Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસરમઝાન : સ્વાગત અને આયોજન

રમઝાન : સ્વાગત અને આયોજન

રહમત અને બરકતવાળો મહિનો રમઝાનુલ મુબારક ટૂંકમાં આપણા ઉપર છવાઈ જવાનોે છે. આ મુબારક મહિનાનું મહત્વ અને જરૂરત ખૈર અને બરકત અને શાણપણ (હિકમત) કુઆર્ન અને હદીસમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ માસની મહત્ત્વતા આ દ્રષ્ટિએ પણ વધી જાય છે કે આ માસ એક તરફ વ્યક્તિનું પ્રશિક્ષણ કરે છે, એમને બૂરાઈથી બચવા માટે પ્રોત્સાહિત કરે છે અને ભલાઈના કામોમાં એકબીજાથી વધારે કાર્ય કરવા માટે ઉત્તેજીત કરે છે. અને બીજી બાજુ સામૂહિક રીતે પણ સમાજમાં સારા કાર્યોને પ્રોત્સાહિત કરે છે, સમાજમાં ભલાઈનું વાતાવરણ ઊભું કરે છે અને બૂરાઈથી મુક્ત  કરે છે.

ટૂંંકમાં રમઝાનુલ મુબારક ખૈર અને ભલાઈનું મોસમ છે જે દુષ્ટતા અને બૂરાઈનું નાશ કરે છે. એટલે આ ખૈરના મોસમના મહત્ત્વને સમજીને અને તેનાથી ખૂબ લાભાન્વિત થવા માટે આ બહુ જરૂરી છે કે આપણે આ ખૈરના મોસમના આગમનથી પહેલાં એમનું સ્વાગત કરીએ. એના માટે સારામાં સારૃં આયોજન કરીએ કે જેથી રહમાનના આ ખજાનાને સમેટવા માટે કોઈ પણ પ્રકારના અવરોધો અને સમસ્યાઓ ઊભી ન થાય અને દરેક ક્ષણ આ ખજાનાને સમેટવામાં ગુજરે. નહિંતર જો આપણે આનાથી વિરુદ્ધ ક્રિયા કરીશું તો ક્યાંક એવું ન થઈ જાય કે આ મુબારક મહિનો આપણા ઉપરથી પસાર થઈને ગુજરી જાય અને આપણે બેદરકારીમાં ઊંઘતા રહીએ.

એનું ઉદાહરણ ચોક્કસ રીતે એ ખેડૂત જેવું છે જે વર્ષાઋતુની તીવ્રતાથી રાહ જુએ છે, અને એ ઋુતુ પહેલાં પોતાની જમીનને સમતળ કરે છે અને તેને આ લાયક બનાવે છે કે વરસાદ પડવાથી જમીન સંપૂર્ણપણે પાણીને શોષી લે, અને ઉત્તમ પાક તૈયાર થાય. જ્યારે જમીન તૈયાર થઈ જાય છે ત્યારે તેમની નજર આસ્માન તરફ હોય છે અને જેવા જ વાદળો છાવવા લાગે છે, એ અત્યંત ખુશ થઈ જાય છે બલ્કે કેટલીક જગ્યાએે તો ગીત ગાવામાં આવે છે માનો આ વર્ષાઋુતુનું સ્વાગત હોય છે. અને આખરે વરસાદ પડે છે અને ખેતરો લેહલહાઇ ઉઠે છે. પાક તૈયાર થઈ જાય છે અને મૃત જમીનોને જીવનદાન મળી જાય છે. આનાથી વિરુદ્ધ જો ખેડૂત આ બધા કાર્યો અગાઉથી ન કરે અને જમીનને બંજર જ છોડી દે ત્યારે વરસાદ તો પડે છે પણ અનપેક્ષિત (બે અસર) થઈને ગુજરી જાય છે. વરસાદનું હોવું અને ન હોવું બંને બરાબર થઈને રહી જાય છે.

ચોક્કસપણે જો આવી રીતે આપણે રમઝાનુલ મુબારક જેવા ખૈરના મોસમ માટે પોતાના હૃદયને આપણે તૈયાર ન કરીએ, હૃદયને તેના આગમન પહેલાં સમતળ ન કરીએ અને આવા જ સૂકા અને મૃત હૃદયની સાથે રહ્યા તો આ મોસમ-એ- ખૈર થી આપણે કોઈ પણ લાભ ઉઠાવી શકીશું નહીં આ આપણા ઉપરથી એવી જ રીતે ગુજરી જશે જેવી રીતે વરસાદનું પાણી બંજર જમીન પરથી ગુજરી જાય છે.

રમઝાનુલ મુબારકનું મહત્ત્વ અને ફઝીલતને પોતે જાણવી અને લોકોમાં તેના સંદેશને જાહેર કરવો એ જ હકીકતમાં આ પવિત્ર માસનું સ્વાગત છે. પયગમ્બર મુહમ્મદ સલ્લ.ના જીવનથી આ વાત અત્યંત વર્ણાત્મક રીતે મળે છે કે આપ સલ્લ.એ કેવી રીતે આ મોસમે ખૈરની ફઝીલતો,બરકતો અને રહમતોને લોકોની સમક્ષ જાહેરમાં પેશ કરતા હતા. આના સંબંધમાં નીચેની હદીસ જોઈ શકાય.

હઝરત સલમાન ફારસી રદિ. કહે છે કે શા’બાનની છેલ્લી તારીખે રસૂલુલ્લાહ સ.અ.વ.એ અમને સંબોધન કર્યુંઃ “હે લોકો ! તમારી ઉપર એક મોટી મહાનતાવાળો અને બરકતવંતો મહિનો છવાનાર છે. તેમાં એક રાત હજાર મહિનાઓથી બહેતર છે. આ મહિનાના રોઝાને અલ્લાહે ફર્ઝ ઠેરવ્યા છે અને તેની રાત્રીઓમાં (ખુદાના હજૂરમાં) ઊભા રહેવાને નફ્લ ઠેરવ્યું છે. જે વ્યક્તિ આ મહિનામાં કોઈ નેક નફ્લ કાર્ય અલ્લાહની પ્રસન્નતા તથા સામિપ્ય પ્રાપ્ત કરવા માટે કરશે તો એ એવું હશે કે જાણે આ મહિના સિવાય બીજા મહિનાઓમાં કોઈએ ફર્ઝ અદા કર્યો હોય. અને જે આ મહિનામાં ફર્ઝ અદા કરશે તે એવો હશે જાણે કે આ મહિના સિવાય અન્ય મહિનાઓમાં કોઈએ ૭૦ ફર્ઝ અદા કર્યા.”

આ હદીસ એટલી વિસ્તારપૂર્વક વર્ણવામાં આવી છે કે રમઝાનનું મહત્ત્વ આપણા ઉપર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે. આવી જ રીતે કુઆર્ને પણ રોઝાના મૂળભૂત હેતુ તકવા (સંયમ) અને આ મહિનાની ખાસ વિશેષતાનો કારણ નુઝૂલે કુઆર્નને ઠેરવ્યું છે.

અત્યાર સુધી આપણી સમક્ષ રમઝાનુલ મુબારકનું મહત્ત્વ અને હેતુ, વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં એની અસરો અને એના આગમન પહેલાંનું આયોજનનું મહત્ત્વ આ બધી વાતો આવી ચૂકી છે હવે આપણે એના આયોજન અંગે પણ કેટલાક પોઇંટ્સ  જોઈએ કે જેથી કંઇક ખાસ પોઇંટ્સ ઉપર જ આ મહિનાથી સંબધિત છે ધ્યાનકેન્દ્રીત થઈ શકે.

રમઝાનુલ મુબારક સંબંધે દરેક વ્યક્તિને પોતાનું આયોજન પોતાની સ્થિતિ, સમય અને ક્ષમતાને સામે રાખીન કરવું જોઈએ.એટલા માટે અહિંયા સંક્ષિપ્ત રીતે ફક્ત અમુક ચોક્કસ પોઇંટ્સ રજૂ કરવામાં આવે છે.

૧) નમાઝની પાબંદી સંબંધે મજબૂત ઇરાદો 

કોઈ પણ કાર્ય માટે પહેલું પગથિયું મજબૂત ઇરાદો હોય છે જો કોઈ કાર્યને કરવા માટેનો ઇરાદો વ્યક્તિમાં ન હોય તો પછી ઇચ્છાઓની જેટલી પણ લાંબી સૂચિ હોય તે ફકત એક શેખ ચિલ્લીનું સ્વપ્ન બનીને રહી જાય છે. અને જો ઇરાદો મજબૂત હોય તો મોટાથી મોટા પડકારનું પણ ઉકેલ લાવી શકાય છે. પછી એક મો’મિન બંદો ન માત્ર મજબૂત ઇરાદો કરે છે બલ્કે અલ્લાહથી આ સંબંધે દુઆ પણ કરે છે જેથી ઇરાદાની મજબૂતી અને ક્રિયા(અમલ)ની પરિપક્વતામાં અલ્લાહની તોફીક પણ સામેલ રહે છે. રમઝાનુલ મુબારકની નમાઝો માટે શરૃઆતમાં તો પાબંદી થાય છે પણ સમય પ્રસાર થતાં ઘણીવાર ગફલત અને બેદરકારી થતી હોય છે. આ માટે આયોજનમાં આ વાતને સામેલ કરવી કે હું પાંચ વખતની નમાઝ જમાઅતની સાથે પઢીશ અને સુન્નત, નફિલ,તરાવીહ અચૂકપણે પઢીશ અને તહજ્જુદનું પણ આયોજન કરીશ.

૨) રોઝા સંબંધે આયોજન 

રોઝા શરઇ ઉજ્ર વગર કોઈ પણ સ્થિતિમાં ના છોડેં. બીજી વસ્તુ છે રોઝાનું રક્ષણ, કેમ કે રોઝા માત્ર ભૂખ્યા અને તરસ્યા રહેવાનું નામ નથી બલ્કે બૂરાઈઓથી બચવું પણ એમાં સામેલ છે જેમકે હદીસમાં હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું છે જેનો ભાવાર્થ છે, “જે વ્યક્તિ (રોઝાની હાલતમાં) જૂઠ બોલવા અને તેના ઉપર અનુસરણ કરવાનું ન છોડે તો અલ્લાહને આની કોઈ જરૂરત નથી કે તે (રોઝા રાખીને) ખાવા-પીવાનું છોડી દે.” એક બીજી હદીસનો ભાવાર્થ છે, “કેટલાય રોઝદાર એવા હોય છે જેમને રોઝા દ્વારા ભુખ અને પ્યાસ સિવાય કશું નસીબ થતું નથી. અને કેટલાય લોકોને (રાતોની નમાઝમાં) ઉભા થનારને રાત્રી જાગરણ સિવાય કશું નસીબ થતું નથી.”

આ હદીસના પ્રકાશમાં આપણું આ આયોજન હોવું જોઈએ કે આપણે એ તમામ ગુનાહોથી બચીશું જે રોઝાને વ્યર્થ કરી નાખે છે આ સંબંધમાં ઓછું બોલવું, ઓછું  સૂવું, અશ્લીલતાથી બચવું અને સોશ્યલ મીડિયાના ઉપયોગને ઓછું કરવું જેવા મુદ્દાઓ ધ્યાનમાં લઇ શકાય.

૩) કુઆર્ન માટેનું આયોજન

કુઆર્ન અને હદીસના અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે રમઝાન અને કુઆર્ન વચ્ચે બહુ ગાઢ સંબંધ છે બલ્કે હદીસના શબ્દો છે કે “આ (રમઝાન) કુઆર્નનો મહીનો છે”. એટલા માટે કુઆર્ન પઢવા, સમજવા એના સંદેશને લોકો સુધી પહોંચાડવા અને તેના ઉપર અમલ કરવા માટેનું આયોજન કરવું જોઈએ. આ સંબંધમાં કુઆર્નનું અરબી વાંચન, અનુવાદ, તફસીર અને કુઆર્નને સમજવા માટેના ઇજ્તેમા જેવા મુદ્દાઓ ધ્યાનમાં લઇ શકાય.

૪) શબે કદ્ર અને ઐતેકાફ

કુઆર્ન અને હદીસમાં શબે કદ્રની ફઝીલત સ્પષ્ટ રીતે આવી છે. આ રાતને હજાર મહિનાની રાતથી પણ શ્રેષ્ઠ જણાવવામાં આવી છે. અને એ’તેકાફ પણ અલ્લાહના રસૂલની સુન્નત છે એટલે આ બંને ઇબાદત સંબંધે સારૃં આયોજન કરવું જોઈએ.

૫) હુકૂકૂલઇબાદ (બંદાઓના હુકુક) માટે ઓયજન 

રમઝાન ફક્ત વ્યક્તિગત ઇબાદતનું નામ નથી પરંતુ બંદાઓના હક્કો અદા કરવું પણ આમાં સામેલ છે. હદીસમાં રમઝાનને “હમદર્દી વ ગમખ્વારી”નો મહિનો કહેવામાં આવ્યો છે તેથી પોતાના આયોજનમાં ગરીબો, મિસ્કીનો અને જરૂરતમંદોને પણ સામેલ કરવા જોઇએ. આ સંબંધે ભૂખ્યાને ખવડાવવું,સેહરી અને ઇફતારી કરાવવી અને ગરીબો માટે ખર્ચ કરવું જેવા મુદ્દાઓ ધ્યાનમાં લઈ શકાય.

આ અમુક ખાસ પોઇંટ્સ હતા જેના વિશે ચોક્કસ રીતે આયોજન કરવું અને આ પોઇંટ્સ ઉપરાંત પોતાની રીતે પણ આપણે સારામાં સારૃં આયોજન કરવું જોઈએ, અને તેેમનું અમલીકરણ પણ કરવું છે અને આ મહિનાનું એક એક ક્ષણનું ભરપૂર ફાયદો ઉઠાવી અલ્લાહની દુર્લભ નેઅ્મતો સમેટવી છે./

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments