Thursday, November 7, 2024
Homeલાઇટ હાઉસઇસ્લામ: પ્રાકૃતિક દીન (ધર્મ)

ઇસ્લામ: પ્રાકૃતિક દીન (ધર્મ)

કાઉન્સીલીંગ અર્થે કેટલાક દિવસથી એક હિન્દુ યુવાન મારા સંપર્કમાં હતો. એક દિવસ તે ૩૦૦ કીલોમીટરની મુસાફરી કરી પધાર્યો. તે મારાથી એ બાબતે માર્ગદર્શન ઇચ્છતો હતો કે તે સમલૈંગિક ટેવથી બહાર આવી સામાન્ય કે સાદુ જીવન જીવવા માંગતો હતો. યુવાનની વય ૨૦-૨૨ વર્ષ હશે. વાતચીત દરમ્યાન એ જાણ થઈ કે તે ૧૦-૧૨ વર્ષની આ કુટેવનો શિકાર છે. મેં પ્રશ્ન કર્યો કે તે કેમ આ કુટેવથી બહાર આવવા માંગે છે? ઉત્તર વાળતા તેણે કહ્યું કે યુવાનનું યુવતિ પ્રત્યે આકર્ષણ એ પ્રાકૃતિક કાર્ય છે. મેં પૂછ્યું પ્રાકૃતિક કૃત્ય શું છે. આ એક અંતરનો અવાજ છે.

એક દિવસ હું વેપારી કામથી પાછો કરી રહ્યો હતો. મુસાફરીમાં મારી જોડે એક બ્રહ્મણ શર્મા ઠેકેદાર હતો. સામાન્ય રીતે હોય છે તેમ મુસાફરીને હળવી કરવા ખાતર આમતેમની વાતો થઈ. તે વચ્ચે ભારતીય રાજકારણમાં દ્વેષ, કોમવાદ અને લાંચરૃશ્વતની વાતો થઈ રહી હતી અને નિષ્ણાંતની જેમ વ્યવહારી સૂચનો થઈ રહ્યા હતાં. શર્માએ કહ્યું સાહેબ સાચી વાત આ છે કે આ જીવનને બધુ સમજી બેઠાં છે. મૃત્યુ પછી અલ્લાહ સમક્ષ હાજર થવાનું ભાન હોત તો આ અપરાધોથી દૂર રહ્યા હોત.

મકાન બાંધકામ મારો વ્યવસાય છે. ઘણી વખત એવું બન્યું છે કે બન્ને પાડોશીઓ હિન્દુ હોય અને હું પ્રથમ દિવસે જ તેમને મળી ક્ષમા ચાહતો કે અમારા બાંધકામથી આપને તકલીફ થશે. ધૂળ-ઢાંકણ, ઠોક-પીટ અને ગાર-ચૂના વિગેરેથી આપના ઘરની ભીંત અને આગણું ખરાબ થઈ શકે છે. અંતમાં તે બધુ ઠીક ઠાક વ્યવસ્થિત કરાવી આપવાનું વચન આપું છું. સામાન્ય રીતે તે પાડોશીઓનો જવાબ આ જ રહેતો કે, એન્જીનીયર સાહેબ, પાડોશી હોવાના નાતે અમારી ઉપર આપનો હક્ક છે કે અમો આપને બાંધકામ કરવાની સ્વતંત્રતા આપીએ. અને પરિણામે થતી તકલીફ સહન કરીએ. અમને આશા છે કે અંતમાં આપ ઘરની ભીંતને સાફ સુથરી કરી આપશો.

ઉપરોક્ત ઉદાહરણથી આ બાબત સ્પષ્ટ થાય છે કે માનવી જ્યારે પોતાના અંતરનો અવાજ સાંભળે છે તો તેને જ્ઞાન થાય છે કે આચરણની સાચી રીત કઈ છે. શક્ય છે કે તે પરિસ્થિતિની અસર ઘરની ઉછેરના ફળસ્વરૃપે એવા રીતરીવાજથી ટેવાયલો હોય. જેનો મૂળ ન પ્રકૃતિમાં જુએ છે અને ન જ તેના માટે બૌદ્ધિક દલીલ રજૂ કરી શકે છે. પણ સામે વાળી વ્યક્તિ જ્યારે દલીલ અને પ્રેમથી સમજાવે છે તો તેની બુદ્ધિ સ્વિકારે છે કે વાત તો સાચી છે પણ સમાજમાં પોતાની શાખ ચૌધરીના સ્થાનને જાળવવા માટે ક્યારેક તે ફરી જાય છે. જેમ કે હઝરત ઇબ્રાહીમ અ.સ.એ પંડિતોથી વાર્તાલાપ કર્યો અને કહ્યું કે આ પત્થરની મૂર્તિ બોલી શકતી નથી. પંડિતોના અહમે અંતર આત્માનો અવાજ સાંભળ્યા છતાં પણ ફરી જવા ઉપર મજબૂર થયા.

ઇબ્રાહીમ અ.સ.ના આગમન ઉપર તેમણે પ્રશ્ન કર્યો, કેમ ઇબ્રાહીમ તે અમારા ખુદાઓની સાથે આ હરકત કરી છે? તેમણે જવાબ આપ્યો, “બલ્કે આ બધુ તેમના આ સરદારે કર્યું છે. તેનાથી જ પૂછી લો. જો આ બોલતા હોય. ” આ સાંભળી તેઓ પોતાની અંતરઆત્મા તરફ વળ્યા અને પોતાના મનમાં કહેવા લાગ્યાં. હકીકતમાં તમો પોતે જ અત્યાચારી છો. તેમ છતાં તેમની મત મારી ગઈ. અને કહેવા લાગ્યાં. “તૂ તો આ જાણે છે કે આ બોલતાં નથી.” ઇબ્રાહીમે કહ્યું, “તો પછી તમો અલ્લાહને છોડી આ મૂર્તિઓની પૂજા કરો છો? જે ન લાભ કે નુકસાન આપવા ઉપર પ્રભુત્વ ધરાવે છે. અચંબો તમારાને તમારી પૂજ્ય મૂર્તિઓ ઉપર કે અલ્લાહને છોડી જેમની તમો પૂજા કરો છો. શું તમે જરાય અક્કલ નથી ધરાવતા?” તેમણે જવાબ આપ્યો, “બાળી નાખો આને અને તરફેણ કરો પોતાના ખુદાઓની જો તમો કંઇ કરવા માગતા હોવ.”

અલ્લાહે જ્યારે માનવીનું સર્જન કર્યું હતું ત્યારે જ તેમનામાં સારા-નરસા, ભલાને બુરા, યોગ્ય-અયોગ્ય વ્યવહારની પરખ સમજ નાખી અને પૂન્ય અને ભલાઈ તરફ કુદરતીપણે ઝોખ-વૃત્તિ રાખી દિધી. માનવ માટે કસોટી એમાં રાખી કે શું પોતાનામા રહેલ ગર્ભીત ભાવ અને અજ્ઞાત ભાનથી માર્ગદર્શન મેળવી અલ્લાહ તરફ અને સારી નૈતિકતા તરફ વળે છે કે પછી તે પ્રાકૃતિક ભાવ અને અંતરઆત્માની અવાજને કચડીને સ્વછંદ મનની માગણીઓને વશ થઈ તેની આગળ માથું ટેકવી દે છે.

“પછી તેની બૂરાઈ અને તેની પરહેજગારી (સંયમ) તેના હૃદયમાં નાખી દીધી, ખરેખર સફળ થઈ ગયો તે જેણે આત્માને વિશુદ્ધ અને વિકસિત કર્યો, અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો.” (સૂરઃ અશ્-શમ્સ – આયત ૮ થી ૧૦)

ઉપર વર્ણવેલી આયતથી ફ્લીત થાય છે કે કોઈ દીન કે શરીઅતની જાણ પહેલાં જ માનવ પ્રકૃતિમાં તે વાતો હૃદયમાં નાખી દીધી છે જેને આપણે સારી નૈતિકતા કહીએ છીએ. એ જ પ્રમાણે કેટલીક બાબતોને તે નરસી ગણે છે. અને તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ બધા સત્યો અને ખ્યાલો માનવ માટે અજાણ્યા નથી. બલ્કે તે તેનાથી પરિચિત છે. કુઆર્ન આ વાતને બીજી જગ્યાએ એમ વર્ણવે છે કે, “તો પછી (હે પયગંબર ! અને પયગંબરના અનુયાયીઓ !) એકાગ્ર થઈને પોતાનું રુખ આ દીન (ધર્મ)ની દિશામાં જમાવી દો, કાયમ થઈ જાવ તે પ્રકૃતિ પર જેના ઉપર અલ્લાહે મનુષ્યોને પેદા કર્યા છે, અલ્લાહે બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ તદ્દન સીધો અને દુરસ્ત દીન (ધર્મ) છે, પરંતુ ઘણાં લોકો જાણતા નથી.” (સૂરઃ રૃમ-૩૦)

આ આયતમાં પ્રકૃતિ અંગે  ચાર મૂળ હકીકતો ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે.

૧. હનીફ – એકાગ્ર

૨. ફિતરત – પ્રકૃતિ

૩.તબદીલીએ ખલ્ક – પ્રકૃતિમાં ફેરફાર

૪.દીને કૈયીમ – તદ્દન સીધો અને દુરસ્ત દીન

૧. હનીફ – એકાગ્ર

દીન માનવ પ્રકૃતિની માંગ છે. પણ માનવનો દુર્ભાગ્ય આ છે કે તે પ્રકૃતિના અનુસાર પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વને ઘડવાની જગ્યાએ ક્યારેક મનના ઉશ્કેરાટ સામે માંથુ ટેકી દે છે તો ક્યારેક શૈતાનના આદેશોના પાલનમાં લાગી જાય છે. તો ક્યારેક સમાજમાં પ્રચલિત અજ્ઞાનતાભર્યા રીત-રિવાજોની ચકાસણી કર્યા વગર તેને અપનાવી લે છે. પરિણામે તે (Fractured Personality) ખંડિત વ્યક્તિત્વ બની જાય છે. તેથી આપણે જોઈએ છીએ કે માનવ જુદી જુદી, વિવિધ અને વિરોધાભાસી ઓળખ પોતાનામાં સમાવી લે છે. ઉપરાંત મોર્ડનીઝમ તેને યોગ્યતાનું પ્રમાણપત્ર પુરૃં પાડે છે કે એક માણસ હિસ્પાનવી જાતિનો અમેરિકન નાગરિક, શ્રદ્ધાનુસાર ઈસાઈ, આચરણાનુસાર બુદ્ધમતનો, સમલેંગીક અને વિચારસરણી મુજબ કોમ્યુનિસ્ટ-નાસ્તિક હોઈ શકે છે.

આનાથી વિપરીત ઇસ્લામ પોતાની અંદર (Wholesome Personality) એક રંગને ઓળખી તેના પર સ્થિર થવાની તાલીમ આપે છે. આનું જ નામ હનીફીયત–એકાગ્રતા છે. ઇસ્લામી ઇતિહાસના અધ્યયનથી ખબર પડે છે કે જ્યારે ઇસ્લામનો અવાજ નબી સ.અ.વ.એ બુલંદ કર્યો તો એકાગ્ર લોકોને લાગ્યું કે આ તો તેની પ્રકૃતિનો અવાજ છે. તેથી આનાકાની કર્યા વગર અને બીજુ કોઈ અર્થઘટન કર્યા વગર ઇસ્લામ અંગીકાર કરી લીધો. જેમાં અબૂબકર સિદ્દીક રદી., ખદીજા રદી., બિલાલ અને ઝૈદ બિન હારિસ રદી. વિગેરે મહાનૂભાવોના નામ લઈ  શકાય છે. આજે પણ ઇસ્લામની તબ્લીગ-પ્રચાર માટે આ રીત અકસીર છે. વિવિધ ધર્મોની જુદી જુદી શ્રદ્ધાઓ અને પૂજા પાઠ, બંદગી, રીત રિવાજ ઉપર ટીકાત્મક દૃષ્ટિપાત કરતાં પહેલાં સૌથી સરળ રીત અપનાવવી જોઈએ જેનું વર્ણન કુઆર્ન પાકમાં મળે છે. લોકો રસૂલ સ.અ.વ.થી કોઈ ચમત્કારની માગણી કર્યા વગર તેઓ આકાશને ધરતીમાં પથરાયેલી અનેકાનેક નિશાનીઓ અને પ્રકૃતિના નાદને સાંભળે તો તેમને લાગશે કે રસૂલનું નિમંત્રણ એ પ્રકૃતિ અનુસાર છે. જે લોકો આ પ્રાકૃતિક માર્ગથી ચલીત થઈ ગયા છે. તેમનું જીવન એકાગ્રતા અને સુખ સુખાકારીથી ખાલી હોય છે. અને જ્યારે એકાગ્ર થઈ પ્રાકૃતિક માર્ગે ચાલવા લાગે છે તો તેમને લાગે છે કે જીવનના દરેક મોડ ઉપર ઘટનાઓ, સ્થિતિઓનું સુખ દુઃખ, મૃત્યુ-જીવન, બિમારીને તંદુરસ્તીનો એક જ માલિક છે. ભલાઈની પ્રાપ્તી અને બુરાઈનો ખાત્મો તેનાથી જોડાયા વગર શકય નથી. આનો એક નાનકડો દાખલો આ છે. વેનેજુએલાના પ્રમુખ હ્યુગો સાવેઝની મોતનો સમય આવ્યો તો તેણે કહ્યું ઃ “I don’t want to die, Please don’t let me die.”

આનાથી વિપરીત મૌલાના મૌદૂદી રહ.ને કાદયાની કોયડા બાબતે પુસ્તક લખવાના અપરાધમાં મૃત્ય દંડની સજા સંભળાવવામાં આવી અને આ ઉપકાર પણ કરાયો કે માર્સલ લૉ અન્વયેે સજા વિરુદ્ધ અપીલનો હક્ક પણ ન આપ્યો. આપ ઇચ્છો તો પોતાની મૃત્યુદંડની સજા વિરુદ્ધ સાત દિવસની અંદર કમાન્ડર ઇન ચીફ સમક્ષ રહેમની અપીલ કરી શકો છો. તો મૌલાનાએ ફરમાવ્યું,

“મારે કોઈને પણ કોઈ અપીલ કરવી નથી. જીવન-મૃત્યનો ફેંસલો ધરતી પર નહીં આકાશમાં થાય છે. જો ત્યાં મારા મૃત્યનો ફેંસલો થઈ ગયો છે તો દુનિયાની કોઈ તાકાત મને મૌતથી નહીં બચાવી શકે અને જો મારી મૌતનો ફેંસલો નથી થયો તો દુનિયાની કોઈ તાકાત મારો વાળ પણ વાંકો કરી શકતી નથી.”

૨. પ્રકૃતિ (ફિતરત)

આ આયતમાં બીજી તાકીદ  આ કરવામાં આવી છે કે માનવી પોતાની પ્રકૃતિ ઉપર કાયમ થઈ જાય. જે પ્રકૃતિ ઉપર અલ્લાહે માનવીને પેદા કર્યો છે. આનો અર્થ એવો થયો કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી દીનદાર થઈ શકે નહીં જ્યાં લગી તે પ્રકૃતિ તરફ ન વળે. બીજા શબ્દોમાં જે પ્રકૃતિ તરફ વળશે તેનું દીનદાર બનવું અત્યંત સરળ છે. પ્રશ્ન આ ઉદ્ભવે છે કે પ્રકૃતિ એટલે શું? આનો સાવ સામાન્ય એક અર્થ આ છે કે જે હવે પછી આગળ આવે છે.

મૌલાના અશરફ અલી થાનવી સાહેબ લખે છે કે, શ્રોતાગણમાંથી પ્રત્યેક વ્યક્તિને કહેવામાં આવે છે કે તમો (ખોટા ધર્મોથી) એકાગ્ર થઈ પોતાનો રુખ આ દીન (સત્યધર્મ)ની તરફ રાખો. (અને બધા) અલ્લાહે અર્પેલી લાયકાત – કાબેલિયતને અનુસરો. જે (લાયકાત) પર અલ્લાહે લોકોને પેદા કર્યા છે. (પ્રકૃતિનો અર્થ આ છે કે અલ્લાહે દરેક વ્યક્તિને સર્જનાત્મક રીતે જ આ ક્ષમતા અર્પી રાખી છે કે જો સત્યને સાંભળવા અને સમજવા માંગતા હોવ તો તે સમજાઈ જાય છે અને તેના અનુસરણનો અર્થ આ છે કે તે ક્ષમતા અને લાયકાતથી કામ લઈ અને તેના તકાદાઓ ઉપર કે જે સત્યની સમજ છે ની ઉપર અમલ કરે એટલે કે પ્રકૃતિનું અનુસરણ કરવું જોઈએ.)

આ વાત આમ પણ કહી શકાય કે દરેક વ્યક્તિ દીનને સરળતાથી સમજી શકે છે. અને તેના પર અમલ કરી શકે છે. કેમ કે આ દીન તેના જન્મમાં જ એવી રીતે વિલીન કરવામાં આવ્યો છે જેવી રીતે કે કેટલાક APPS સ્માર્ટ ફોન ખરીદવા પર by default setting હોય છે. પણ ખોટા ઉપયોગથી ક્યારેક virus દાખલ થઈ જાય છે. તો ક્યારેક hacker attack કરી દે છે. જેના પરિણામે ફોનના functions ક્યારેક hang થઇ જાય છે. તો ક્યારે ઉલટ-પલટ function કરવા લાગે છે.

૩. રચનામાં ફેરફાર

માનવી જન્મજાત રીતે દીને હનીફ પર જન્મે છે. પણ ધીરેધીરે ક્યારેક ક્યારેક વ્યવહારમાં પ્રકૃતિથી ખસી જાય છે. આ દીન ઠીક ઠીક માનવ પ્રકૃતિ પ્રમાણે અને માનવ પ્રકૃતિમાં કોઈ ફેરફાર શક્ય નથી. તેથી આ દીનમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર શકય નથી. આ હકીકત સ્પષ્ટ થઈ જવી જોઈએ કે પ્રકૃતિમાં ફેરફાર થતો નથી. જે તે અભ્યાસથી તેવામાં ફેરવાઇ જાય છે. એટલે કે સમતુલાનું વલણ ત્યજીને જ્યારે કોઈ એકના અંત સુધી પહુચી જાય છે. આ વાતનું હદીસોમાં આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

“દરેક બાળક જે માંની કુખે જન્મ લે છે. માનવી પ્રકૃતિ પર જન્મે છે. આ માતાપિતા છે જે તેને પાછળથી યહૂદી કે ઈસાઈ બનાવી દે છે.” આ હદીસમાં પ્રકૃતિમાં ફેરફારનું કારણ માતાપિતા કે પરિસ્થિતિને ઠેરવવામાં આવ્યા છે.

એક બીજી હદીષમાં આ પ્રકૃતિને hack કરવાને જવાબદાર શૈતાનને ઠરાવ્યું છે. એક દિવસ નબી સ.અ.વ.એ પોતાના ખુત્બા-પ્રવચનમાં ફરમાવ્યું, “મારો રબ ફરમાવે છે કે મેં મારા બધા બંદાઓને હનીફ એટલે એકાગ્ર પેદા કર્યા છે. પછી શૈતાને તેમને તેમના દીનથી ગેરમાર્ગે કરી દિધો. અને જે કંઇ મેં તેમના માટે હલાલ કર્યું હતું. તેને તેઓએ હરામ કરી દીધું. અને તેમને આદેશ આપ્યો કે મારી સાથે તે વસ્તુઓને ભાગીદાર ન ઠેરવતા જેમના ભાગીદાર હોવા પર મેં કોઈ દલીલ અવતરી નથી.”

આને કેટલાક ઉદાહરણોથી સમજી શકાય છે.

* સ્ત્રીની પ્રકૃતિ તેના ઢાંચા પ્રમાણે બનાવી કે માનવજાતિના અસ્તિત્વ માટે નિમિત્ત પુરવાર થાય. જગતમાં મહિલાઓની ઘણી ચળવળો ફેમીનીઝમના નામે ઉભી થઈ કે સ્ત્રીને માતાના રૃપમાં જ કેમ જોવું જોઈએ. જેમ પુરૃષ આ જવાબદારીથી આઝાદ છે. એવી જ રીતે સ્ત્રી પણ આ જવાબદારીને ન સ્વીકારે અને જાતીય સંતોષ માટે પ્રકૃતિથી ભાગવાનો કે બગાવતનો માર્ગ શોધે. પરિણામે એ આવ્યું તે દેશોમાં લગ્ન, ઘર, કુટુંબ, સંબંધો વિગેરેનો ખ્યાલ જ મટી ગયો. ધીમે ધીમે તે કોમોએ પણ જડમૂળથી નાબૂદ થવાના માર્ગ ઉપર પોતાને નાખી દીધી. આજે તેમની વચ્ચે પ્રકૃતિના માર્ગ પાછા ફરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. દા.ત. કુટુંબ બચાવ, વંશ-જાતિ વધારો, ભ્રુણ હત્યાનો વિરોધ, સમલૈંગીકતા અંગે નાની નાની ચળવળો દરેક જગ્યાએ અમલમાં છે. પણ તેમની દશા “નક્કાર ખાને મેં તૂતી કી અવાઝ” સમાન છે.

* ગઈ સદીના અંત સુધી મનોવિજ્ઞાનના પુસ્તકોમાં કેટલાક કૃત્યો અને વલણને પ્રકૃતિની વિરુદ્ધ અને માનસિક રોગોની સૂચિમાં ગણાતું રહ્યું. દા.ત. નગ્નતા, વ્યભિચાર, સ્વાર્થતૃપ્તિ, લગ્નેત્તર સંબંધો, અનીતિ, સમંતિસંબંધો અને જાતિમાં ફેરફાર.

* ઉપર વર્ણન કરેલ હદીષમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે એકેશ્વરવાદની કલ્પના પ્રાકૃતિનો ભાગ છે. પણ શૈતાને તેમને પ્રકૃતિથી ચલિત કરી શિર્કના માર્ર્ગે નાંખી દીધો. જેના માટે ના કોઈ બૌદ્ધિક દલીલ છે અને ન જ ધાર્મિક પુસ્તકથી આના વૈધ હોવાની સનદ મેળવી શકે છે.

અલ્લાહ માનવી પ્રકૃતિનો સાદ છે. જ્યારે આપણે પ્રકૃતિ કહીએ છીએ તો તેનો અર્થ શો છે? માનવીય વિચારસરણીને શ્રદ્ધા, ભાવને આચરણ, રિવાજા ેને વ્યવહારોમાં કોઈ બાબત પ્રત્યેક કાળ, પ્રત્યેક સમાજ, પ્રત્યેક ધાર્મિક વર્ગ અને ઇતિહાસના પ્રત્યેક કાળમાં સમાન જોવા મળે. તો તે તત્વને આપણે પ્રકૃતિ કહી છીએ.  અર્થાત્ માનવી આવી રીતે વિચારવા, આચરણ કરવા ઉપર જન્મજાત રીતે પોતે તૈયાર હોય છે. આ બાબતો ઉપર અમલવારી કોઈ બાહ્ય દબાવથી નહીં બલ્કે આંતરિક તકાદાઓની પૂર્ણાહુતીથી પરિપૂર્ણ કરે છે. આ વાતને એક ઉદાહરણની મદદથી સમજી શકાય છે. જમણ હાથથી જમવાનું પસંદ કરે છે. અને આ જ રીત બધા સમાજના લોકો પસંદ કરે છે. દરેક કાળનો ઇતિહાસ સાક્ષી પુરે છે કે માનવી જમણા હાથથી જ જમે છે. કોઈ પણ ધાર્મિક વર્ગના કોઈ સામૂહિક જમણવારમાં જઈ જોઈ લૉ. જણાશે કે બધા જમણ હાથથી જ જમે છે. ત્યાં સુધી કે  અન્દમાન નિકોબારના જંગલી લોકો કે જેમને સંસ્કૃતિ શું છે તેની હવા પણ લાગી નથી, જે જન્મજાત નગ્ન જ રહે છે. તેઓ પણ જમણા હાથથી જમતા ત્યાંના મ્યુઝીમની છબીઓમાં જોઈ શકાય છે. આમ જે વાત માનવીના computer programmingમાં by default set કરી દેવાઈ છે તે પ્રાકૃતિક છે. માણસ પોતાની શરારત કે વિદ્રોહથી કેટલીક વસ્તુઓને Replace કરી નાખે છે. અથવા તો કેટલાક સમયે Delete કરી દે છે. આવી જ રીતે અલ્લાહ-ઇશ્વરની કલ્પના પણ માનવ પ્રકૃતિમાં મોજૂદ છે. થોડા-જુજ લોકો હશે જેઓ અલ્લાહનો ઇન્કાર કરે છે. મનોવિજ્ઞાનના નિષ્ણાંત લેવિસના મતે માનવજગતને બે ભાગમાં વહેંચી શકાય છે. મોટી બહુમતિ તે છે જે એકેશ્વર અથવા અન્ય ઇશ્વરને સ્વિકારે છે. અને એક લઘુમતિ તે છે જે ઇશ્વર-ખુદાની ઇન્કારી છે. ખુદાનો ઇન્કાર હકીકતમાં ધાર્મિક નેતાઓની ધર્મ પર ઇજારાદારીથી કંટાળીને વિદ્રોહના રૃપમાં ધર્મના અત્યાચારથી નફરત કરતા થઈ ધર્મની જગ્યાએ ખુદાનો ઇન્કાર કરી બેઠા. ખુદાના ઇન્કારનું આ વલણ પશ્ચિમમાં  શરૃ થયું. પાછળથી જગતની ફેશન બની ગઈ. કેટલાક લોકોને જીવનના આરંભમાં જ કડવા અનુભવ થયાં એટલે જીદનો માર્ગ અપનાવ્યો કે ખુદા છે તો તેણે અમારી મદદ કેમ ન કરી. તેથી frustrationમાં તેઓ ખુદાના ઇન્કારી થઈ ગયા. નહીંતર જે લોકોએ ખુદાનો ઇન્કાર કર્યો છે સ્વયં તેમના લખાણોથી ફલીત થાય છે કે બુદ્ધિથી તેઓ ખુદા ન હોવાની દલીલો લાવતા હતાં. પણ સ્વંય તેમના હૃદય તે દલીલથી સંતુષ્ટ ન હતાં. પ્રકૃતિના જોરે અજ્ઞાત રીતે ખુદાના અસ્તિત્વનો એહસાસ તેમના વ્યવહારિક જીવનમાં અને તેમના લખાણોમાં થાય છે. દા.ત. સીગમંડ ફ્રાઈડ કે જેણે સંપૂર્ણ ઘમંડ સાથે ખુદાના ઇન્કારનું એલાન કર્યું હતું કે ખુદા માત્ર માનવી ઇચ્છાઓ અને જરૂરતોનો કાલ્પનિક ખ્યાલ છે.

“That belief in God is merely a projection of powerfull wishes and inner needs”

પણ પોતાના મિત્રોને લખાયેલા પત્રોમાં તે અંતરઆત્માના અવાજને આ રીતે લખે છે. જેથી તેના આંતરિક ઘર્ષણનો અંદાજ આવી જાય છે કે (આ ચર્ચાનો મોટો ભાગ ખાસ કરીને મારા માટે આ સત્યમાં છુપાયેલો છે કે બધી વસ્તુઓનું વિજ્ઞાન માંગ કરે છે કે ખુદાના અસ્તિત્વને સ્વિકારો.)

“The bad part of it, especially for me, live in the fact that the science of all things seems to demand the existence of God”

તેથી જ ખુદાના અસ્તિત્વ અને તેની હકીકતનો સ્વીકાર કરવો જ વૈજ્ઞાનિક વલણ છે. અલબત્ત પ્રશ્ન અહી આવી થંભે છે કે ખુદા તો છે પણ આપણને તેની જરૂરત શું છે. આ જરૂરતને બુદ્ધિથી સમજાવવાના બદલે, માનવીને તેનો પોતાનો અનુભવ બતાવે છે કે જ્યારે તે ખુદાનો પોતાના વ્યવહારિક જીવનમાં અનુભવે કરે છે નહીં તો ખુદાની જરૂરત વગર માનવી જીવન અર્થહીન છે. તેના અસ્તિત્વનો આશય અર્થહીન છે. અને તેના અંતરમાં નૈતિક નિયમોનો ખ્યાલ બિનજરૂરી વસ્તુ છે. વાસ્તવિકતા આ છે કે તેની તરફ પલટયા વગર માનવી મનની શાંતિ અને સંતોષ મેળવી શકતો નથી. (હૃદયની શાંતિ ને સંતોષ મહામૂલી વસ્તુ છે. જે ખુદાથી જોડાયા વગર શકય નથી.)

ખુદાની આત્મા (રૃહ)ની ચિંગારી divine spark માનવીમાં મોજૂદ હોવાની દલીલ જ તો છે કે તે અલ્લાહને પ્રાપ્ત કરવા માંગે છે. તેનાથી મદદ માંગે છે. તેનાથી દુઆ કરે છે. પોતાની સફળતા તેની મદદ વગર અશક્ય માને છે.

એવરેસ્ટ દુનિયાના સૌથી ઊંચા પર્વતનું શિખર છે. તેનસીંગનોર્ગે નેપાલના એક પહાડી કુલી અને ન્યુઝીલેન્ડના સર એડમંડ હિલેરી ૧૯૫૨માં તેના શિખર પર પહોંચવામાં સફળ થયા.

૯ મે ૧૯૮૬ના રોજ તેનસીંગ નોર્ગેનું અવસાન થયું. તેના દેહાંત પર સર એડમંડ હિલેરીએ એક શોક સંદેશ આપ્યો. તે સંદેશમાં જણાવ્યું હતું કે તેનસીંગ નોર્ગે જ્યારે એવરેસ્ટ સુધી પહોંચવામાં સફળ થયા તો તે સમયે પોતાના જીવનના અંતિમ બિંદુ પર તે બરફ ઉપર ઘુંટણીયે પડી ગયાં. તેમણે બરફમાં નાનકડું છીદ્ર બનાવ્યું અને તેની અંદર મીઠાસ મૂકી. આ અલ્લાહ ખાતર તેમની શ્રદ્ધા હતી.

And then at the high point of his life, Tenzing knet in the snow, made a little hole and put sweets into it, his gesture to God.

માનવી પોતાની પ્રકૃતિના જોરે ઇચ્છે છે કે તે પોતાની સફળતાને કોઈ ઉચ્ચ હસ્તીના ખાનામાં નાંખે. (અઝમતે ઇન્સાન મૌલાના વહીદુદ્દીન ખાન પા.નં.૧૫)

ઇચ્છા, શક્તિ, નિર્ણય, સત્તા, કાનૂન ઘડતર, સર્જન વિગેરેની લાયકાત વગર ખુદાની કલ્પના કરવી શકય નથી.

જ્યારે માનવી તેની રૃહ (આત્મા)થી સર્જાયો છે તેથી તે તત્વોની અસર પણ માનવમાં જોવા મળે છે. માનવ સંસ્કૃતિના ભવ્ય દર્શન  માનવીની સર્જનાત્મક લાયકાતમાં જોવા મળે છે. અને આ તફાવત એક આધ્યાત્મિક અસ્તિત્વની સાથે જ કરી શકાય છે. જગતના અન્ય કોઈ સર્જનથી સંસ્કાર ને સંસ્કૃતિની સમજ શક્ય નથી. પણ જયારે માનવી પોતાની આ સાંસ્કૃતિક પ્રગતિ અને જગતની ધુરા સંભાળવા અને ચલાવવામાં પોતાની પ્રકૃતિથી બગાવત કરે છે ત્યાંથી તેની ગાડી પાટા ઉપરથી ખરી પડીને પથરાળ જમીન ઉપર આવી જાય છે. જ્યાંથી તેની સફર ઘાતક થઈ જાય છે.

૪. દીને કૈયીમ (સનાતન ધર્મ)

જગતના અન્ય ધર્મોની વિટંબણા આ છે કે તમામ બાબતોને દીન અને શરીઅતના ભાગ બનાવી દીધો જેના અર્થઘટન ન બુદ્ધિથી કરી શકાય અને ના  જ વિજ્ઞાનની કસોટી પર પાર ઉતરે છે. પણ આ પાયા વગરના અને અયોગ્ય શ્રધ્ધા અને રીતને દીન- ધર્મ સમજીને તેનાથી જોડાયેલા છે. અરબના મુશરીકોના ત્યાં હલાલ હરામની પોતેજ ઘડી દીધેલ શરીઅતમાં “બહીરા,સાએબા, વસીલા અને હામને હરામ ઠેરવવું શામેલ છે.” બહીરા તે ઉંટણીને કહેવામાં આવતું જેણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હોય. સાયબા એટલે કોઇક ઊંટને દેવી દેવતાના નામ પર પૂન્યના નામે આઝાદ કરી દેવું. વસીલા એટલે પબરીનો પહેલો નર સંતાન જેને ઝિબહ કરવામાં આવે. હામ એટલે એ ઊંટ જે દાદા બની જાય. આ બધા પશુઓ એમના ત્યાં હરામ હતા. એવી રીતે જ હિન્દુ ધર્મની ક્રિયા ‘માડે અસ્નાના’ની વિધિ પણ ન તો વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય છે ન જ બુદ્ધિ એને સ્વીકારે છે. આ રીવાજ મુજબ નિમ્ન જાતિના શ્રદ્ધાળુ કેળાના એ પાંદડા ઉપર વસ્ત્રહીન થઇને ચાલે છે જેને બ્રહ્મણોએ ખાધા પછી ફેંકી દીધા હોય. શ્રધ્ધાળુઓ આ ભોજન ખૂબ ધરીને ખાઇ લીધા પછી નજીકની નદીમાં જઇને પવિત્ર સ્નાન કરે છે. તેઓની ધારણા મુજબ આવું કરવાથી તેમના ગુના માફ થઇ જાય છે. અને શારીરિક રોગો તથા ચામડીની બીમારી મટી જાય છે. અને તેઓની મુક્તિ થઇ જાય છે. તદુપરાંત તંદુરસ્ત થઇને પાછા ફરે છે. આવી રીતે જ ખ્રિસ્તિઓની પણ કેટલીક ઉપાસનાઓ છે જેમને બુદ્ધિ અને તર્ક સાથે કોઇ સંબંધ નથી, તેમ છતાં લોકો એ રીતે રિવાજોને દીન (ધર્મ) સમજીને એની સાથે જોડાયેલા છે.

એના વિરૃધ્ધમાં ઇસ્લામ એક એવો ધર્મ છે જે મનુષ્યની પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એમાં કોઇ વાત એવી નથી જે બિન વૈજ્ઞાનિક અને બુદ્ધિ વગરની હોય. આ વાતને ઉદાહરણરૃપે આવી રીતે સમજાવવામાં આવ્યું છે જે મંઝિલ સુધી તમે પહોંચવા માંગો છો એના માટે એક સિધો માર્ગ તમારી સામે છે. જેની બન્ને બાજુ બે દીવાલો છે. બન્ને દીવાલોમાં ખુલ્લા બારણાં છે. જેમના ઉપર પડદા પાડેલા છે. માર્ગના છેડે એક પોકારવાવાળો પોકારીને કહી રહ્યો છે કે અંદર આવી જાઓ અને સીધા ચાલતા રહો. તેમ છતાં કોઇ વ્યક્તિ ડાબી-જમણી તરફના બારણાઓ ઉપર પડેલા પડદા હટાવવા ઇચ્છે તો ઉપરથી એક પોકારવાવાળો પોકારી કહે છે, સાવધાન! પડદો ઉઠાવતા નહીં ઉઠાવશો તો અંદર જતા રહેશો. ફરમાવ્યું કે આ રસ્તો ઇસ્લામ છે. દીવાલો અલ્લાહની હદો છે, દરવાજાઓ તેની કાયમ કરેલ મર્યાદાઓ છે. અને ઉપરથી પોકારવાવાળો ખુદાનો એ ઉપદેશક છે જે દરેક મોમીન બંદાના હૃદયમાં છે અને માર્ગના છેડે પોકારવાવાળો કુઆર્ન છે. “હકીકત એ છે કે આ કુઆર્ન તે માર્ગ દેખાડે છે જે તદ્દન સીધો છે. જે લોકો આને માનીને સારા કાર્યો કરવા લાગે તેમને એ ખુશખબર આપે છે કે તેમના માટે મોટો બદલો છે” (સૂરઃ બની ઇસરાઈલ-૯)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments