Saturday, July 27, 2024
Homeપયગામત્રણ તલાકની વાસ્તવિકતા

ત્રણ તલાકની વાસ્તવિકતા

આજકાલ મુસ્લિમ પર્સનલ લૉ  ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને  તલાક, હલાલા અને બહુપત્નીત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મુસ્લિમ નામ ધરાવતી સ્ત્રીઓ તરફથી તેમાં પરિવર્તનની માંગણી કરવામાં આવી રહી છે. આંદોલન પાછળ ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન નામની સંસ્થા કાર્યરત છે. મુસ્લિમ સ્ત્રીઓ પર્સનલ લૉમાં પરીવર્તન ઈચ્છે છે તેના માટે તેઓએ ૫૦ હજાર મહિલાઓની સહીઓ લીધી છે. આ ત્રણેય મુદ્દાને લઈને મીડિયામાં એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે ઇસ્લામમાં સ્ત્રી ખૂબ જ પીડિત અને દયનીય પરિસ્થિતિમાં જીવન ગજારી રહી છે. જોકે ઇમાનદારીપૂર્વક કોઈ વ્યક્તિ ઇસ્લામના પારિવારિક કાયદાઓ વિષે અધ્યયન કરે તો તેના ઉપર સ્પષ્ટ થઈ જશે કે ઇસ્લામે આપેલું શિક્ષણ અને નીતિ નિયમો જ શ્રેષ્ઠ, સંતુલિત, ન્યાયિક અને પ્રાકૃતિક છે.

કોઈપણ કાયદાનો અભ્યાસ કરી કોઈ નિર્ણય પર જતા પહેલા કેટલાંક બિંદુઓ વિષે વિચારવાની જરૃર છે. સૌથી પહેલા કાયદાની વાસ્તવિકતા અને જરૂરતને સમજવાની જરૃર હોય છે. બીજું એ જોવાની જરૃર હોય છે કે કાયદો અયોગ્ય જ અને અન્યાયી છે કે સમાજમાં તેના જ્ઞાનનો અભાવ છે. કાયદો અને તેને માનનારા સમૂહને તેના વિષે જ્ઞાન બરાબર હોય છતાં સમસ્યા ઉભી રહેતી હોય તો એ જોવાનું રહે છેે કે તેના ઉપર અમલ કેટલો છે. રોગ છે તો તેની દવા પણ ઉપલબ્ધ છે, તેની જાણકારી હોવી જોઈએ અને ડૉક્ટરે સુચવેલા સમય મુજબ આરોગવી જોઈએ તો બીમારને સ્વાસ્થ્ય મળશે સાથે જ એક મહત્ત્વની વસ્તુ આ પણ છે કે ડૉકટરે જે વસ્તુ કરવાથી રોક્યા છે તેનાથી દૂર રહેવું જોઈએ તો જ તેનો સારો લાભ મળશે. દા.ત. ડીહાઈડ્રેશનમાં લીંબુ પાણી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ આ રોગથી પીડાતી વ્યક્તિને તેની જાણકારી ન હોય તો તેને કોઈ લાભ થવાનો નથી અને જાણકારી હોવા છતાં એ તેનો ઉપયોગ ન કરે તો પણ કોઈ ફાયદો નહીં થાય. લીંબુ હોય, તેના ફાયદાથી વાકેફ હોય અને તેનો યોગ્ય ઉપયોગ હોય છતાં જોઈએ કે તેનો લાભ નથી મળી રહ્યો તો બીજો વિકલ્પ વિચારતા પહેલા એ પણ જોવું જોઈએ કે રોગી બીમારીને વધારે એવું કોઈ કાર્ય તો નથી કરી રહ્યો.

પરંતુ મુસ્લિમ પર્સનલ લૉની બાબતમાં આ મૂળભૂત વસ્તુઓ પર વિચાર કર્યા વગર માત્ર પરિવર્તનની વાતો કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ મામલો કુઆર્નના નામે ઇસ્લામની ઘોર ખોદવાનું કાવતરું દેખાય છે. આ સંસ્થાની મુખ્ય બે મહિલા સ્વતંત્ર વાતાવરણમાં ઉછરી છે. તેમને ઇસ્લામનું ઊંડું જ્ઞાન નથી. તેઓ સેક્યુલર અથવા સેલ્ફ ડિકલેર્ડ નાસ્તિક છે. આ કોઈ નવી ચળવળ નથી સદીઓ પહેલા પણ આવા સંપ્રદાયો (ખ્વારીજ, મોઅત્જાલા વગેરે) થઈ ગયા છેે જેમને મુસ્લિમ સમાજમાં ફિત્નો પેદા કરવા અને પોતાની મેલી મુરાદ પૂરી કરવા સુન્નત (પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની તાલીમ)નો ઇન્કાર કર્યો. કેમકે તેમની અંતિમવાદી વિચારધારાના માર્ગમાં આપ સ.અ.વ.ની તાલીમ જ અડચણ રૃપ હતી. તેથી તેમણે હદીસોની સ્વસ્થતા ઉપર શંકાઓ ઊભી કરી અને સુન્નતની જરૂરતથી ઇન્કાર કરવાની નીતિ અપનાવી. મોઅતેજ્લા બિન આરબ અને યુનાની ફિલોસોફીને ઊંડાણપૂર્વક સમજતા પહેલા તેનાથી એટલી હદે પ્રભાવિત થાય કે ફિલસૂફીની દરેક વાતને બુદ્ધિનો તકાદો સમજ્વા લાગ્યા અને તેઓ ઇસ્લામી આસ્થાઓ અને સિદ્ધાંતોનું એવું અર્થઘટન કરવા માંગતા હતા જે આ કથિત બુદ્ધિના તકાદા પ્રમાણે હોય. આ માર્ગમાં પણ સુન્નત અડચણરૃપ હતી. તેથી સુન્નતને દલીલ માનવાથી ઇન્કાર કર્યો.

આ બંને ફિત્નાઓ પોતાની મોત પોતે મરી ગયા અને તેમનું નામ પણ દુનિયામાંથી નાબૂદ થઈ ગયું. હવે નવા રંગરૃપમાં આ ફિત્નો સામે આવી રહ્યો છે જેનાથી મુસલમાનોને સાવધાન રહેવાની જરૃર છે. ૨૦મી સદીના ‘નારી સ્વતંત્રતા અને સશક્તિકરણ’થી પ્રભાવિત લોકો એ ઇસ્લામને ‘પ્રોગ્રેસીવ’ દેખાડવામાં આ જ સુન્નત અડચણ રૃપ છે. તેથી તેવો માત્ર કુઆર્નની વાત કરે છે કે જેથી તેની આયતોનું અર્થઘટન પોતાની રીતે કરવાની તક મળી જાય. તેમના નજીક આપ સ.અ.વ.ની હેસિયત માત્ર એક પોસ્ટમેન જેવી છે જેમનું કાર્ય માત્ર લોકો સુધી કુઆર્નનો સંદેશ પહોંચાડવાનું હતું. હદીસ કે જે કુઆર્નની તશ્રીહ છે અને માત્ર ૧૪૦૦ વર્ષ પહેલાના લોકો માટેની જરૃરરત માની લેવા આવે તો મુસ્લિમ સમુદાયના તમામ મોટા ધર્મશાસ્ત્રીઓ, તફસીર કરતાઓ, શબ્દકોષના નિષ્ણાંતો વગેરે પરથી વિશ્વાસ ઉઠી જશે અને કુઆર્નનું મન ફાવે તેમ અર્થઘટન થવા લાગશે.

મૂળ મુદ્દા પર આવતા પહેલા ઇસ્લામ વિષે આ વાત સમજી લેવી જોઈએ કે, ઇસ્લામ બીજા ધર્મની જેમ માત્ર પૂજા ઉપાસનાનો ધર્મ નથી, બલ્કે સંપૂર્ણ જીવનવ્યવસ્થાનું નામ છે. ઇસ્લામનો અર્થ શાંતિ અને અલ્લાહને સમર્પણ થવાનું છે, અને સમર્પણનો અર્થ પોતાને સંપૂર્ણ પણે કોઈને તાબે થઈ જવાનું થાય છે, વ્યક્તિ પોતાની મરજીથી કઈ કરી શકતું નથી. બીજું ઇસ્લામ ધર્મના મુખ્ય સ્ત્રોત કુઆર્ન અને પયગંબર મુહમ્મદ સ.અ.વ.ની હદીસ છે. તેમને જુદા પાડી શકાય નહીં. આ બંનેનો સંબંધ સૂર્ય અને પ્રકાશ જેવો છે. એટલે જ આપ સ.અ.વ.એ મુસલમાનોને કહ્યું હતું કે, ‘હું તમારી વચ્ચે બે વસ્તુઓ મૂકી ને જઈ રહ્યો છું એક અલ્લાહની કિતાબ (કુઆર્ન) અને બીજી મારી સુન્નત, જે તેમને મજબૂરીથી પકડી રાખશે તે ક્યારે પથભ્રષ્ટ નહીં થાય.’

સુખી દામ્પત્યજીવન માટે

ઇસ્લામે સમાજમાં પવિત્રતા રાખવા, માનવવંશને આગળ ધપાવવા તથા વ્યક્તિની પ્રાકૃતિક શારીરિક ઇચ્છાને સંતોષવા લગ્નની કાયદાકીય રીત બતાવી છે. તેથી સ્ત્રી અને પુરુષને અવિવાહિત રહેવાને બદલે લગ્ન (નિકાહ) કરવાની તાકીદ કરવામાં આવી છે. બલ્કે નિકાહને ઈમાનની પરિપૂર્ણતા કહ્યું છે. તેમનું લગ્નજીવન સુખી અને ખુશહાલ બને તેના માટે તેમની વચ્ચે પ્રેમનો ગુણ પેદા કર્યો છે. તથા તેમને પોતાની અંદર અલ્લાહનો ડર પેદા કરવા તથા ચારિત્રવાન બનવાની તાલીમ આપી છે.

“… તેઓ તમારા માટે પોશાક છે અને તમે એમના માટે પોશાક છો… ” (સૂરઃબકરહ-૧૮૭)

જો કોઈ કારણસર ઇચ્છિત પ્રેમ પેદા ન થઈ શકે તો જીવનને એક બીજા સાથે સમાયોજન અને Adjust કરી જીવન નિર્વાહ કરવાની શિક્ષા આપી છે.

“… તેમના સાથે ભલી રીતે જીવન વિતાવો. જો તેઓ તમને પસંદ ન હોય તો બની શકે છે કે એક વસ્તુ તમને પસંદ ન હોય પરંતુ અલ્લાહે તેમાં જ ઘણીબધી ભલાઈઓ મૂકી દીધી હોય.” (સૂરઃ નિસા-૧૯)

અને હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન પત્નીથી નફરત ન કરે, જો તેને પત્નીની કોઈ વાત અસહ્ય લાગે તો તેની બીજી વાત સારી લાગશે. (મુસ્લિમ)

કોઈપણ અધિકારની અંદર ફરજની સુગંધ ભળેલી છે. એટલે ખુશહાલ પરિવાર ત્યારે જ બની શકે જ્યારે બંનેને પોતપોતાની ફરજની સમજ હોય. આ બંને પોતાની ફરજ સારી રીતે નિભાવે તો કોઈના પણ હકોનું હનન થતું નથી. અને જો બંને એકબીજાને અપાર પ્રેમ કરે તો તેમનો સંબંધ ખૂબજ મજબૂત બની જાય છે. આ આદર્શ પરિસ્થિતિ છે, કોઈ કેસમાં આ શક્ય ન બને તો બંનેને એક બીજાની ભૂલોને માફ કરવાની ક્ષમતા કેળવવી જોઈએ. દુખ વેઠીને સુખ આપવાનો ગુણ અપનાવવામાં આવે તો પણ ઘર સંસારની ગાડી પાટા પર ચાલતી રહે છે. વ્યવહાર ચરિત્ર અને નૈતિકતાથી ચાલે છે. કાયદા તો માત્ર ઘર્ષણને દૂર કરવાના ઉપાય રૃપ છે.

તલાક કેમ?

ઇસ્લામી તાલીમ મુજબ હલાલ વસ્તુઓમાં અલ્લાહને સૌથી નાપસંદ વસ્તુ તલાક (લગ્ન વિચ્છેદ) છે. પરંતુ જો બંને વચ્ચે મેળ ન બેસે, તો બંનેને પરવાનગી આપી છે કે તેઓે તેમના જીવનને નર્કાગાર બનાવવા અને માનસિક તાણ વેઠવા કરતા સારું છે કે જુદા પડી જાય. જેમ લગ્ન કરવું ફકત ભાવનાત્મક અને આકસ્મિક નિર્ણય નથી તે જ રીતે  તલાક પણ ખૂબ વિચારીને આપવી અથવા લેવી જોઈએ. તલાક કોઈ હથિયાર નથી કે જેનો ઉપયોગ પુરુષ સ્ત્રી પર અત્યાચાર ગુજારવા કરે બલ્કે એક કડવી દવા છે, જે ના છૂટકે ખાવી પડે. આ કૃત્યુથી માત્ર સ્ત્રી પ્રભાવિત થતી નથી બાળકો અને પતિ પણ પ્રભાવિત થાય છે.

તલાકથી પહેલા

જીવનમાં નરમ-ગરમ પરિસ્થિતિઓ આવતી જ રહે છે. બંને પતિ પત્નીને આ ઉતાર-ચઢાવને સમજી પરસ્પર ન્યાય પૂર્વક વર્તવું જોઈએ. બંને પાત્રો પક્ષકાર નથી બલ્કે એક બીજાના સાથી છે અને તેમના મિલનથી જે કુટુંબની રચના થઈ છે તેની સુરક્ષા તેમની સહિયારી જવાબદારી છે. કોઈ કારણસર કોઈ એક ક્રોધિત થાય તો બીજાએ નરમીનું વલણ અપનાવવું જોઈએ, અથવા ઘર્ષણ ટાળવાના જુદા જુદા ઉપાયો કરવા જોઈએ. મતભેદ થઈ જાય તો એક બીજાને માફ કરવાના પ્રયત્નો કરવા જોઈએ, શાંતિથી સમજાવવા જોઈએ જો સ્થિતિમાં સુધાર ન થાય તો અમુક દિવસ માટે બોલચાલ બંદ કરી શકાય, પથારી જુદી કરી શકાય, હળવી માર મારી શકાય, બંનેના કુટુંબના એકએક શુભચિંતક વડીલ (પંચ)ને રાખી સમાધાન કરી શકાય. છતાં મન-મેલાપની કોઈ રાહ કારગર સાબિત ન થાય તો પછી તલાકની નોબત આવે છે. આ નિર્ણય પર જતાં પહેલા ઘરના વડીલો, મિત્રો અને આલિમોથી જરૃર મશવરો કરવો જોઈએ.

તલાકની ઇસ્લામી પદ્ધતિ

જો પત્નીની મહર આપવાની બાકી હોય તો સૌપ્રથમ તેની અદાયગી કરવી જોઈએ. તલાક એવી સ્થિતિમાં આપવી જોઈએ કે પત્ની માસિક ધર્મની હાલતમાં ન હોય, બે સાક્ષીઓની હાજરીમાં એક વાર તલાક બોલવું જોઈએ. એક વાર તલાક બોલવાથી તલાક થઈ જાય છે,  તલાક આપ્યા પછી પત્ની ઇદ્દત તેના પતિના ઘરે જ ગુજારશે તથા ભરણ પોષણ તેનો પતિ આપશે. બીજી અને ત્રીજી વખત તલાક બોલવી એ ખૂબ જ મોટી અજ્ઞાનતા છે. એક વાત હઝરત મુહમ્મદ સ.અ.વ.ને ખબર પડી કે એક વ્યક્તિ એ એક સાથ ત્રણ તલાક આપી છે તો આપનો કરુણામય ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ખૂબ નારાજ થયા અને કડક શબ્દોમાં ફરમાવ્યું, “મારા રહેતા તમે લોકો અલ્લાહના ગ્રંથ સાથે રમત રમી રહ્યા છો.” (નિસાઈ)

ઇદ્દતનો સમય ગાળો ત્રણ માસિક ધર્મનો છે. આ સમય દરમ્યાન પતિ રુજુઅ (ફરીથી પત્ની તરીકે સ્વીકારી) શકે છે. એ સમય ગુજરી ગયા પછી તેને પોતાની ગલતીનો અફસોસ થાય તો નવી મહર સાથે બીજી વાર નિકાહ કરી શકે છે. પરંતુ ત્રણ તલાક આપવા પછી એ સ્ત્રી તેના પતિ માટે હરામ થઈ જાય છે.

કુઆર્નમાં તલાક આપવાની જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે તેમાં કોઈ બે મત નથી. એ જ શ્રેષ્ઠ રીત છે. એ રીતને અપનાવવામાં આવે તો તલાકની ટકાવારી ઓછી થઈ શકે છે. મતભેદ એકી સાથે ત્રણ તલાક આપવા પર છે. તેમાં બંને પક્ષકારો પાસે શરઈ દલીલો છે. પરંતુ મારા જ્ઞાનની હદ સુધી વ્યક્તિ એમ કહે કે મારો ઇરાદો એક તલાક આપવાનો હતો બીજી અને ત્રીજી વાર દોહરાવવાનો મારો આશય માત્ર પુનરાવર્તન અને તાકીદ હતી તો હનફી મસ્લકમાં પણ તેને એક તલાક માનવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિ ખોટું બોલીને રસ્તો શોધવાનો પ્રયત્ન કરશે તો તે ખૂબ મોટો ગુનાહ હશે.

બંને પાત્રો વચ્ચે મૂળ હેતુ તકવા અને આખિરતની કામયાબી હોવી જોઈએ. નિકાહ સમય જે ત્રણ આયતો પઢવામાં આવે છે તેમાં દરેક આયતમાં તકવાની તાકીદ કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલોને તાર્કિક રીતે જોઈએ તો ત્રણ તલાકને ત્રણ માનવી વધારે યોગ્ય લાગે છે. ત્રણ તલાકને એક ગણવામાં આવે અને જો એ વિચારના લોકો આખિરતમાં ખોટા રહ્યા તો વ્યક્તિ એ સમગ્ર જીવન વ્યભિચાર કર્યો કહેવાશે અને ત્રણને ત્રણ માનવામાં આવે તો વ્યભિચારથી તો બચી જશે પરંતુ અલ્લાહના કાનૂન સાથે રમતનો ગુનો થશે. (ઉલેમાઓએ ભેગા મળી કોઈ માર્ગ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ.)

હિંદુ ધર્મમાં દીકરીનું કન્યાદાન થાય છે, તેથી જો તેને તલાક થઈ જાય તો તેની વાલીપણું અને સુરક્ષાની સમસ્યા ઊભી થાય છે કેમકે તે તેના પિતાના ઘરે પાછી જઈ શક્તિ નથી અને તેના બીજા લગ્નની સમસ્યા પણ છે. તેથી આ કૃત્ય ખૂબ જ અત્યાચારી લાગે છે. પરંતુ ઇસ્લામી તાલીમ મુજબ જો સ્ત્રીને તલાક થઈ જાય કે વિધવા થાય તો તે પાછી તેના પિતાના ઘરે આવી શકે છે અને આપ સ.અ.વ. એ એવા ભાઈ અને પિતાને સ્વર્ગની ખુશખબરી આપી છે  આવી બહેન અથવા દીકરીનું ભરણ પોષણ કરે. ભારતના પરીપ્રેક્ષ્યમાં તલાક અત્યાચારી વલણ લાગે છે જ્યારે કે આરબના પરિપેક્ષ્યમાં તલાક સ્ત્રીને કરારમાંથી સ્વતંત્રતા જેવું લાગે છે અને ત્યાં બહુ પત્નીત્ત્વની પ્રથા હોવાથી આવી સ્ત્રીઓના બીજા લગ્ન પણ જલ્દી થઈ જાય છે.

એક પ્રશ્ન વારંવાર ઉઠાવવામાં આવે છે કે તલાકનો હક મર્દને જ કેમ? જો બંને પાત્રોનો તલાકનો હક આપી દેવામાં આવે તો તલાકની સમસ્યા ઓછી નહીં થાય બલ્કે વધશે અને આ હક જો પુરુષના બદલે સ્ત્રીને આપી દેવામાં આવે તો તે અન્યાય કહેવાશે કેમકે  ભરણપોષણ અને કમાવવાની દરેક જવાબદારી પુરુષની હોય છે તો આ હક પણ તેને જ મળવો જોઈએ. દુનિયાની બધી જ પ્રણાલીઓમાં આ નિયમ છે કે જેની ફરજ વધારે તેના અધિકાર પણ એવા જ. પુરુષ સ્ત્રી કરતા શ્રેષ્ઠ છે તેના માટે તેને આ અધિકાર આપવામાં આવ્યો છે આ વાત તદ્દન ખોટી છે. બંનેને અમુક વસ્તુઓમાં એક બીજા પર શ્રેષ્ઠતા પ્રાપ્ત છે. પરંતુ પુરુષ પરિવાર રૃપી યુનિટનો મોભી છે તેથી આ હક તેને આપવામાં આવ્યો છે. બીજી વાસ્તવિકતા આ છે કે સ્ત્રી ખૂબજ લાગણી શીલ અને ઉતાવળો  હોય છે જો કુદરતે તેને આ હક આપ્યો હોત તો કદાચ તલાકની સમસ્યા વધારે થતી હોત. તલાક આપવુંં જ જુલ્મ નથી એવો પણ કિસ્સા છે કે સ્ત્રી તલાક ઇચ્છે છે અને પુરુષ નથી આપતા. આ પણ શરીઅતનો દુરુપયોગ અને ગુનો છે. સ્ત્રીને તલાક આપવાનો નહીં બલ્કે ખુલઅ (તલાક લેવાનો) હક આપ્યો છે. જો પુરુષે નિર્ણય કરી લીધો હોય કે મારેે પત્નીને તલાક આપી જ દેવાની છે તો પછી એક તલાક આપવાથી, ત્રણને એક ગણવાથી કે કુઆર્ને સુચવેલા નિર્દેશ મુજબ આપવાથી કોઈ ફરક પડતો નથી.

તલાકના કારણો

સૌથી મહત્ત્વની વસ્તુ આ છેે કે તલાક રોકવાના ઉપાયો પર વધારે જોર આપવું જોઈએ. તલાકના કારણોમાં એક કારણ ગરીબી છે અને ગરીબીના મૂળમાં વ્યાજુ વ્યવસ્થા અને સટ્ટાખોરી કારણભૂત છે. એક બીજું કારણ દારૃ છે જેના લીધે આ સમસ્યા વધી છે. ત્રીજી વસ્તુ દહેજ પ્રથા છે જેના માટે પતિ વારંવાર ત્રાસ આપે છે અને પત્નીના પિયરથી પૈસાની માગણીઓ કરે છે. ચોથી વસ્તુ ચરિત્રહિનતા, જીભાજોડી અને જિદ્દી માનસિકતા છે વગેરે. તેથી આખા દેશમાં દારૃ, સટ્ટા તથા વ્યાજની પ્રણાલી પર પ્રતિબંધ લગાડવામાં આવે તો આ સમસ્યા ખૂબજ ઓછી થઈ શકે છે. તેવી રીતે બન્નેએ પોતાના ચરિત્રની સુરક્ષા કરવી જોઈએ. દારૃલ કઝા, શરઈ પંચાયતો અને કાઉન્સિલિંગ સેન્ટર ઉભા કરવા જોઈએ. લગ્નેત્તર સંબંધો પ્રતિબંધિત હોવા જોઈએ અને આ કાયદાનું ઉલંઘન કરનારાને યોગ્ય સજા થવી જોઈએ.

કાયદો નહીં જાગૃતિ

ત્રણ તલાકને રોકવા માટે કાનૂન બનાવવાની વાત કરવામાં આવે છે. એ લોકો માટે વિચારનંુ એક બિંદુ આ છે કે આપણા ભારતમાં બાળ લગ્ન અને ભ્રુણહત્યા વિષેના કાયદા છે, ઇન્કમટેક્ષ વિષેના કાયદા છે, દારૃબંદીના કાયદા છે તે કેટલા પ્રભાવિત અને અમલી છે અને તેનાથી સમસ્યામાં કેટલી રાહત થઈ છે. કોઈ પણ પરિવર્તન માત્ર કાયદાથી નહીં સામાજીક જાગૃતિથી આવી શકે છે. તેથી પારિવારિક મુદ્દાને લાગતી જે સમસ્યાઓ છે તેના માટે અભિયાન ચલાવવા જોઈએ. કેમકે કાનૂન બનાવનારા કાનૂનમાંથી રસ્તો કાઢવાનુંં પણ સારી રીતે જાણે છે. અલ્લાહનો ભય પેદા કરવો જોઈએ અને કાયદાની સાચી સમજ સ્ત્રી અને પુરુષો બંનેને આપવી જોઈએ.

જો તલાક થઈ ગઈ હોય

તલાક થયા પછી સ્ત્રીઓ વધારે નાસીપાસ થવાની જરૃર નથી પરિવાર ટકાવી રાખવાની નિષ્ફળતા એ જીવનની નિષ્ફળતા નથી. પોતે પગ ભર થાય અને જીવનને સુંદર બનાવે, સંઘર્ષ જ જીવન છે. જો તેના પતિનું મૃત્ય થયું હોત તો પણ કદાચ આવી જ સ્થિતિ પેદા થઈ હોત. બીજા લગ્ન કરી જીવનને ઠરીઠામ બનાવવું જોઈએ. પહેલા પતિથી દગો થવાથી સમગ્ર પુરુષ જાતી એવી થતી નથી. બાળકોના પાછળ પોતાનું જીવન હોમી દેવું યોગ્ય નથી. અલ્લાહ તઆલા એમના માટે પણ કોઈ માર્ગ જરૃર  કાઢશે. આપ સ.અ.વ. અનાથ પેદા થયા હતા પરંતુ અલ્લાહ તઆલાએ તેમના માટે બીજી વ્યવસ્થા કરી અને સહારો આપ્યો. “શું તેણે તમને અનાથ ન જોયા અને પછી ઠેકાણું ઉપલબ્ધ કર્યું ? ” (સૂરઃ ઝુહા-૬). બહુ પત્નીત્વ (જો કે ભારતીય સમાજમાં આ પ્રથા મુસલમાનોમાં મૃતપ્રાય છે)ને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો વિધવાઓ અને તલાક પામેલી સ્ત્રીઓની સમસ્યા હલ થઈ શકે છે.

આખા પ્રકરણમાં મને મુસ્લિમ વ્યક્તિ પાસેથી શરીઅતે આપેલા તલાકનો હક ઝૂંટવી લેવાના ષડયંત્રની ગંધ આવે છે. આવી જ રીતે હલાલાનું પણ છે. ત્રણ તલાક પછી સ્ત્રી તેના પતિ માટે હરામ થઈ જાય છે હવે એક જ માર્ગ છે કે તે સ્ત્રી કોઈ બીજા વ્યક્તિને પરણે અને પ્રાકૃતિક રીતે તેનું મૃત્યુ થાય અથવા તલાક થાય તો તે પહેલા પતિને પરણી શકે છે. તલાક આપવાની નિયતથી કરવામાં આવતા કોંટ્રાક્ટ નિકાહ યોગ્ય નથી. હદીસમાં આવી વ્યક્તિ ઉપર લાનત કરવામાં આવી છે, અને એક બીજી હદીસમાં આવી વ્યક્તિને ભાડાનું સાંઢ કહેવામાં આવ્યું છે. આજે  પ્રચલિત હલાલા માટે શરઈ ગુંજાઈશ હોઈ શકે પરંતુ તે ખૂબજ ગુનાનું કામ છે.

રસુલુલ્લાહ સ.અ.વ.એ હલાલા કરનારા અને જેના માટે હલાલા કરવામાં આવેલ હોય તે બંને ઉપર લાનત કરી છે. (તિર્મિઝી)

પરંતુ આ મુદ્દાને એવી રીતે ચગાવવામાં આવી રહ્યો છે કે જાણે દરેક તલાક પામતી સ્ત્રીને આ પ્રથાથી ગુજરવું પડતું હોય. હાસ્યાસપદ ત્યારે લાગે છે જ્યારે આ પ્રથાનો વિરોધ કથિત સેક્યુલર લોકો કરતા હોય. તેમને ત્યાં લીવ ઇન રીલેશન ઘૃણાસ્પદ નથી, વૈશ્યાવૃત્તિ ગેરકાનૂની નથી (બલ્કે તેમને સેક્સ વર્કર કહે છે), સમલૈંગિક સંબંધો નિંદનીય નથી, ડેટિંગ વખોડવા પાત્ર નથી. છતાં હલાલા તેમને ગંદુ લાગે છે. વાસ્તવમાં તેમની સામે નિશાન આ પ્રથા નથી પરંતુ ઇસ્લામી શિક્ષાઓ છે.

પ્રવર્તમાન સમયમાં અમુક એનજીઓ અને લોકો તરફથી અભિયાન એવી રીતે ચલાવવામાં આવી રહ્યું છે જાણે દરેક મુસ્લિમ મહિલા આ મુદ્દાથી પીડિત હોય અને તનાવપૂર્ણ જીવન ગુજરતી હોય જ્યારે વાસ્તવિકતા આ છે કે બીજા સમાજની તુલનામાં મુસ્લિમ સમુદાયમાં તલાકની સમસ્યા ઓછી છે. મુસલમાનોને કોઈ પણ અભિયાનથી પ્રભાવિત થયા વગર પોતાના કાયદાઓની સમજ કેળવવાની જરૃર છે. અને જાગૃતિ લાવવાની જરૃર છે. આ કાર્યમાં જમાઅતે ઇસ્લામી હિન્દની પહેલ સરાહનીય છે જે અવારનવાર કૌટુંબિક કાયદાઓ પ્રત્યે લોકમાનસને શિક્ષિત કરવા જુદા જુદા કાર્યક્રમો કરે છે. તમામ પંથો અને આલિમોએ કૌટુંબિક કાયદાઓ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments