણ બાબત હશે. કેમ કે આપનો નિયમ હઝરત અબૂબકરના રદિ. ઘરે જવાનો સમય સવાર અને સાંજનો હતો. આવી જ રીતે આપ સલ્લ. આપની બેટી હઝરત ફાતિમા રદિ.ના ત્યાં અસરની નમાઝ બાદ તશરીફ લઇ જતા હતા. હિજરતના પ્રસંગે જે પ્લાનિંગ આપ સલ્લ.એ કરી તે પણ ડિસિપ્લીનનું સર્વોત્તમ પ્રમાણ છે. દરેક યુધ્ધ પ્રસંગે પણ ડિસિપ્લીનની કાર્યવાહી આપણને સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે.

ઇસ્લામે સામૂહિક રીતે જિંદગી ગુજારવાનું આવશ્યક ઠરાવ્યું છે. આ સંદર્ભે હુઝૂર સલ્લ.નો પવિત્ર ઇર્શાદ છે. “જો ત્રણ આદમી ક્યાંક મુસાફરી કરી રહ્યા હોય તો તેમણે પોતાનામાંથી કોઇ એકને પોતાનો અમીર બનાવી લેવો જોઇએ”. (અબૂ-દાઉદ) બીજી જગ્યાએ આપ સલ્લ.એ ફરમાવ્યું, “એક મોમિન બીજા મોમિન માટે એક ઇમારતની માફક હોય છે જેનો એક ભાગ બીજા ભાગ માટે સહાયક અને મજબૂતાઇનું નિમિત્ત બને છે.” આ ફકરો ઇરશાદ ફરમાવતાને આપ સલ્લ.એ આપના એક હાથની આંગળીઓ બીજી હાથમાં પરોેવીને લોકોને સમજાવ્યું (બુખારી)

સામૂહિક જિંદગીમાં ડિસિપ્લીન પર આચરણ કરવું એ શૃંગાર છે.આથી કુઆર્નમાં ઇરશાદ છે કે, “તેમના સાથે સલાહ વ મશવરો કરો, પરંતુ જ્યારે કોઇ વસ્તુનો નિર્ણય લઈ લો તો પછી અલ્લાહ ઉપર ભરોસો કરો અને તે કાર્યને પૂર્ણ કરો.” (આલે ઇમરાન ઃ ૧૫૯)

હઝરત અબૂબકર સિદ્દીક રદિ. પ્રથમ ખલીફાએ મશવરાને ખૂબજ મહત્ત્વ આપ્યું હતું. એનાથી વિપરીત કુઆર્નની જ રોશનીમાં આપે હુકમ લાગુ કર્યો. આમ જ્યારે કેટલાક લોકોએ ઝકાત આપવાથી ઇન્કાર કર્યો તો આપ રદિ.એ ફરમાવ્યું ઝકાત નિશ્ચિતપણે વસૂલ કરવામાં આવશે. જો એક બકરીની રસ્સી ઉપર પણ ઝકાત વાજિબ થતી હશે તો તે અદા કરવી પડશે. હઝરત અબૂ બકર રદિ. પછી હઝરત ઉમર રદિ. ખલીફા થયા તેમના જમાનામાં વિજયોની ખૂબ છત થઇ. કૈસર અને કિસરાની સલ્તનતો તૂટીને ઇસ્લામી શાસનમાં ભળી ગઇ જેના માટે હુકૂમતના મજબૂત વિસ્તારપૂર્વક વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી. નવા નવા વિભાગો અસ્તિત્વમાં આવ્યા. હઝરત ઉમર રદિ. ખલીફા તરીકે નિર્વાચન થયા પછી જે પ્રવચન કર્યું તેના ઉપરથી તેમના સર્વશ્રેષ્ઠ પ્રબંધક હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. આપ રદિ.એ ફરમાવ્યું, “જે માણસ પોતાની જાતને જોરાવર સમજે છે તે મારા આગળ નિર્બળ છે જ્યાં સુધી હું તેની પાસેથી નિર્બળનો હક વસૂલ ન કરી લઉં અને નિર્બળ મારા આગળ જોરાવર છે જ્યાં સુધી હું તેનો હક તેને ન અપાવી દઉં.” આ પ્રવચનથી નબળા લોકોની હિંમત વધી ગઇ અને જોરાવર લોકો ઉપર હઝરત ઉમર રદિ.ની ધાક બેસી ગઇ. આથી તેમણે જેનું એલાન કર્યું  હતું એ પ્રમાણે જ થયું. વાતાવરણમાં આઝાદી અને સમાનતા અને સુખ અને શાંતિની લહેર છવાઇ ગઇ. હઝરત ઉમર રદિ. સામાન્ય માણસોને મળતા તેમની પાસેથી તેમની વાતો સાંભળતા, તેમને પોતાના વિરુધ્ધ બોલવા માટે પ્રોત્સાહન આપતા, એમની સાચી વાતો પર તેમને ધન્યવાદ આપતા. તેમનુું અનુમોદન કરતા અને તેમના પર આચરણ કરતા.

એક સ્ત્રીએ એક વખત હઝરત ઉમર રદિ.ને માર્ગમાં ઊભા રાખ્યા અને કહ્યું, ” આજે તમે અમીરુલમો’મીનીન કહેવાવ છો. મે તે જમાનો પણ જોયો છે જ્યારે તમે ઊંટો ચરાવતા હતા, લોકો તમને ગમાર કહેતા હતા.” એક માણસે તે સ્ત્રીને કહ્યું શું તમે અમીરુલ મો’મીનીનનો આદર સન્માન નથી કરતા? તમારી વાણી અદબની ખિલાફ જણાય છે. હઝરત ઉમર રદિ.એ માણસની વાત સાંભળીને કહ્યું કે આ સ્ત્રી સાચું જ કહે છે. આવી રીતે એક માણસે ઘણી વખત કહ્યું કે, “અય ઉમર! અલ્લાહથી ડરો,એક માણસે પેલા માણસને રોકવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ હઝરત ઉમર રદિ. કહ્યું તેને કહેવા દો તેને અધિકાર છે કે તે કહે અને અમારી ફરજ છે કે અમે તેની વાત સાંભળીએ.” આપ રદિ.એ આ પણ ફરમાવ્યું કે અલ્લાહ તે વ્યક્તિ ઉપર રહેમ ફરમાવે જે મારા દોષો મારી ઉપર જાહેર કરે. કેટલીક મહાન હતી તે શખ્સિયત! ઇતિહાસ ઉમર રદિ.નો જેવો કોઇ નમૂનો પેશ કરી શકે તેમ નથી.

હઝરત ઉમર રદિ.એ તેમના શાસનકાળમાં મોટામોટા ગવર્નરો અને પદાધિકારીઓની બદલીઓ કરી તેમના વિરુધ્ધમાં કાનૂની કાર્યવાહીઓ કરી અને ક્યારેક હોદ્દો ઉપરથી બરતરફ પણ કર્યો. મૌલાના શિબ્લી નો’માનીએ પોતાની પ્રખ્યાત કિતાબ ‘અલફારુક’ માં લખ્યું છે કે હઝરત ઉમર રદિ.ને ખબર મળી કે તેમના પુત્ર અબૂરાહમાએ દારૃ પીધો છે તો તેમણે પોતાની સામે જ  તેને ૮૦ કોરડા મરાવ્યા જેના પરિણામે થોડા દિવસ પછી તેનું મૃત્યું થઈ ગયું. એવી જ રીતે પોતાના પિતરાઇ ભાઇને પણ એવી સજા આપી જ્યારે કોઇ શાસક પોતાના સગાઓ સાથે આવી રીતે કાર્યવાહી કરે તો તેની ડિસિપ્લીન અને પ્રબંધ પ્રત્યે કોણ આંગણી ઉઠાવી શકે છે. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર આપોઆપ પોતાની જાતે મૃત્યુ પામશે. આવી રીતે જો કોઇ ગવર્નર વધારે પડતો જોરાવર બની જતો તો હઝરત ઉમર રદિ. કાં તો તેની બદલી કરી દેતા અથવા તેને જવાબદારીમાંથી મુક્ત કરી દેતા. પરંતુ આ એલાન પણ કરાવી દેતા કે આ માણસના વિરુધ આ પગલું અમુક સલાહના કારણસર લેવામાં આવ્યું છે ન કે કોઇ ભષ્ટાચારની બુનિયાદ પર. આજના શાસકો અને આંદોલનના પ્રાણતાઓ માટે હઝરત ઉમર રદિ.ની જિંદગી આદર્શરૃપ છે. તે ડિસિપ્લીન પર આચરણ કરનાર અને સર્વશ્રેષ્ઠ ડિસિપ્લીનને પ્રસ્થાપિત કરનાર શાસક હતા. અને કેમ ના હોય કારણ કે હઝરત મુહમ્મદ સલ્લ.એ ફરમાવ્યું, “જો મારા પછી કોઇ રસૂલ હોત તો તે ઉંમર હોત!.” (તિર્મિઝિ)

આવો, આપણે પણ કુઆર્ન અને સુન્નતની રોશનીમાં આપણી જિંદગી અને આચરણ અને વર્તનમાં ખૂબસૂરત વસ્ત્રોપરિધાન કરીએ જેથી ઇસ્લામની સુંદર તસ્વીર સામે આવી શકે.  આમીન…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments