યૂસુફ અ.સ. અત્યંત સુંદર અને શક્તિશાળી યુવાન હતા. ઇજિપ્તના શાસકની પત્ની ઝુલેખા યૂસુફ અ.સ. ઉપર સ્નેહજાળ પાથરવા લાગી, તેમને ફસાવવાના પ્રયત્નોમાં લાગી રહેતી. એક દિવસે ઇજિપ્તના શાસકની પત્ની ઝુલેખાએ યૂસુફ અ.સ.ને એકલા જાઈને મોજ માણવા માટે આમંત્રણ આપ્યું, વ્યભિચાર માટે આમંત્રણ. એકલતા હતી, યૂસુફ અ.સ. યુવાન હતા, કામવાસના સંતોષવા માટે માર્ગ સરળ હતો અને તેમની સમક્ષ સ્પષ્ટ આમંત્રણ હતું.
સૂરઃયૂસુફમાં ઉલ્લેખ છે કે, “જે સ્ત્રીના ઘરમાં તે હતા, તે તેના પર સ્નેહજાળ પાથરવા લાગી અને એક દિવસે દરવાજા બંધ કરીને બોલી, ‘‘આવી જા.’’ યૂસુફ અ.સ.એ કહ્યું, અલ્લાહની પનાહ! મારા રબે તો મને સારી પ્રતિષ્ઠા અને મોભો પ્રદાન કર્યો અને હું આ કાર્ય કરૂં? આવા અત્યાચારીઓ ક્યારેય સફળતા પામી શકતા નથી.’’
યૂસુફ અ.સ.એ અલ્લાહનો ભય રાખ્યો, અલ્લાહની શરણ માંગી, અલ્લાહનું સ્મરણ કર્યું કે અલ્લાહે મને એટલો સન્માનિત કર્યો, અંધારા કૂવામાંથી બહાર કાઢયો, ઇજિપ્તના શાસકના ઘર સુધી પહોંચાડયો, અને હું અલ્લાહની દયા અને કૃપાનો ખોટો બદલો આપું? જા મેં આ વ્યભિચારના આમંત્રણને સ્વીકારી લીધું તો હું સ્વયં પોતાના ઉપર અત્યાચાર કરનારાઓમાં સામેલ થાઉં.
મારા યુવાન મિત્રો, શેતાન ખરેખર બૂરાઇઓ ઉપર ઉશ્કેરે છે, બૂરાઈઓનું આમંત્રણ આપે છે, વ્યભિચારના માર્ગ ઉપર પ્રેરે છે. પુરુષને સ્ત્રી માટે અને સ્ત્રીને પુરુષ માટે આકર્ષણ રહે છે, તેનો ફાયદો શેતાન ખૂબ ઉઠાવે છે, આ જ માધ્યમથી સ્ત્રી-પુરુષને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નોમાં શેતાન લાગેલો હોય છે.
આ અવસરે યૂસુફ અ.સ.એ ન ફકત ઝુલેખાના બળજબરી વ્યભિચારના આમંત્રણને નકાર્યું, બલ્કે અલ્લાહની દયા-કરૂણા અને ને’મતોને પણ યાદ કર્યા, અલ્લાહનો ભય બતાવ્યો, અલ્લાહની શરણ માંગી, પોતાના વ્યક્તિત્વ ઉપર દાગ ન લાગવા દીધો, ચારિત્ર્યવાન રહ્યા અને યૂસુફ અ.સ. બહારના દરવાજા તરફ દોડ્યા…
આ સમગ્ર ઘટનામાં યુવા વર્ગ માટે સર્વશ્રેષ્ઠ ઉપદેશ ઉપલબ્ધ છે. આજના ટી.વી., ઇન્ટરનેટ અને મોબાઇલ-ટેકનોલોજીના ફિતનાઓના યુગમાં બૂરાઈ કરવી બિલકુલ આસાન છે. મોબાઈલ ઉપર એકલતામાં અશ્લીલ અને નગ્ન ચિત્રો જાવા, છોકરીઓની નગ્ન વીડિયો જાઈને આંખોથી આનંદ મેળવવો, આ બધા સામાન્ય ગુનાઓ છે. યુવા પેઢી અમુક ક્ષણના આનંદ અને હંમેશ માટેનું અપમાન અને યાતના ખરીદી રહ્યા છે.
યુવાઓએે હઝરત યૂસુફ અ.સ.ના ચારિત્ર્યશીલ જીવનને હંમેશાં નજર સમક્ષ રાખવી જાઈએ. જ્યારે કામવાસના જાગે અને એકલતામાં હોવ, કોઈ મોજ-શોખનો સામાન પણ ઉપલબ્ધ હોય તો યૂસુફ અ.સ.ની જેમ હંમેશા અલ્લાહનો ભય નજર સમક્ષ રાખો, યુવાનીને કલંકિત થવાથી બચાવવી જાઈએ, યુવાનીને યૂસુફ અ.સ.ની જેમ ચારિત્ર્યશીલ રાખવી જાઈએ.
પયગમ્બર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ એકવાર જણાવ્યું હતું કે જા કોઈ સામર્થ્ય ધરાવતી વ્યક્તિ હોય તો તેણે નિકાહ કરી લેવો જાઈએ. કારણકે નજરને નીચી રાખવી અને શિયળની રક્ષા અને ખરાબ કામોથી સુરક્ષિત રહેવાનું આ માધ્યમ છે. અને જા કોઈ નિકાહ ન કરી શકે તો તેણે રોઝા રાખવા જાઈએ. કેમકે તે તેની કામવાસનાને નાબૂદ કરી દે છે.
છેલ્લે યૂસુફ અ.સ.ની પવિત્રતા સાબિત થઈ. સૂરઃયૂસુફમાં અલ્લાહ ફરમાવે છેઃ “બાદશાહે તે સ્ત્રીઓ પાસેથી પુછાવ્યું, ‘‘તમારો શું અનુભવ છે તે વખતનો જ્યારે તમે યૂસુફ અ.સ.ને રીઝવવાની કોશિશ કરી હતી ?’’ સૌએ એકી અવાજે કહ્યું, ‘‘અલ્લાહની પનાહ! અમે તો તેનામાં બૂરાઈનો અંશ સુધ્ધાં ન જાયો.’’ અઝીઝની પત્ની બોલી ઊઠી, હવે સત્ય સ્પષ્ટ થઈ ગયું છે, તે હું જ હતી જેણે તેને ફોસલાવવાની કોશિશ કરી હતી, નિઃશંક તે તદ્દન સાચો છે.’’
યાદ રાખો, પવિત્રતા અને ચારિત્ર્યશીલતાનો માર્ગ ઘણો મુશ્કેલ અવશ્ય જણાય છે, અજમાયશનો સામનો કરવો પડે છે, પરંતુ છેલ્લે ચારિત્ર્યશીલ વ્યક્તિની જ જીત હોય છે. ગુનાઓનો આનંદ અમુક ક્ષણનો, પરંતુ ગુનાઓની સજા હંમેશ માટેની જહન્નમની આગ છે. તોબા કરીએ, અલ્લાહનો ભય રાખીએ, અલ્લાહની કૃપાનું સ્મરણ કરીએ, અલ્લાહની તરફ પલટીએ, નિઃશંક અલ્લાહ અત્યંત કૃપાળુ અને દયાળુ છે. •