Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસંસ્થા પરિચયમુસ્લિમોનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થવાનો છે : હબીબુર્રહમાન મતાદાર

મુસ્લિમોનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થવાનો છે : હબીબુર્રહમાન મતાદાર

ભરૃચ જીલ્લામાં આવેલ અંજૂમને ઇમદાદુલ મુસ્લિમીન સંસ્થાના સ્થાપક મોલાના હબીબુર્રહમાન મતાદારનો ઇન્ટરવ્યૂ યુવાસાથીના મેનેજર રાશિદ હુસૈને લીધો. જેમાં સંસ્થાપકશ્રીએ સંસ્થાને લગતી તમામ બાબતો વર્ણવી છે. શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે મુખ્યત્વે નોંધપાત્ર કામગીરી કરેલ આ સંસ્થાની જાણકારી યુવાસાથીના વાચકો માટે અત્રે પ્રસ્તુત છે. –તંત્રી

પ્ર. આપનો ટુંકો પરિચય ?
ઉ. હું હબીબુર્રહમાન. મારા પિતાનું નામ સુલેમાન અને અટક મતાદાર છે. જીલ્લા ભરૃચનો રહેવાસી છું. પ્રાથમિક શિક્ષણ મારા ગામે જ થયું. પછી માધ્યમિક શિક્ષણ સુરતમાં થયું. હું સાત વર્ષ રાંદેરની એક સ્કૂલમાં ભણ્યો. પછી ત્રણ વર્ષ દારૃલ ઉલૂમ દેવબંદમાં. દારૃલ ઉલૂમ કંથારીયા – જી. ભરૃચમાં મેં સાત વર્ષ ભણાવ્યું. ઇંગ્લેન્ડમાં પણ સાત વર્ષ રહ્યો. જમાઅતે ઇસ્લામી હિન્દ, સૂરતથી જોડાયો. અત્યારે અંજૂમને ઇમદાદે મુસ્લિમીનનો બાની છું અને સેક્રેટરી પણ છું.

પ્ર. આ સંસ્થાની સ્થાપનાનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને તે સમયે કેવા સંજોગો પ્રવર્તતા હતા?
ઉ. તે સમયે હું જમાઅતે ઇસલામી હિન્દ, ગુજરાત પાંખનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર પ્રબંધક હતો. આથી મને ફકત દક્ષિણ ગુજરાત નહીં પણ આખા ગુજરાતના પ્રવાસથી મુસલમાનોની આર્થિક, સામાજીક સ્થિતી જાણવા મળી. મે જોયું કે આ કોમ શિક્ષણના મેદાનમાં ઘણી પાછળ છે. સાથે સાથે આર્થિક સ્થિતિ પણ નબળી છે. મને ઉકેલરૃપે વિચાર આવ્યો કે મકાતિબ (નાના મકાતિબ)ની સ્થાપના થવી જોઇએ કે જેથી મુસ્લિમોની અંદર ધાર્મિક જાગૃતિ આવે, દરેક ફિરકાના લોકોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે અને એક સારૃ વાતાવરણ મિલ્લતની અંદર પેદા થાય. મે એવો માહોલ ઉભો કર્યો કે જેથી વધારેમાં વધારે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોેલેજો અને આઇ.ટી.આઇ.ની સ્થાપના કરવામાં આવે. અમારી આ સંસ્થા આ જ મહેનતની એક કડી છે. અલ્લાહે અમને સફળ બનાવ્યા.

પ્ર. આપ ઘણા વર્ષોથી આ સંસ્થા ચલાવો છો, દેખીતી વાત છે તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. તે સમયના કપરા ચઢાણનું વર્ણન કરશો?
ઉ. શરૃઆતમાં તબક્કે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. જ્યારે હું જમાઅતે ઇસ્લામીમાં સેવા આપતો હતો ત્યારે જમાઅતે ઇસ્લામીનો હોવાને કારણે મારા ગામ, વિસ્તાર ત્યાં સુધી કે આખા ગુજરાતના ઉલેમા મારા વિરૂદ્ધ થઇ ગયા. પરંતુ જેમ-જેમ કામ થયું તેમ-તેમ અલ્લાહે તે કામમાં બરકત આપી અને લોકો નજીક આવતા ગયા. હવે માહોલ એવો બન્યો કે જે લોકો મને મારવા આવતા હતા, મારા વિરૂદ્ધ લોકોને ભડકાવતા હતા તેઓ હવે સામે ચાલીને ઓફિસે આવે છે અને ડોનેશન આપી જાય છે.

પ્ર. આપની એક સંસ્થા છે ‘ઇકરા માઇનોરીટી ઇન્સ્ટીટ્યુશન’ આમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?
ઉ. ઇકરામાં ચાર કે.જી. શાળાઓ છે જે સરકાર માન્ય છે. આમાં પણ માહોલ થોડો ઇસ્લામિક રખાયો છે. ચાર પ્રાઇમરી શાળાઓમાં દરરોજ એક કલાક ઇસ્લામી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. પ્રાર્થનામાં પણ બાળકોનું નૈતિક ઘડતર થાય એવી વાતો મુકવામાં આવે છે. એક આલિમ છે જે બાળકોની તર્બિયત કરે છે અને એવી જ રીતે માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, બી.સી.એ. કોલેજ અને આઇ.ટી.આઇ.માં ૯૯ ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓ છે. તેમના ઉપર અમારો પ્રયત્નો હોય છે કે તેઓ સારા માર્ક્સથી પાસ થાય અને અમારો જે ઇસ્લામી અભ્યાસક્રમ છે તેની પણ વિદ્યાર્થીઓ ઉપર સારી અસરો થાય. કુલ મળીને ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે.

પ્ર. બીજી કઇ કઇ સંસ્થાઓ ઇકરા અંતર્ગત ચાલે છે?
ઉ. વ્યાજ રહીત બેંક ચાલે છે. આ સિસ્ટમ ગુજરાતમાં સૌથી મોટુ ધિરાણ કરે છે. દર મહિને ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ જેટલું ધિરાણ થાય છે. અને વર્ષમાં ચારથી પાંચ કરોડનું ટર્નઓવર થાય છે. આ લોન દરેક મુસ્લિમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. કોઇપણ સંપ્રાદય કે નાત-જાતના ભેદભાવ વગર આ લોન સમાન રીતે આપવામાં આવે છે અને ખૂબ ફાયદો થાય છે.
પછી વિદ્યવાઓમાં કામ થાય છે. વિદ્યવાઓના બાળકોને આર્થિક મદદ આપવામાં આવે છે. નોટો, પુસ્તકો, બેગ વગેરે આપવામાં આવે છે.
એ સિવાય સંસ્થા દ્વારા બે મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે. એક માસિક અને બીજી દ્વિ-માસિક. અંજુમન વોઇસ માસિક છે. એના ઘણા બધા ગ્રાહકો પૈકી ૨૫૦૦ આજીવન ગ્રાહક છે. જેટલા પણ ગુજરાતી સામાયીકો આવે છે એમાં અંજુમન વોઇસ લોકોને વાંચવુ ગમે છે. એ જ પ્રમાણે અંજુમને ઇમદાદે મુસ્લિમીન હેઠળ જેટલી સ્કૂલો છે એ તમામ સ્કૂલો અને આઇ.ટી.આઇ. અને કોલેજના વિદ્યાર્થીઓ બધાને શામેલ કરીને ‘વોઇસ ઓફ ઇકરા’ પ્રકાશિત કરવામાં આવે છે. એમાં વિદ્યાર્થીઓ લખે છે, વિદ્યાર્થીઓ જ તમામ વસ્તુઓ શોધે છે અને વિદ્યાર્થીઓ વચ્ચે જ વહેંેચાય છે. ગ્રાહકોમાં પણ જાય છે. તેની સંખ્યા ૩૦૦૦ની આસપાસ છે.
કુર્બાની વખતે પણ ગરીબ અને જરૂરતમંદ લોકોમાં મદદ પહોંચાડવામાં આવે છે.

પ્ર. એક બી.સી.એ. કોલેજ પણ આપની સંસ્થા ચલાવે છે, એ કોલેજ ક્યારે શરૃ કરી ?
ઉ. આ કોલેજ ચાર વર્ષ પહેલા ૨૦૧૦માં શરૃ થઇ અને આ કોલેજમાં અત્યારે ૨૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે.

પ્ર. આપની સંસ્થા કેટલા ક્ષેત્રફળ પર ફેલાયેલી છે?
ઉ. દસ એકરમાં.

પ્ર. આપે કહ્યું કે અમે લોન પણ આપીએ છીએ, અને એની અંદર કોઇ પણ સંપ્રદાય કે નાત-જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતો, તો શું આપ બિન મુસ્લિમોને પણ એ લાભ આપો છો ?
ઉ. બિન મુસ્લિમોમાં આપણી એટલી બધી ઓળખાણ નથી. જે પણ આવે છે અમે એ લોકોને પરત નથી કરતા. અને જે જરૂરત બિનમુસ્લિમ આવે છે તેને અમે લોન આપીએ છીએ. એ લોકો બહુ ખુશ થઇ જાય છે અને કહે છે કે અમારી પાસે તો એવી કોઇ કલ્પના જ નથી કે વ્યાજ વગર પણ કોઇ લોન મળી શકે.

પ્ર. આપની સંસ્થામાં જેટલા લોકો પણ આ લોનથી જોડાયેલા હોય કે વિદ્યાર્થી તરીકે જોડાયેલા હોય તો આવા ગુજરાતના કેટલા જીલ્લાઓ છે જે લોકો આપની સંસ્થા પાસેથી સેવા લે છે?
ઉ. લોન તો ફકત ભરૃચ ગામના અને આસપાસના ગામના લોકોને આપવામાં આવે છે. ભણવા આવતા વિદ્યાર્થીઓ સુરત, બરોડા અને ભરૃચ જીલ્લાના જ હોય છે.

પ્ર. આપે જે વખતે સંસ્થાની સ્થાપની કરી અને જે હેતુ નજર સમક્ષ હતા તે હેતુઓ સિદ્ધ થયા કે કેમ ?
ઉ. બહુ મોટો ફેર પડ્યો છે. અમારી આ સંસ્થાની સ્થાપનાના કારણે આ પહેલા ભરૃચમાં મુસ્લિમો દારૃ-જુગાર, સટ્ટા, ગંદકી વગેરે બુરાઇઓમાં હતા. આ વિસ્તારમાં અમે સંસ્થાની સ્થાપના કરી તેથી વિદ્યાર્થીઓ ભણ્યા અને ભણે છે અને સારી જાગૃતિ આવી છે.

પ્ર. ભવિષ્યમાં સંસ્થાનું કોઇ આયોજન?
ઉ. હાલ અમારી સમક્ષ કોઇ ખાસ પ્રોજેક્ટ નથી. કારણ કે મોંઘવારી ખૂબ વધી ગઇ છે. જમીનોના ભાવ ખૂબ ઉચકાયા છે. તેથી ખરીદવા જેવું રહ્યું નથી. છતાં અમારી પાસે બે એકર જમીન ફાજલ પડેલ છે. ત્યાં અમે છોકરીઓની હોસ્ટેલ ઉભી કરવા માગીએ છીએ. કારણ કે છોકરીઓ માટે આખા ભરૃચ જીલ્લામાં કોઇ હોસ્ટેલ નથી.

પ્ર. આપે જે વીઝન રાખીને ભરૃચ જીલ્લામાં સંસ્થાની શરૃઆત કરી તો આનાથી પુરી ઉમ્મતને એક સારી ઇન્સ્ટીટ્યુશન મળી છે, એક સારો ઇસ્લામી માહોલ મળ્યો છે. તો આપ શું વિચારો છો કે ગુજરાતની અન્ય જગ્યાઓમાં પણ આવી સંસ્થાઓની સ્થાપના થવી જોઇએ કે જેથી મિલ્લતમાં શિક્ષણ જાગૃતિ આવે?
ઉ. ઘણી બધી જગ્યાઓએ શાળાઓ ખોલવાની જરૃર છે. હોસ્ટેલો ખોલવાની જરૃર છે, બાગ-બગીચા અને રમતના મેદાનો વિકસાવવાની જરૃર છે. આનાથી ઉમ્મતમાં ખૂબ સારી જાગૃતિ આવી શકે છે. અને અમારી આ સંસ્થાથી પ્રભાવિત થઇને ઘણા ખરા લોકો આવી ઇસ્લામી સંસ્થા ખોલી છે અને કેટલાક વિચારી પણ રહ્યા છે. અને અમારી સંસ્થાની જેમ તમામ જગ્યાઓએ વ્યાજ રહીત સુવિધા ગોઠવવામાં આવે તો મિલ્લતને આર્થિક રીતે ઘણો ફાયદો પહોંચશે.

પ્ર. યુવાસાથીના વાચકો માટે આપનો સંદેશ.
ઉ. વિદ્યાર્થીઓ ઇસ્લામને વાંચે, સમજે અને ઇસ્લામ વિરૂદ્ધ જે પુસ્તકો પણ આવે છે તેને પણ વાંચે અને સમજે. અને તુલનાત્મક અભ્યાસ કરીને ઇસ્લામને લોકો સુધી પહોંચાડનારા આમંત્રક બને.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments