Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસવ્યક્તિની ઉન્નતિમાં સંગઠનનો ફાળો - ૧

વ્યક્તિની ઉન્નતિમાં સંગઠનનો ફાળો – ૧

માનવી પ્રાકૃતિક રીતે સંગઠનને પસંદ કરે છે. આપણે આ વાતની અનુભૂતિ કરીએ છીએ કે આપણે જે કંઈ છીએ – આપણા વિચારો, આપણી યોગ્યતાઓ એ સર્વ સામૂહિક જીવનમાં બીજાઓ સાથેના આપણા સંબંધો, બીજાઓ સાથે હળવું – મળવું, અને વિચારોના આદાન-પ્રદાનનું જ પરિણામ છે. આપણે જે કંઈ લેખન કાર્ય કરીએ છીએ જે કંઈ વિચારીએ છીએ, બોલીએ છીએ અને વર્તન કરીએ છીએ, આપણા અભિપ્રાયો, અને આપણું સામાજીક સ્થાન એ બધાનો સ્ત્રોત સમાજ અને સંગઠન છે આપણા કોઈ પણ કાર્યમાં તર્ક (વાદ-વિવાદ), સરખામણી, સુંદરતા કુરૃપતાનો આધાર, સારા-નરસા, ફાયદો – નુકસાનનો અંદાઝ સંગઠન ઉપર જ આધારિત છે. આ યાદી લાંબી છે પરંતુ આ વાત નક્કી છે કે આપણા વિચારો, વાણી અને વર્તન ઉપર પારસ્પરિક વ્યવહાર, પારસ્પરિક સહયોગ અને એકબીજાની લાગવગ પ્રભાવ પાડે છે.

સંગઠનની શરૃઆત આપણા ઘરથી થાય છે. બીજા નંબરમાં સમવ્યસકોનું સંગઠન હોય છે પછી બાળક એક સમાન સ્વભાવ સિવાય સહાધ્યારત, ધિંગામસ્તી કરવાવાળા છોકરાઓની જુદી જુદી ટોળકીનો ભાગ બનતો જાય છે. પરંતુ અહીંયા સંગઠનનો મતલબ બિન સંકલ્પ સંગઠન નહીં પરંતુ સંકલ્પ સહિતનું સંગઠન છે જ્યારે વ્યક્તિ ઇસ્લામી સંગઠનમાં જોડાય છે, તો તેના વ્યક્તિત્વની કાયા-પલટ થઈ જાય છે તેના વ્યક્તિત્વમાં નિખાર આવી જાય છે. વ્યક્તિ પ્રગતિના સોપાન સર કરીને ઉન્નતિના શિખરે પહોંચી જાય છે.

ઇસ્લામના મતે વ્યક્તિ પોતાની મુક્તિ માટે પોતે જ જવાબદાર છે પરંતુ સંગઠન તેના માટે એક નિમિત્ત અને માધ્યમનું સ્થાન ધરાવે છે.

ઇસ્લામી ઇબાદતો

ઇસ્લામની ઇબાદતોના માધ્યમથી સંગઠનની આત્માને ઘણી શક્તિ મળે છે. દા.ત. નમાઝ વ્યક્તિ એકલો પઢે તો શક્ય છે કે તેને વધારે તલ્લિનતા નસીબ થાય, અલ્લાહ તઆલા સાથે નિકટતા, અને વિનમ્રતાથી વાત-ચીત કરવામાં વધારે આઝાદી અનુભવાય. પરંતુ ઇસ્લામ, વ્યક્તિ એકલો એકલો ઘરમાં નમાઝ અદા કરે તેને પસંદ નથી કરતો. એટલું જ નહીં, બલ્કે નબીએ કરીમ સલ્લ.એ તો અહીં સુધી ફરમાવ્યું કે ઃ ”કસમ છે તે જાતની જેના કબજામાં મારા પ્રાણ છે, મૈ ઇરાદો કર્યો કે – લાકડાં ભેગા કરવાનો આદેશ આપુ, પછી નમાઝ પઢવાનો હુકમ કરૃ, અને તેના માટે અઝાન આપવામાં આવે, પછી એક જણને નમાઝીઓનો ઇમામ બનાવું, અને હું લોકોની તરફ જાઉં, જે નમાઝમાં હાજર નથી થતા, અને તેમના ઘરોને આગ લગાડી દઉં.”(કલામે નબુવ્વત, જીલ્દ-અવ્વલ, સફા-૩૯૩)

એક અમેરીકન નવયુવાન જેફરી લૈંગ જ્યારે મુસલમાન થયા, તો તેમના સ્નેહી જનોએ ઇસ્લામી ઇબાદતની વ્યવસ્થા ઉપર ટીકા કરી કે તેમાં વ્યક્તિને આત્માની શાંતિ અને હાર્દિક સંતોષ ઓછો મળે છે, કારણ કે ઇબાદત સામુહિક રૃપમાં થાય છે. આના ઉપર તે લખે છે ઃ ”મેં તેને (નવજવાન) કહ્યું કે તે એક ખાસ ધ્યેયને પામી ચૂક્યો છે. અને તેણે ઇસ્લામના એક ખાસ રહસ્યની ઓળખ કરી લીધી છે, પોતાની અત્યંત તલ્લિનતા કેન્દ્રિત કરનાર ઇબાદતમાં પણ પોતાની જામણી અને ડાબી બાજુ ઊભેલા ભાઈ કે બહેનને સફળતા અને ઉન્નતિ પણ તમારા બીજા માનવ-બંધુઓ સાથેના તમારા વર્તણુકથી જોડાયેલી છે.” એવી જ રીતે રોઝા છે જો તે ફક્ત મનેચ્છાઓ ઉપર કાબૂ મેળવવાનું જ માધ્યમ હોત તો વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે પોતાની સહુલત પ્રમાણે ૩૦ રોઝાની ગણત્રી પૂર્ણ કરી શકાત. પરંતુ ઇસ્લામે એક સાથે સમગ્ર વિશ્વના મુસલમાનો ઉપર રોઝા ફર્ઝ કરીને સંગઠનનું મહત્વ ઉજાગર કરી દીધું છે. એ જ પ્રમાણે બીજી ઇબાદતો પણ છે. આના ઉપરથી સાબિત થાય છે કે ઇસ્લામમાં ઇબાદતો બીજા ધર્મોની માફક ફક્ત અલ્લાહનું ધ્યાન અને જ્ઞાન પ્રાપ્તિનું જ નામ નથી, પરંતુ બંદો ઇબાદતને એવી રીતે અદા કરે કે જેનાથી બંદો હોવાનો હક અદા થાય. સ્વતંત્રતા (આઝાદી) અને સ્વચ્છંદતાના બદલે સ્વેચ્છાઓ ગુલામી અને દાસતા ધારણ કરવી એમાં જ વ્યક્તિની ઉન્નતિ રહેલી છે. જેટલો તે અલ્લાહનો હક અદા કરશે એટલું જ તેનું વ્યક્તિત્વ ઉન્નતિના શિખરે પહોંચી જશે.

અલ્લાહની રહમત

જમાઅત સાથે જોડાયેલા રહેવાથી અલ્લાહની રહમત પ્રાપ્ત થાય છે. આમ તો અલ્લાહ તઆલા દરેક ઉપર કૃપાળુ (રહેમાન) છે તેને ન માનનારા જ નહીં, પરંતુ અવજ્ઞાકારી, વિદ્રોહી અને અત્યાચારી ઉપર પણ તે દયા કરે છે, પરંતુ જમાઅત સાથેના સંબંધના ફળ સ્વરૃપ તેની ખાસ કૃપાદૃષ્ટિ આકર્ષિત થાય છે. તેનાથી વિપરીત જમાઅતના બદલે વર્ગ-વિગ્રહ અલ્લાહના અઝાબને આમંત્રણ આપે છે.

કુઆર્ન કહે છે : “કહો, ”તે એવું કરવા સમર્થ છે કે તમારા પર કોઈ આફત ઉપરથી ઉતારી દે અથવા તમારા પગ નીચેથી લઈ આવે અથવા તમને જૂથોમાં વહેંચીને એક જૂથને બીજા જૂથની તાકાતનો સ્વાદ ચખાડી દે.” જુઓ, અમે કેવી રીતે વારંવાર જુદી-જુદી રીતે પોતાની નિશાનીઓ તેમના સામે રજૂ કરી રહ્યા છીએ, કદાચ તેઓ હકીકતને સમજી લે.” (૬:૬પ)

આ આયતથી સ્પષ્ટ થાય છેકે અલ્લાહનો અઝાબ ત્રણ પ્રકારે આવે છે.

૧. ઉપરનો અઝાબ – અર્થાત વિજળીનો કડાકો, વાવાઝોડું (આંધી) અને તોફાન, મુશળાધાર વરસાદ

ર. નીચેથી અઝાબ – અર્થાત ધરતીકંપ, પૂર, પાણીનો પ્રલય, સુનામી, જવાળામુખી ફાટીને લાવારસ નિકળવો વગેરે.

૩. ત્રીજા પ્રકારનો અઝાબ, એ છે કે લોકો જુથોમાં વહેંચાઈ જાય, ખંડિત થઈ જાય, પરસ્પર મારા-મારી અને કાપા-કાપી થવા લાગે, દેશમાં અંધાધૂંધી ફેલાઈ જાય. પ્રથમના બે અઝાબ કરતાં ત્રીજા પ્રકારનો અઝાબ વધારે ભયંકર અને સખત છે કારણ કે ધરતીકંપ, વાવાઝોડું, સુનામી પછી વસ્તી નાશ પામે છે. લોકો માટીમાં મળી જાય છે પરંતુ રમખાણો અને અંધા-ધૂંધીનો અઝાબ એવો છે કે પીડિત જીવંત રહે અને ઝાલિમોના ત્રાસનો ભોગ બને અને દુનિયા માટે બોધપાઠ બની જાય. આથી જાણવા મળે છે કે સંગઠનનું ખંડિત થવું એ અલ્લાહના અઝાબનો એક પ્રકાર છે, જ્યારે સંગઠિત રહેવું એ અલ્લાહની રહમત છે. બલ્કે કુઆર્ન સ્પષ્ટ કહે છે ઃ “મોમિન (ઈમાનવાળા) પુરુષો અને મોમિન (ઈમાનવાળી) સ્ત્રીઓ સૌ એક-બીજાના મિત્રોે છે. ભલાઈની આજ્ઞા આપે છે અને બૂરાઈથી રોકે છે, નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે છે. આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહની રહમત (કૃપા) જરૃર ઊતરીને રહેશે, નિઃશંક અલ્લાહ સૌના ઉપર વર્ચસ્વ ધરાવનાર અને તત્ત્વદર્શી છે.” (૯ઃ૭૧)

શેતાનથી રક્ષણ

આત્મશુદ્ધિએ વ્યક્તિની ઉન્નતિનું બીજું નામ છે તેના માટે અલ્લાહની મદદ જરૂરી છે જ્યારે ભલાઈ અને સુયોગ્યતાઓને દબાવી દેવી એ વ્યક્તિનું પતન છે. તેના માટે શેતાન તમામ દાવ અજમાવે છે, જેથી તે આ સાબિત કરે કે મનુષ્યને શેતાન – ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી. જેના કારણે તેને ફરિશ્તાઓથી સિજદો કરાવ્યો હતો. શેતાન ઇન્સાનની ઘાતમાં બેસી રહે છે. અને દરેક તે કામો કરવા માટે ઉભારે છે, જેના લીધે માણસ પોતાની સુધારણના માર્ગથી ભટકી જાય.

કુઆર્ન કહે છે – “એક જૂથને તો તેણે સીધો માર્ગ દેખાડી દીધો છે, પરંતુ બીજા જૂથ ઉપર પથભ્રષ્ટતા બરાબર ચોંટીને રહી ગઈ છે, કારણ કે તેણે ખુદાની જગ્યાએ શેતાનને પોતાનો સંરક્ષક બનાવી લીધો છે અને તેઓ સમજી રહ્યા છે કે અમે સીધા માર્ગ ઉપર છીએ.” (૭:૩૦)

“તે (શેતાન) અને તેના સાથીદારો તમને એવી જગ્યાએથી જુએ છે જ્યાંથી તમે તેમને નથી જોઈ શકતા.”(૭:૨૭)

ઇન્સાનની આ લાચારી છે કે તે પોતાના અનાદિકાળના દુષ્કાળને દેખી શકતો નથી. પરંતુ તે આપણને દેખે છે. આપણો શિકાર કરવા માટે જ્યારે તે આપણા ઉપર હુમલો કરે છે, તો તે અદીઠ હોવાથી આપણે તેનો શિકાર બની જઈએ છીએ અને આપણા રક્ષણ માટે આપણે કોઈ ઉપાય કરી શકતા નથી. પરંતુ માણસ એટલો નિરૃપાય પણ નથી. નબી સલ્લ.એ આપણને તેની યુક્તિઓથી બચવા માટે બોધ આપ્યો છે, કે આપણે જમાઅતથી જોડાઈને રહીએ. હદીસમાં છે રસુલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ ”જેવી રીતે બકરીઓનું દુશ્મન વરૃ છે અને ટોળાથી અલગ રહેનાર બકરીનો સહેલાઈથી શિકાર કરી નાખે છે, એવી જ રીત શયતાન ઇન્સાનનો વરૃ છે, જે લોકો જમાઅતથી જોડાઈને નહીં રહે તેમનો તે ઘણી જ સહેલાઈથી શિકાર કરી દે છે. માટે હે લોકો ! પગદંડીઓ પરના ચાલશો. પરંતુ તમારા માટે જરૂરી છે કે જમાઅતથી જોડાઈને અને આમ મુસલમાનોની સાથે રહો”. (મિશ્કાત, મુઆઝ બિન જબલ)

અલ્લાહની શાન દેખો કે તેણે વાઘના ખોરાક માટે હરણ, ઝિબ્રા, ભેંશ-પેદા કર્યા, પરંતુ તે પ્રાણીઓને પોતાના દુશ્મનથી રક્ષણ માટે કેટલીક યુક્તિઓ પણ શિખવાડી. જેથી જે પ્રાણી તે વાઘનો કોળિયો બનવા ન માગે તે બચી શકે. ઝિબ્રાને અલ્લાહતઆલાને કાળી સફેદ પટ્ટા અર્પણ કર્યા છે. આ ફક્ત સુંદરતા માટે જ નહીં, પરંતુ તેના રક્ષણ માટે પણ છે ઝિબ્રા જ્યારે ટોળામાં રહીને ચરે છે, તો વાઘ હુમલો કરવાની હિંમત પણ કરી શકતો નથો. કાળી-સફેદ ધારીઓનો સમૂહ વાઘની આંખોમાં ગૂંચવણ ઊભી કરે દે છે અને એક ઝિબ્રાને અલગથી દેખી શકતો નથી. આશ્ચર્ય તો એ છે કે ઝિબ્રા ઓછામાં ઓછી બેની સંખ્યામાં પણ એક સાથે દોડતા રહે તો પણ વાઘ માટે શિકાર કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ જ્યારે કોઈ ઝિબ્રા પોતાના ટોળાથી જુદો પડી ગયો કે તરત જ વાઘ તેના ઉપર હુમલો કરી દે છે. આવી જ સ્થિતિ ઇન્સાનની છે. જ્યાં સુધી તે એક દીની સંસ્થા સાથે જોડાયેલો રહેશે, ન ફકત તેના વ્યક્તિત્વની ઉન્નતિ શક્ય બનશે, બલ્કે તેનું રક્ષણ પણ આ જ રીતે શક્ય છે. નહિંતર જમાઅતથી અલગ રહેવાથી એકલો દેખીને શેતાન તેના ઉપર પોતાના ભાલો ભોંકી દે છે.

નમૂના ઉપલબ્ધ થાય છે

અનુકરણ મનુષ્યની પ્રકૃતિમાં સામેલ છે. મનોવૈજ્ઞાનિક કહે છે કે મનુષ્ય જે પણ કાર્ય કરે છે તેમાં ૮૦% અનુકરણ દ્વારા શીખે છે. ભલે તે ખાવા-પીવાનું હોય કે ઉઠવા-બેસવાનું હોય, હસવા-રડવાનું હોય કે હરવા-ફરવાનું હોય. દરેક નવો ડૉક્ટર કોઈક નિષ્ણાંત ડૉક્ટર જોડે રહીને સર્જરીની આવડત અનુકરણથી જ શિખે છે. ફકત ડૉક્ટરોના જાડા-જાડા પુસ્તકો વાંચીને ઑપરેશનના સાધનો લઈને ઑપરેશન ચાલુ નથી કરી દેતો. દરેક કલા-કારીગરીની નિપૂણતા અનુકરણથી જ હસ્તગત થાય છે. અનુકરણ માટે કોઈ નમૂનો સામે હોવો જરૂરી છે. જમાઅતે ઇસ્લામીની આ વિશેષતા છે કે પોતાના વ્યક્તિત્વની ઉન્નતિ માટે જે પણ નમૂનો અપેક્ષિત હોય તે સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે. આપણું સહાયક સંગઠન એસ.આઈ.ઓ.ની એ વિશેષતા છે કે તેમાં ઘણા જ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓથી મુલાકાતો થાય છે તેમની કુઆર્નથી અભિરૃચિ, ઇસ્લામની બુનિયાદો ઉપર તેમની ઊંડી નજર, અયોગ્ય રોજગાર, ફિલોસોફરોના તત્વજ્ઞાનથી અપ્રભાવિત, ઇસ્લામી વિચારસરણીની શુદ્ધતા, પરિવર્તનના માર્ગ ઉપર અડગ અને સહુલત પ્રાપ્યના માર્ગો વચ્ચે એમના મનમાં સ્પષ્ટ મત, ઉમ્મતમાં કરવાના હજાર કામોમાં પ્રાથમિકતા અને પસંદગી માટેની સ્પષ્ટતાની જ્યારે એક નવાગંતુક વ્યક્તિને અનુભૂતિ થાય છે, તો તે આવા પ્રકારના સાથીદારને પોતાની વૈચારિક ઉન્નતિ માટે આદર્શ બનાવી લે છે. તેમનું અનુસરણ કરીને, તેમની સાથે વાત-ચીત કરીને, તેમની વાતો સાંભળીને, ક્યારેક તેમના સાથે ચર્ચાઓ અને વાદ-વિવાદ કરીને, તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. આ પવિત્ર પ્રયત્નો તેને વૈચારિક ઉન્નતિના શિખરે પહોંચાડે છે.

અમુક યુવાનોની ઇબાદતો ખૂબજ અનુકરણીય હોય છે. તેઓ અઝાન થતાં જ ઠઠ્ઠા મશ્કરી અને વાતોના ગપાટાની મહેફીલમાંથી ઝટ ઊભા થઈ જાય છે. વઝૂ બનાવે છે અને પહેલી સફમાં તકબીરે તહરીમા સાથે નમાઝ અદા કરે છે. તેઓ નફલી રોઝાના પણ પાબંદ હોય છે. નબી સલ્લ.એ બતાવેલી ખાસ ખાસ પ્રસંગો પર પઢવાની દુઆઓ તેમના મુખેથી સાંભળવા મળે છે. આંખોમાં પ્રવર્તતી રૃહાની ઉન્નતિની ખુલ્લી કિબાત હોય છે. આવા નમૂનાઓ દેખીને , સુસંગઠન અને કાર્યાન્વિત કારવામાં જોડાઈ જનાર પોતાની જિંદગીને કામિયાબ બનાવે છે. આ તન્ઝીમી કારવાના અમુક સાથીઓ મારધાડ અને સ્વાર્થમાં લથ-બથ આ રણ મેદાનમાં પોતાની સદ્ભાવનાના લીધે એક છાયાદાર વૃક્ષ સમાન ભાસે છે. તેમને દેખીને અન્યોને પણ શોખ પેદા થાય છે કે જિંદગી એવી રીતે જીવવી જોઈએ કે ‘ઉખ્રિરજત લિન્નાસ’ (લોકો માટે ઉઠાવવામાં આવ્યા છે)ની ઉક્તિ સાર્થક બની જાય. લોભ, લાલચ, કંજુસાઈ અને પૈસાના મોહના આ દોરમાં અલ્લાહના માર્ગમાં ખર્ચ અને બલિદાનની ભાવનાથી ઝળહળિત નમૂના આ પ્યારી તંજીમી કારવામાં નજરે પડે છે. જેના લીધે બીજા યુવાનો જે આ તંઝીમમાં જોડાય છે. તેમને પ્રેરણા મળે છે અને તે પણ પોતાના વ્યક્તિત્વને મનેચ્છાઓની ગંદકીથી બચાલી લે છે. આ પ્રકારના અસંખ્ય વ્યક્તિઓ અનુપમ વ્યક્તિત્વના માલિક હોય છે. જે અન્ય વ્યક્તિઓની આત્મશુદ્ધિના નિમિત્ત બને છે. તેમની પોતાની આત્મશુદ્ધિ પણ તેમના પુરોગામી આદર્શ વ્યક્તિઓના અનુકરણથી જ થઈ હતી. આ સંદર્ભે એક મનોવૈજ્ઞાનિકના એક અનુભવનું વર્ણન લાભપ્રદ રહેશે. (ક્રમશઃ)

(અનુવાદઃ વલીભાઇ મેમણ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments