Tuesday, September 10, 2024

જીવન આયોજન

આપણા જીવનમાં ઘણા પ્રકારની વૃધ્ધિ થઇ છે, આપણી ઉંમરમાં વૃધ્ધિ થઇ છે, આપણી શૈક્ષણિક લાયકાતમાં વૃધ્ધિ થઇ છે, આપણા પગારોમાં કે આવકમાં અનેકગણી વૃધ્ધિ થઇ છે, આપણા શરીરનું વજન પણ વધ્યું છે. આપણું કુટુંબ પણ મોટુ થઇ ગયું છે. જિંદગીની ભૌતિક સુખ-સગવડો પણ વિશાળ પ્રમાણમાં વધી છે. પરતું તેની તુલનામાં શું આપણી નૈતિક પ્રગતિ પણ થઇ છે? ડિગ્રીઓની સંખ્યા તો લાંબી થઇ ગઇ છે પરંતુ શું જ્ઞાાનમાં ગહનતા (ઊંડાપણું) આવી છે. નેકીઓ કમાવવામાં અપણે કેટલા અગ્રેસર રહીએ છીએ. શું સમાજમાં આપણા વ્યક્તિત્વનું વજન અનુભવાય છે. શું આપણાથી પ્રભાવિત થનારાઓના વર્તુળનો વિસ્તાર પણ વધ્યો છે? શું વિનમ્રતા ઉદારતા, સહિષ્ણુતા અને મિલનસારીની દોલતથી આપણે માલામાલ થયા છીએ?નિરક્ષણ કરવાથી ખબર પડી જશે કે આપણી જાતની ઉણપોેના સંદર્ભે કેટલા પ્રમાણમાં વૃધ્ધિ થઇ છે. પરંતુ તેનાથી વિપરીત રીપોર્ટમાં કોઇ જાતની ઇચ્છિત પ્રગતિનો અનુભવ જણાતો નથી. પ્રથમ તો આપણી કોશિશોમાં જ ઉણપ છે. જ્યારે કે આપણી જાતની પ્રગતિનો આધાર જ આપણી કોશિશો ઉપર રહેલો છે. હાલમાં જેવી પણ આપણી જિંદગી છે તે આપણું વર્તમાન વ્યક્તિત્વ છે, આ દૃષ્ટિબિંદુથી જો વ્યક્તિત્વના વિકાસ માટેનું પ્લાનિંગ શરૃ કરી દેવામાં આવે તો આપણે ત્યાં પહોંચી જઇશું જે આપણું ઇચ્છિત વ્યક્તિત્વ છે. વર્તમાન વ્યક્તિત્વથી ઇચ્છિત વ્યક્તિત્વ સુધીના વિકાસ માટે જિંદગીનું પ્લાનીંગ કરવું જરૂરી છે. આ વિષયમાં પ્લાનીંગની બે શ્રેણિઓ ઉપર ચર્ચા કરવામાં આવશે તેની ફળશ્રુતિ એ જ છે કે આપણે પોતાની જિંદગી ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરીએ અને તેને વિકાસના માર્ગ પર લાવવા માટે સબળ ઇચ્છા શક્તિ થી સભાનતાપુર્વક પ્રયત્નો કરીએ.

૧. ભુમિકા અને લક્ષ :

દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં એક સાથે ઘણી ભુમિકાઓ (હેસિયતો) ધરાવે છે. જો તેને પોતાની દરેક ભુમિકાનું જ્ઞાાન પ્રાપ્ત થઇ જાય તો તે ઉત્સાહપૂર્વક અને સુંદર રીતે પોતાની જવાબદારી નિભાવી શકે છે જ્યારે વ્યક્તિ પોતાની જાતની સર્વાંગી યોગ્યતાઓથી પોતે જ બેખબર હોય તો ફર્ઝની અદાયગીમાં તે ગાફેલ બનશે અને તે કાર્યને ન્યાય આપવામાં જરૃર ભુલો કરશે. જે જે યોગ્યતાઓથી તે પોતાની જવાબદારીની અદાયગીમાં ગાફેલ બનશે. તે તેે પાસાઓથી તેનું વ્યક્તિત્વ વજન વિહોણું બની જશે. બલ્કે અમુક સમયે તો તે હક્ક છિનવી લેવાના ગુનાનો આરોપી બની જશે. પરંતુ તેને એનો એહસાસ સુધ્ધાં નહી હોય.

એક વ્યક્તિ કોઇનો પુત્ર છે તો તે કેટલાક બાળકોનો પિતા પણ હોય છે. પત્નિ માટે તેની ભુમિકા પતિની હોય છે તો કોઇ પડોશી માટે પડોશીના નાતે તેની કેટલીક જવાબદારી હોય છે. કોઇ સંસ્થાનો તે મેમ્બર અથવા જિમ્મેદાર હોય છે તો તેના અમુક તકાદાઓ હોેય છે, મોટાભાગે બાળકોની ચિંતામાં તે માં-બાપના હક્કોથી ગાફેલ બની જાય છે, તો માંની સંભાળ લેવામાં અને તેને ખુશ રાખવાની કોશીશમાં પત્નિનો હક પાયમાલ થઇ જાય છે, આ તમામ કોર્યો પરત્વે જો કોઇ હિંમ્મતવાન પુરૃષ પ્રભુત્વ પ્રાપ્ત કરી પણ લે તો ખુદ પોતાની જાત પ્રત્યે લાપરવા બની જતો હોય છે આ બાબત વ્યક્તિ માટે સૌથી મોટી નિષ્ફળતા છે. હઝરત ઇસા અલૈ.નું કથન છે. “What shall it profit a man if he shall gain the whole world and loss his own soul.”

જિંદગીના પ્લાનીંગની શરૃઆત એ રીતે થાય કે એક દિવસે પોતાના અંતઃકરણમાં ઝાંખીને ડોકીયું કરે, હૃદયના ઊંડાણમાં ઉતરે, પોતાની જાતને પોતની મનેચ્છાઓના ખુંટેથી આઝાદ કરે, અને પછી એ જૂએ કે શરીઅતે એના ઉપર કોના કોના અને ક્યા ક્યા હક્કો સ્થાપિત કર્યા છે, જેને નિભાવવાની જવાબદારી તેના શિરે છે. રીશ્તા-નાતા અલ્લાહને ત્યાં બહુ જ પ્રતિષ્ઠા ધરાવે છે. આખેરતના ભયાનક વાતાવરણથી તો તે એક બીજાથી દૂર ભાગશે જ પરંતુ દુનિયામાં જ આખેરતનું આ દ્રશ્ય ઘણા ખરા વ્યક્તિઓની જિંદગીઓમાં નજરે પડે છે. વ્યક્તિ માટે આ નિષ્ફળતાની વાત હશે કે તે સંકોચાઇને ફક્ત પતિ અથવા પિતાની ભુમિકા અદા કરવામાં જ લાગેલો રહે અને બાકીના રીશ્તેદારોનો ન તો તેને ખ્યાલ રહે કે ન એહસાસ. જિંદગીમાં ખુશીઓની લહેરો ત્યારે જ આવશે જ્યારે આપણે વિશાળ વર્તુળમાં લોકો માટે લાભદાયક હોઇએ. ઘરવાળાઓ અને સમાજ માટે રક્ષાસ્થાન બની જઇએ.

આપણી જિંદગીના પ્લાનીંગ માટે પ્રથમ શ્રેણી આપણી ભુમિકાઓનો એહસાસ છે. બીજી શ્રેણીમાં જુદી-જુદી ભૂમિકાને અંતર્ગત,આપણું લક્ષ સ્પષ્ટ, સ્વચ્છ અને પારદર્શક હોવું જોઇએ. પુત્રની હૈસિયતથી માં-બાપના હકમાં મારૃં લક્ષ એ હશે કે હું તેમને ખુશ રાખું અને તેમની ઉત્તમ રીતે ખિદમત કરૃં, બાપની હૈસિયતથી સંતાનોના હકમાં મારૃં લક્ષ એ હશે કે હું મારા કલેજાના ટુકડા, દિલના ચેન અને નૂર એવા સંતાનોની તર્બિયત કરૃં અને તેમની જાઇઝ જરૂરીયાતોની પુર્તિ કરવા માટેનો બંદોબસ્ત કરૃં. દુનિયાભરમાં મારી ચર્ચા થાય , પરંતુ ઘરમાં મારી કોઇ ઇજ્જત ન થાય કારણ કે મેં બાળકોને ન તો પ્યાર આપ્યો ન સમય ન તેમની સાથે રમત-ગમત અને ન તેમને વાર્તાઓ સંભળાવવાની ફુરસત, ન તેમની સ્કુલબેગ, પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાની દિલચસ્પી ન તેમને નમાઝના પાબંદ બનાવવાની ફિકર, ન જમાઅત સાથે સંબંધ જોડવાનો વિચાર. છેવટે એક દિવસ એવો આવે છે કે, માં-બાપ અને સંતાનો વચ્ચેના પવિત્ર સંબંધો, ઉપકાર અને ભલી લાગણીઓ ઠંડી પડી જાય છે. એક બિજા વચ્ચે ફક્ત ઓળખાવી બાકી રહી જાય છે. અને એક જ ઘરમાં રહેવા છતાં ભાડુઆતની માફક સંલગ્ન રહે છે. અહીં સુધી પહોંચીને વ્યક્તિ દિલમાંને દિલમાં વ્યથિત થાય છે. જિંદગી કડવી અને પિડાજનક બની જાય છે. કારણ સ્પષ્ટ છે કે બાપની હૈસિયતથી બાળકો માટે કોઇ જાતનું લક્ષ નિર્ધારીત ન હતું. પરિસ્થિતિઓની દયા અને કૃપાના આધારે ઉછરીને મોટા થયેલ બાળકો શું આપણા પ્રત્યે દિલના ઉમળકા સાથે કોઇ લગાવ રાખી શકશે? આથી જુદી જુદી ભુમિકાના અંતર્ગત લક્ષ નિર્ધારીત રહેવું જોઇએ.

આના પછી ત્રીજી શ્રેણીમાં આ લક્ષને પ્રાપ્ત કરવા માટે વાર્ષિક કે છ માસિક કોઇ પ્લાન નકકી કરવો જોઇએ. ઉદાહરણ તરીકે જો પતિની રૃએ પત્નિના વિષયમાં આ લક્ષ નિર્ધારિત કર્યું હોય કે તેની લાયકાતોને વિકસાવવા માટે પ્રસંગો ઉપસ્થિત કરવા છે. તો આ લક્ષના અંતર્ગત નાના પ્લાન નક્કી કરી શકાય છે. દાખલા તરીકે M.A. કોર્ષમાં એડમિશન મેળવવું અથવા કોમ્પયુટર કોર્ષ કરાવવો વગેરે. પ્લાન હકીકત ઉપર આધારીત હોવો જોઇએ નહિં કે ફક્ત મનેચ્છાને આધિન, પ્લાન એવો હોય કે તેને સરળતાથી કે સફળતાપુર્વક પ્રાપ્ત કરી શકાય નહીં કે હિમાલય પર્વત ઉપર ચડવા બરાબર હોય , પ્લાન સંજોગો અને વ્યક્તિની શક્તિને નજર સમક્ષ રાખીને બનાવવામાં આવે. પ્લાન બનાવતી વખતે પોતની આર્થિક સ્થિતિનો પણ એહસાસ અને ખ્યાલ હોવો જોઇએ. નહિંતર પ્લાનીંગ વ્યર્થ જશે અને સ્વપ્નોનો અધુરા રહી જશે.

પ્લાનિંગ કર્યા પછી ચોથી મંઝિલમાં સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવે. તે પ્લાન (મંસુબો) ફક્ત સ્વપ્નો જ બની જશે જો તે નિર્ધારીત સમય મર્યાદામાં પુર્ણ કરવામાં ન આવે. શરીઅતે કામોને નિશ્ચિત સમયની અંદર પુર્ણ કરવાનું શિક્ષણ આપ્યું છે. ફજરની નમાઝ કોઇ પણ સંજોગે સુર્યોદય પહેલા અદા કરવી પડશે તેના પછી ફજરની નમાઝની અદાયગી શક્ય નથી. રોઝા રમઝાન માસની કેદ સાથે ફર્ઝ છે તેના સિવાય આખુ વર્ષ રોઝા રાખો તો પણ રમઝાનના એક રોઝાના બરાબર નહીં થઇ શકે. જુમાની નમાઝ માટે પણ સમયની કૈદ છે. જુમ્આની નુમાઝ એક વાગ્યાની નમાઝ અદા કરી શક્યા નહીં તો દોઢ વાગે અથવા બે વાગે જે મસ્જિદમાં નમાઝ થતી હોય ત્યાં પહોંચી જઇ. જુમ્આ અદા કરી લેવો પડશે, દરેક કાર્યને નિશ્ચિત સમયનો પાબંદ બનાવવામાં આવ્યો છે.

આજ પ્રમાણે જો પુત્રની હૈસિયતથી માં-બાપને ખુશ રાખવા માટે અને ખિદમતના લક્ષના અંતર્ગત આ વર્ષે મારૃં લક્ષ હોય કે તેમને હજ પઢવા મોકલવા છે અને મેડિકલ ચેકઅપ કરાવવું છે તો આ બંને કાર્યો નિર્ધારિત સમયમાં પુરા થવા જ જોઇએ. દા.ત. ડીસેમ્બરમાં ચાર દિવસની રજા લેવી મારા માટે શક્ય છે તો ડીસેમ્બરના એન્ડનો સમય નક્કી કરવો જોઇએ કે તેમાં તેમનું મેડિકલ ચેકઅપ થઇ જાય નહીંતર નવા વર્ષમાં જાન્યુઅરીમાં આ નેક લક્ષ્યાંક ‘ત્રીજું સ્વપ્ન’ બની જશે. અને આગામી ડિસેમ્બર સુધી પણ તેને પુર્ણ કરવાનો સમય નહીં મળી શકે.

પ્લાનીંગના પાંચમા તબક્કામાં એ વાત નિશ્ચિત કરવી કે દરેક કામ હું જાતે જ કરીશ કે અન્ય કોઇ દ્વારા પણ કરાવી લક્ષ્ય પ્રાપ્ત કરી શકું છું? આ વાત સમજી લેવી કે દરેક કામ માણસ પોતાની જાતે જ કરે એ અશક્ય પૈકી છે. ઘણા ખરા કામો અન્યોને સોંપીને પણ પ્લાનીંગમાં રગં ભરી શકાય છે. આ રીતે કામ તો થઇ જશે પરંતુ કામનો ભાર આપણા ઉપર નહીં હોય. ફક્ત કામની જવાબદારી આપણી હશે ઉદાહરણ રૃપે બાપની હૈસિયતથી સંતાનોને તેહરીકથી નજીક કરવાની મારી ઇચ્છા હોય તો આ કામ કોઇ નવયુવાનથી લેવામાં આવે, નવયુવાનોને યાદ દેવડાવવું, સંતાનોમાં રૃચી પૈદા કરવી તેમને સુગમતા (સરળતા) કરી આપવી એ અમારી જવાબદારી રહેશે. સંગઠન સાથે જોડવા અને સક્રિય બનાવવાનું કામ અન્યને સોંપીને લઇ શકાય છે.પરંતુ તે વ્યક્તિ ઓળખીતો હોય, તેને દિશા નિદર્શન કરવું તેનાથી કામ લેવું અમારા પ્લાનીંગનો ભાગ હોવો જોઇએ. આ રીતે જિંદગીના પ્લાનીંગના પાંચ તબક્કાઓને જુદી-જુદી ભુમિકાઓ ઉપર આધારીત એક ઉદાહરણીય કોઠો નીચે આપવામાં આવે છે તેના પ્રકાશમાં વાંચક પોતાનું પ્લાનીંગ તૈયાર કરી શકે છે.

1-compressor

૨. બીજા નંબરના ખાનાનું આયોજનઃ

જીંદગીની પ્રવૃત્તિને જો આપણે ખાનાઓમાં વહેંચીને નિરીક્ષણ કરીએ કે આપણી જિંદગી કયા ખાનામાં વધુ પ્રમાણમાં વ્યતિત થઈ રહી છે, તો આ વાત સ્પષ્ટ થઈ જશે કે આપણે સુસ્તી, આળસુ, નકારાત્મક સ્વભાવ અને મિથ્યાભિમાન ધરાવીએ છીએ અથવા આપણા વ્યક્તિત્વમાં વિકાસની સ્પષ્ટપણે અનુભૂતિ થાય છે.

Untitled-1-compressor

કાર્યો બે પ્રકારના હોય છે. એક મહત્વના અને બીજા ત્વરિત-તાત્કાલિક કરવાના. તાત્કાલિક કરવાનું કામ તે છે જેને કરવું જરૂરી બની જાય છે. પંરંતુ અમુક કાર્યો તાત્કાલિક તો હોય છે પરંતુ તે જરૂરી નથી હોતા. જરૂરી, બિન-જરૂરી, મહત્ત્વના અને બિન મહત્ત્વનાની સમજણ વિવેકબુદ્ધિ જો આપણે શીખી લઇએ તો આપણે સમયનો બગાડ, નિરર્થક પ્રવૃત્તિઓમાં સમય વ્યતિત કરવો આપણે ગુનો સમજવા લાગશું.

બુનિયાદી રીતે જીવન જે રીતે સામાન્ય લોકો વ્યતિત કરે છે તેને નીચે પ્રમાણેે ચાર ખાનાઓમાં વિભાજીત કરી શકાય છેઃ

૧. પ્રથમ ખાનુ: જીવનમાં કેટલાક રોજીંદા કાર્યો હોય છે. જેના પ્રત્યે ત્વરિત લક્ષ આપવું જરૂરી હોય છે અને તે મહત્ત્વના પણ હોય છે. દ્રષ્ટાંતરૃપે કામ પર જવું, ક્યારેક બાળક બીમાર થઈ જાય તો બીજા કાર્યોને આઘા-પાછા કરીને બાળકને દવાખાને લઈ જવાનું, નોકરી કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. લાઈટ-બિલ, ફોન-બિલ વગેરે ભરવાના પણ જરૂરી હોય છે. અંતે જો વિવિધ કારણસર આઠ-દસ દિવસ ટાળવાથી તે ત્વરિત બની જાય છે, નહીંતર આ સેવાથી વંચિત થવું પડશે. વેપાર કે ઘરનો હિસાબ લખવાનું કામ પણ મહત્ત્વનું છે. નહિંતર ભૂલી જવાની શક્યતા હોય છે. આ પ્રમાણે ડેડ લાઈન વર્ક પ્રત્યક્ષ રૃપે જાહેર થાય છે. તેમનું દબાણ અનુભવાય છે. તેની ચિંતા થાય અને ત્વરિત અમલ માટે મજબૂર કરે છે. જો આપણે આ ખાના પર કાબૂ ન મેળવ્યો તો આ ખાનું આપણી જિંદગીને ગળી જશે અને આપણે સવાર-સાંજ પરેશાનીઓ, સમસ્યાઓ, મહત્ત્વના કામો અને ડેડ લાઈન વર્કના ચક્કરમાં જ રહીશું. જેના કારણે જીવન ઉપર બોજ વધવા લાગશે. કંટાળાની અનુભૂતી થવા લાગશે અને કામ કરી-કરીને વ્યક્તિ ઘસાઈ-પીલાઈને ક્ષીણ બની જશે. થોડો અવકાશ મળે તો રાહત પ્રાપ્ત કરવા માટે ત્રીજા કે ચોથા ખાનામાં સમય પસાર કરશે.

૨. બીજુ ખાનુઃ વિગત આગળ આવશે.

૩. ત્રીજુ ખાનુ: કેટલાક લોકો પાસે સમય ઘણો હોય છે, તો તે મિત્રો અને સગાં-સંબંધીઓને મળવામાં વિતાવી દે છે. માર્ગમાં કોઈ જૂનો મિત્ર મળી ગયો તો સમય તેની સાથે જ પસાર કરી દેતા હોય છે. ક્યારેક કંઇક કામનો ઇરાદો કરે છે, અને નીકળવા લાગે છે કોઈ મિત્રનો ફોન આવી ગયો. ઘણા સમયની વાતો નીકળે જાય છે. હસી-દિલ્લગીની વાતો થાય છે. કોઈની ગીબત, ચાડી, ચુગલી કરીને ગુનાહોની કમાણી પણ કરે છે અને ટેલીફોન કંપનીને બિલની રકમ પણ ચુકવે છે. કેટલાક ઘરોમાં જ્યાં સુધી આંખ ખુલ્લી રહે ત્યાં સુધી ટી.વી. ચાલુ રહે છે. ઘરમાં દાખલ થનાર દરેક વ્યક્તિને થોડીવાર માટે પણ ટી.વી. સામે લાચારીવશ બેસવું પડે છે. કારણ કે તે ચાલુ હોય છે.

આયોજન વગરની જિંદગી વ્યતિત કરનારાઓને આવી વસ્તુઓમાં સમયનો બગાડનો અહેસાસ નથી હોતો. આ પ્રકારના લોકો સામાન્ય રીતે બિનજવાબદાર માણસો હોય છે. તેમની નજરમાં ફકત નજીકની વસ્તુઓ જ હોય છે. પરેશાનીઓને હલ કરવાની હિંમતના અભાવે તે તકલીફોની ફરિયાદો કરવા લાગે છે. તેમના સંબંધો ફકત ઉપરછલ્લા અને સ્વાર્થ માટેના હોય છે. જીવનમાં આગળ વધવાની મહેચ્છાથી ખાલી હોય છે. તે એવું સમજતા હોય છે કે સ્થિતિ તેમની કાબૂમાં નથી અને તે સાચુ પણ છે. કારણ કે સ્થિતિ તેમના કાબૂમાં નથી હોતી પરંતુ તે પોતે જ સ્થિતિના કાબૂમાં હોય છે.

૪. ચોથુ ખાનુઃ જીવનમાં કેટલાક કાર્યો એવા હોય છે, જે ન તો આગત્યના હોય છે કે ન ત્વરિત, સમયની છત તો ઘણી હોય છે પરંતુ તેઓ તેના ઉપયોગ માટેનું આયોજન કરતા નથી તે સમયને પસાર કરવા કાતર કંઇકને કંઇક કામના રચ્યા-પચ્યા રહે છે. ચોતરો, ચાની હોટલો, (ક્યારેક દીની ઓફિસો) પર લાંબી લાંબી વાતો અને ચર્ચાઓ શરૃ થઈ જાય છે. ચર્ચાનો વિષય નક્કી નથી હોતો. જમાઅતો, સંસ્થાઓ, તેમની કામગીરી, તેમની પોલીસીઓ તેમના વ્યક્તિત્વ સુદ્ધાંની ચર્ચાઓ તેમના નિશાનામાં આવી જાય છે. ક્યારેક મદ્રસાઓ વિશે તથા ક્યારેક લોકશાહી,ક્યારેક માઈકલ જેકશન તો ક્યારેક વરૃણગાંધી, ક્યારેક શહેરમાંથી કોઈ છોકરી ભાગી ગઈ તો ઉમ્મતમાં છોકરીઓની આઝાદી, માબાપની બેદરકારી અને દેખરેખનો અભાવ. ટી.વી.ની ખરાબ અસરો પર એક નાનકડો સેમિનાર યોજાઈ જાય છે. ક્યારેક મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટર પર વીડિયો દેખવામાં તલ્લીન બની જાય છે, તો ક્યારેક જૂના પત્રો હાથ લાગી ગયા અથવા ફોટોગ્રાફનું આલ્બમ મળી ગયુ તો ભૂતકાળની યાદ તાજી થઈ જાય છે. આ અને આવા પ્રકારના કાર્યોમાં વ્યસ્ત અને પરોવાયેલા રહેવું અને અત્યંત બે જવાબદારીની નિશાની છે, ઘર, પરિવાર અને સમાજ પ્રત્યે ભયંકર બિનજવાબદારીભર્યું આ વર્તન છે. આવા વર્તન વ્યક્તિનના પ્રભાવનો નાશ કરી નાખે છે. આવા વ્યક્તિઓ કોઈ સર્વિસ કે કોઈ ધંધાકીય લાઈનમાં લાંબો સમય ટકી શકતા નથી અને એક સમય એવો આવે છે કે તે પોતાની મૂળભૂત જરૂરીયાતો અને આવશ્યકતાઓ માટે બીજાઓના ઓશિયાળા અને પરાવલંબી અને બીજાઓની દયા ઉપર નિર્ભર બની જાય છે.

બીજુ ખાનું: મનુષ્ય પોતાની જિંદગીનું નીરિક્ષણ કરશે તો ઘણા ખરા કામોમાં તેની કામગીરી સંતોષજનક નહીં જણાય. સંબંધોમાં આત્મિયતા નહીં લાગે. લાયકાતનો અભાવ જણાશે, વિશેષ લાયકાતવાળા માણસો સાથે ન પરિચય છે ન મેળ મિલાપ અને ન મિત્રાચારી સમયને ફકત સમસ્યાઓ પસાર કરવાના બદલે શક્યતાઓ પેદા કરવામાં લગાવવો જોઈએ. જુદા જુદા ક્ષેત્રોની વિવિધ કળા-કામગીરી હુનરોની વિશેષ યોગ્યતાઓ પેદા કરવામાં આવે. દા.ત. કાર ચલાવતા, તરતા, અરબી ભાષા શીખવી, કોમ્પ્યુટર પર કામ કરવાની યોગ્યતામાં પ્રગતિ કરવી વગેરે. જ્યારે વ્યક્તિ આ હુન્નરોથી સુસજ્જ બને છે તો ખુદ તેના સ્વમાનમાં વૃદ્ધિ થાય છે, આત્મવિશ્વાસ વધે છે. કાર્યોને પૂર્ણતાના આરે પહોંચાડવાની કાબેેલિયત પેદા થાય છે. જીવનમાં શિષ્ટાચાર આવે છે. જિંદગીમાં સંતુલન અને સમતોલપણું સ્થાપિત કરવાનું શક્ય બની જાય છે. સારાંશ કે જીવન પર નિયંત્રણ તે જ લોકો સ્થાપિત કરી શકે છે જે બીજા ખાનાનું આયોજન કરતા રહે અને તેના ઉપર અમલ દ્વારા પોતાની સુષુપ્ત યોગ્યતાઓને સજાવીને વ્યક્તિત્વને ઉપર ઉઠાવી શકે. સંબંધોમાં સર્વોત્તમ કળાથી પરિચય, યોગ્યતાઓના વિકાસ દ્વારા જિંદગીની સમસ્યાઓ ઉપર સહેલાઈથી કાબૂ મેળવી શકાય છે. બીજા ખાનાના પ્લાનીંગથી સામાન્ય પણે લોકો એ કારણે બેપરવા બને છે કે એ કાર્યોને શીખવા અને કરવા માટે કોઇ દબાણ આવતું નથી. તે કામો કરવા જરૂરી હોતા નથી. આથી તેને બિનજરૂરી પણ સમજવામાં આવે છે.

બીજા નંબરના ખાના પ્રમાણે જીવન આયોજન માટે પ્રથમ તબક્કામાં જીવનનું નિરીક્ષણ કરવું જરૂરી છે. જ્યાં જે પાસાથી જિંદગીને સમતોલ અને તંદુરસ્ત બનાવવાની જરૂરત લાગે તે કાર્યોનું સૂચન બીજા તબક્કામાં થશે. પછી તેના ઉપર કાર્યશીલ થવા માટે ત્રીજા તબક્કામાં પાકો નિરધાર, ઉમંગ, હિંમત અને તડપની જરૂરત પડશે. મૃત્યુ હૃદય અને ઉદાસીન વલણથી ઈન્સાન નવી જીવન-યાત્રાની શરૃઆત કરતા પહેલાં જ હિંમત હારી જાય છે.

ચોથા તબક્કામાં દુઆ અનિવાર્ય છે. દુઆથી આપણે આપણી કિસ્મતને બદલી શકીએ છીએ. “લા હવલા વ લા કુવ્વતા ઇલ્લા બિલ્લા હિલ અલીયિલ અઝીમ”નો અર્થ જ આ છે કે અલ્લાહ સિવાય પરિસ્થિતિને બહેતર ન તો આપણે બનાવવા માટે શક્તિમાન છીએ ન તે માટેની શક્તિ જ આપણે ધરાવીએ છીએ. જે ઉચ્ચતર અને મહાન પ્રતિષ્ઠાવાન છે. આપણા વ્યક્તિત્વની તુચ્છતાને પ્રતિષ્ઠામાં તે જ બદલી શકે છે. તેની મદદ અને તેના સહયોગ વગર ઉચ્ચ મંઝીલોને પ્રાપ્ત કરવી અને વ્યક્તિત્વને પૂર્ણ કક્ષાએ પહોંચાડવું એ અશક્ય બાબત છે.

બીજા નંબરના ખાનાના પ્લાનીંગથી ન ફકત યોગ્યતાઓની જ વૃદ્ધિ થાય છે, પરંતુ ખામીઓ અને દુર્ગુણોના નિવારણ માટે પણ બીજા ખાનામાં જ કામ કરવું પડશે. કોઈ રાત્રે તમે તહજ્જુદ વખતે ઉઠયા અને પોતાના દિલમાં ઝાંખીને જોઈ શકયા તો અનુભવ થશે કે અલ્લાહની સમીપતા પ્રાપ્ત કરવામાં કેટલી મનેચ્છાઓ અને દુર્ગુણો આડે આવે છે. ગુસ્સો, સંકુચિત માનસિકતા, કુદ્રષ્ટિ, વાણીનો દુરૃપયોગ, સંબંધ વિચ્છેદ, હોદ્દા અને પદની ઇચ્છા, ઝઘડાખોર સ્વભાવ વગેરે દુર્ગુણોને જો તમે જોઈ શકયા હો તો આ એક મોટી સિદ્ધિ લેખાશે કે આપણા દોષો આપણા મન-મસ્તિષ્કમાં પ્રગટ થઈ ગયા. હવે એક જ વખતમાં બધા જ દુર્ગુણો ઉપર કાબૂ મેળવવા એ નિર્બળ મનના માણસોના વશની વાત નથી. તેના માટે સરળ રીત એ જ હોઈ શકે કે દરેક દુર્ગુણોને દૂર કરવા માટે બેથી ત્રણ મહિના વિશેષરૃપે નિશ્ચિત કરવામાં આવે. પોતાના દિલ પર પોતાની નજર એવી રીતે કેન્દ્રિત કરે કે એક દુર્ગુણને દૂર કરવાની શરૃઆત પર તુરંત જ અનુભૂતિ થઈ જાય. એક દુર્ગુણ ઉપર કાબૂ મેળવવાનું અમારા પ્લાનિંગમાં છે. આથી આ દુર્ગુણની એ તાકાત નથી કે તે આપણી નજરોથી બચીને આંખ ચોરીને નીકળી જાય. અને આપણને તેનો અફસોસ પહોંચે. આ પ્રમાણે વર્ષમાં ચાર મુખ્ય કુટેવો (દુર્ગુણો) પર કાબૂ મેળવી લેવાથી આપણી માનસિક સ્થિતિ ઉત્તમ બનવા લાગશે અને આપણે આપણી જિંદગીથી સંતુષ્ટ બનીશું. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments