Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસવ્યક્તિત્વનું નિર્માણ

વ્યક્તિત્વનું નિર્માણ

 

વ્યક્તિત્વ (Personality) જ માનવીની ઓળખ છે. જે લોકો પોતાના વ્યક્તિત્વ પ્રત્યે ધ્યાન નથી આપતા અને જેઓ આ નથી જાણતા કે વ્યક્તિત્વને આઘાત જો પહોંચે છે તો આ એ હાનિ હશે કે જેનાથી મોટી કોઈ હાનિની કલ્પના પણ નથી કરી શકાતી. માનવીનું મહત્ત્વ અને તેનું મૂલ્ય તેના વ્યક્તિત્વ પર જ આધારિત હોય છે. માનવીના સમગ્ર કર્મો, ગતિવિધિઓ અને જીવન-ચરિત્રને તેના વ્યક્તિત્વમાં આંકી શકાય છે. સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે મૃત્યુ પછી માણસ સાથે ન તો તેની ધન-દૌલત જાય છે અને ન તો તેની સંપત્તિ અને ન જ તેની સાથે તેના કુટુંબિજનો હોય છે. તેની સાથે જો જાય છે તો તે તેના કર્મો જ જાય છે, ભલે તે ગમે તેવા હોય – સારા હોય કે ખરાબ. આ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય છે કે મૃત્યુ પછી માણસ સાથે તે શીલ-સ્વભાવ અને ચારિત્ર જ જાય છે. આને જો વધુ ટૂંકમાં કહેવા ઇચ્છીએ તો આપણે કહી શકીએ છીએ કે મૃત્યુ પછી માણસ સાથે તેનું વ્યક્તિત્વ જ જાય છે. વ્યક્તિત્વનો સંબંધ માણસ સાથે હંમેશ માટે અતૂટ હોય છે.

ઉપર જે કંઇ કહેવામાં આવ્યું તેનાથી આ વાત સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે કે માનવી પાસે સૌથી મોટી મૂડી તેનું પોતાનું વ્યક્તિત્વ જ છે. પરંતુ આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે સામાન્ય રીતે લોકો આ વાસ્તવિક્તાથી અજાણ રહીને જીવન વ્યતીત કરતા જોવા મળે છે. વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાથી જણાય છે કે વ્યક્તિત્વના નિર્માણમાં ત્રણ વસ્તુઓનો મહત્ત્વનો ફાળો હોય છે.

(૧) વિચાર (Thought)

(૨) લાગણી (Feeling)

(૩) ક્રિયા (Action)

દરેક વ્યક્તિના કંઇને કંઇ વિચાર હોય છે. તેના વિચાર સત્ય પણ હોઈ શકે છે અને અસત્ય પણ. આ પણ શક્ય છે કે તેનું સમગ્ર જીવન અજ્ઞાાનતાભર્યા વિચારો સાથે સમાપ્ત થઈ જાય અને તેને આ જાણ ન થઈ શકે કે એ આ જગતમાં શા માટે આવ્યો હતો અને મૃત્યુ પછી તેને કયા લોકમાં જવાનું છે? સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર, નિયામક અને તેને ચલાવનાર કોણ છે અને કઇ યોજના હેઠળ એ સૃષ્ટિના કારભારને ચલાવી રહ્યો છે? એ યોજનામાં માનવીની શી ભૂમિકા હોવી જોઈએ અને તેમાં તેની શી ભાગીદારી હોઈ શકે છે? વિચારો ઉચ્ચ અને ઊંડા પણ હોઈ શકે છે અને નિમ્ન તથા ઘૃણાસ્પદ પણ. કેટલાક વિચારો એવા હોય છે જે વિષની જેમ સમગ્ર જીવનને વિષમય બનાવી દે છે. બૂરા વિચારો એવા Pollutants છે જે સમાજના વાતાવરણને પ્રદૂષિત કરી મૂકે છે. કોઈનો વિચાર જો સત્ય અને સુંદર નથી તો પછી આપણે તેના માટે કોઈ પણ મહાન તથા આકર્ષક વ્યક્તિત્વની કલ્પના પણ નથી કરી શકતા.

વ્યક્તિત્વના નિર્માણમાં અન્ય વસ્તુ કે જેના અસલ ફાળો હોય છે તે છે લાગણી (Feeling). માનવી માત્ર વિચારો સાથે જ જીવન વિતાવી નથી શકતો. તેની કેટલીક ભાવનાઓ-લાગણીઓ અને આકાંક્ષાઓ પણ હોય છે. તે ફકત આ જ નથી ઇચ્છતો કે તેની ભૂખ મટે, બલ્કે તેને આનંદની પણ શોધ હોય છે. લાગણીઓમાં પણ અંતર જોવા મળે છે. કેટલીક ભાવનાઓ-લાગણીઓ પવિત્ર તથા નિર્મળ હોય છે, અને કેટલીક અપવિત્ર તથા ઘૃણિત. જ્યાં સુધી માનવીની ભાવનાઓ, લાગણીઓ, તેનો મોહ અને રુચિઓ પવિત્ર તથા ઊંડી નથી હોતી, ત્યાં સુધી તેના માટે કોઈ આકર્ષક અને મહાન વ્યક્તિત્વનું આપણે સ્વપ્ન નથી જોઈ શકતા.

વ્યક્તિત્વના નિર્માણમાં ત્રીજી વસ્તુ છે જેને ક્રિયા-કર્મ (Action) કહેવામાં આવે છે. વિચાર તથા લાગણીઓની જેમ કર્મ-ક્રિયા પણ સારા-નરસા હોય છે. કેટલાક કર્મોનો માનવ-ઇતિહાસમાં એટલો મોટો ફાળો રહ્યો છે કે વ્યક્તિને તેમણે અમર બનાવી દીધો. કેટલાક કર્મોના સારા ફળોથી માણસની એક પછી એક પેઢીઓ લાભાન્વિત થતી રહે છે. અને કેટલાક માણસોના કર્મો એવા વિનાશકારી અને અધમ હોય છે કે સદીઓ સુધી પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે. આના દૃષ્ટાંતોથી ઇતિહાસના પૃષ્ઠો ભરેલા પડયા છે. સારા વ્યક્તિત્વના નિર્માણમાં તો એ જ કર્મો મદદરૃપ હોઈ શકે છે જેમને આપણે સુકર્મ કે કલ્યાણકારી કર્મોના નામથી જાણીએ છીએ.

વિચાર, લાગણીઓ અને કર્મ – આ ત્રણ વસ્તુઓ વ્યક્તિત્વના મૂળ નિર્માણકારી તત્ત્વો છે. આ તત્ત્વોથી મળીને જ કોઈ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પરંતુ આ વાત ધ્યાનમાં રહે કે વ્યક્તિત્વના નિર્માણ માટે માત્ર આ તત્ત્વોના હોવું જ પૂરતું નથી, બલ્કે આ પણ જરૂરી છે કે આ ત્રણેય તત્ત્વોનું પ્રમાણ કે સ્તરમાં સમાનતા, એકાત્મતા અને સમરસતા પણ જોવા મળે. આના પછી જ આપણે એક મહાન અને સંતુલિત વ્યક્તિત્વની આશા રાખી શકીએ છીએ. *

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments