માનવ-જીવન વાસ્તવમાં ત્રણ મૌલિક તત્ત્વોથી નિર્મિત હોય છે. એ ત્રણ તત્ત્વો આ છે :
(૧) પ્રેમ
(૨) કર્મ
(૩) આશા
૧) પ્રેમ (something to love)
જીવનમાં જો કોઈ એવી વસ્તુ જોવા ન મળે જે માનવ-પ્રેમનો વિષય બની શકે, જે તેના માટે માનસિક સહારાનું કામ કરતી હોય, જેનાથી તેને જીવવાની હિંમત-પ્રેરણા મળતી હોય, જેનાથી તેના ફોટા ઉપર સ્મિત રેલાતું હોય, જેના દ્વારા તેના દિલની દુનિયા આબાદ થતી હોય, તેના લીધે તે સ્વયં પોતાને ભાગ્યવાન સમજતો હોય, જેના માટે તે તકલીફો ઉઠાવી શકતો હોય, અને જેના માટે તે મોટામાં મોટી કુર્બાની આપી શકતો હોય, તો આવી સ્થિતિમાં મનુષ્ય જીવી નથી શકતો. તે આત્મહત્યા કરી લેશે. આ જ કારણ છે કે મનુષ્ય કોઈને કોઈ વસ્તુથી પ્રેમ અવશ્ય કરે છે.
(૨) કર્મ (something to do)
જીવનનું બીજું મૌલિક તત્ત્વ આ છે કે મનુષ્ય માટે કોઈ મહાન કાર્ય સંપન્ન કરવાનો અવસર મળવો જોઈએ. તે દોડધામ, પ્રયાસ અને સંઘર્ષ વિના નથી રહી શકતો. વાસ્તવમાં કર્મ અને જીવન બન્ને સમાનાર્થી શબ્દો છે. કર્મ વિના જીવનની કલ્પના નથી કરી શકાતી. એવા જીવનને જીવન નથી કહી શકતા જેમાં કંઇ કરવાનું ન હોય, જેમાં મનુષ્યને પોતાની ઊર્જા શક્તિને ખર્ચ કરવાની કોઈ તક પ્રાપ્ત ન હોય, પ્રયાસ અને સંઘર્ષ વિના ચારિત્ર્યિક ગુણોના પ્રદર્શન અને તેના વિકાસની સંભાવના સમાપી થઈ જતી હોય. ટુંકમાં આ કે જીવન માટે કર્મ અનિવાર્ય છે. નિષ્ક્રિયતા તો મૃત્યુ છે. જીવન મરુભૂમિ ન હોવું જોઈએ. મરુભૂમિ-રણપ્રદેશમાં હરિયાળી નથી હોતી, વૃક્ષ નથી હોતા કે જેમના પર પક્ષીઓ રોકાણ કરી શકે. ચમન નથી હોતા કે જેમાં બુલબુલો ગુંજારવ કરી શકે, ફૂલ ખિલી શકે અને સુગંધ પ્રસરી શકે.
(૩) આશા (something to hope)
જીવનનું ત્રીજું મૂળ-મૌલિક તત્ત્વ છે આશા. જીવન એ જ છે જેમાં કંઇ આશાઓ હોય, ઉમ્મીદો અને કામનાઓ હોય. આશાઓની કલ્પનાની ઉષ્માથી જીવન ઉર્જા પ્રાપ્ત કરે છે. શું તમે વિચારી શકો છો કે આ ધરતી પર કોઈ એવી વ્યક્તિ પણ જોવા મળી શકે છે કે જેના જીવનમાં ન કોઈ આશા જોવા મળતી હોય અને ન તો કામના. આશાઓના આધારે માનવી પોતાના સપના સેવે છે, અને કદાચ જીવનની આ સૌથી પ્રિય વ્યસ્તતા પણ છેઃ
એક નઈ શૈ વજૂદમેં આઈ
ખાક ઔર ખ્વાબકો મિલાનેસે
સ્વપ્નાઓ ‘ખાક’ (માટી)ને કંઇથી કંઇ બનાવી દીધી. એક નવી ‘શૈ’ (વસ્તુ), એક નવીન વસ્તુ અર્થાત્ મનુષ્યના અસ્તિત્વમાં આવવાનું કારણ-ભૌતિક તત્ત્વથી વધુ સ્વપ્ન અથવા ચેતના, વિચાર, આશા અને કામનાઓ. આશાઓ અને કામનાઓ હોય તો મનુષ્ય માત્ર માટીનો એક ઢગલો બનીને રહી જશે.
ઉપર જે કાંઇ કહેવામાં આવ્યું તેનાથી જીવનના ત્રણેય મૌલિક તત્ત્વોના મહત્ત્વનો સારી રીતે અંદાજો લગાવી શકાય છે. એ જ વિચાર વાસ્તવમાં વિચાર (thought) છે અને એ જ ધર્મ વાસ્તવમાં ધર્મ હોઈ શકે છે જે જીવનના આ ત્રણેય પાસાઓની દૃષ્ટિએ માનવનું માર્ગદર્શન કરે છે.
તે બતાવે છે કે મનુષ્ય પ્રેમભાવના મૂલ્યને સમજે અને આના વાસ્તવિક લક્ષ્ય (Objective) અલ્લાહ-ઇશ્વરને સમજે અને તે પોતાની સંપૂર્ણ શક્તિ અને સંપૂર્ણ આત્માથી તેને પ્રેમ કરે. એ જ વાસ્તવમાં મનુષ્યને શાંતિ અને આનંદ આપી શકે છે. તેના જ સ્મરણથી દિલોને સુકૂન-રાહત મળે છે. જો મનુષ્ય પ્રેમાભાવથી ખાલી હોય તો તેનું જીવન ખૂબ જ શુષ્ક થઈને રહી જશે. ઉદાસી સિવાય તેના ભાગમાં કોઈ વસ્તુ નહીં આવે. ઇસ્લામે જીવનના આ તથ્યનો પૂરી રીતે આદર કર્યો છે. આથી કુઆર્નમાં છે
“જેઓ ઈમાનવાળા છે તેઓ અલ્લાહથી બેહદ પ્રેમ કરે છે” અને કુઆર્નમાં આ પણ કહેવામાં આવ્યું છે કે “સાંભળી લો, અલ્લાહના સ્મરણથી જ દિલોને ચેન-રાહત અને શાંતિ પ્રાપ્ત થાય છે.”
કુઆર્ન સત્કર્મને ઈમાનનો તકાદો ગણાવે છે. કુઆર્નમાં વારંવાર ઈમાનની સાથે સારા કર્મોના ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેનાથી જણાય છે કે ઈમાન માટે સત્કર્મો આવશ્યક છે. કર્મ વિના ઈમાન નિર્જીવ અને નિરર્થક બનીને રહી જાય છે. ઇસ્લામે જીવનના આ બીજા મહત્ત્વપૂર્ણ પાસા કર્મ ઉપર જેટલો ભાર મૂક્યો છે એટલો ભાર કદાચ જ કોઈ ચિંતન અને દર્શનમાં મૂકવામાં આવ્યો હોય.
આશા અને કામનાનો સંબંધ જીવનના ત્રીજા મહત્ત્વપૂર્ણ મૌલિક કે મૂળ તત્ત્વ સાથે છે. આ જ એ તત્ત્વ છે જે વર્તમાનને ભવિષ્ય સાથે જોડે છે. જીવનનો આ એ તત્ત્વ છે જેના લીધે મનુષ્ય અમરત્વનું સ્વપ્ન જુએ છે. કુઆર્ન જણાવે છે કે અમર જીવન માટે જ મનુષ્યને પેદા કરવામાં આવ્યો છે. અમરત્વ જ મનુષ્યની નિયતિ છે. જન્નત-સ્વર્ગ તેના જ માટે છે. અલ્લાહનું સામીપ્ય અને પ્રસન્નતા તેના માટે જ છે. સાંસારિક જીવનમાં પણ જીવનની ખુશી અને સૌંદર્ય તેના માટે જ છે. આ દુનિયામાં જો મૃત્યુની જોગવાઈ રાખવામાં આવી છે તો તે માત્ર એટલા માટે કે મનુષ્ય આના દ્વારા એક બીજા લોકમાં પ્રવેશ કરી શકે, જે વર્તમાન કરતાં ઉત્તમ અને વિસ્તૃત-વિશાળ છે. *