Saturday, July 20, 2024

વ્યક્તિનો વિકાસ

આત્મશુદ્ધિનો બીજો અર્થ વ્યક્તિનો વિકાસ છે. અગાઉની ચર્ચામાં આ વાત દલીલો સહિત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે જ્યારે માનવી આત્મશુદ્ધિના માર્ગ ઉપર ચાલવાનું શરૃ કરશે તો તેના વ્યક્તિત્વની કાયાપલટ થઈ જશે. અર્થાત્ પર્સનાલિટી રિફોર્મેશન થઈ જશે. પર્સનાલિટી રિફોર્મેશનનો અર્થ વ્યક્તિને નવા બીંબામાં ઢાળવું છે. વ્યક્તિના મૂળભૂત સ્વભાવમાં જાદુઈ પરિવર્તન લાવવું શક્ય નથી, પરંતુ આ સ્વભાવને એક નવા બીબામાં ઢાળી શકાય છે. ‘માઇકલ એન્જેલો’ એક મહાન ચિત્રકાર અને શિલ્પકાર થઈ ગયો છે. તેણે દાઉદ (David)ની મૂર્તિ બનાવી હતી. આ મૂર્તિને બનાવતા પહેલાં સંગેમરમરની પસંદગીમાં તેણે ખાસ્સો લાંબો સમય પસાર કર્યો. કારણ કે તે જાણતો હતો કે કાચા માલની ગુણવત્તા ઉપર તૈયાર થયેલ વસ્તુની સુંદરતાનો આધાર રહેલો છે. તે આ પણ સારી રીતે જાણતો હતો કે પથ્થરને કંડારીને તેને નવંુ રૃપ આપી શકાય છે, પરંતુ તેના મૂળભૂત તત્વોને બદલી શકાતા નથી. એવી જ રીતે મનુષ્ય પણ ખાણની માફક છે. દરેક ખાણનો પથ્થર પોતાના મૂળભૂત તત્વો, રંગ, કઠણતા, ડિઝાઈનમાં બીજાથી જુદો હોય છે. આપણામાં પણ કોઈ ગ્રેનાઈટ હોય છે, કોઈ સંગેમરમર હોય છે, તો કોઈ સેન્ડસ્ટોન હોય છે. આપણું વ્યક્તિત્વ એ પથ્થરો સમાન છે. એ પથ્થરોના મૂળભૂત તત્વોને બદલી નથી શકાતા. પરંતુ કાપ-કૂપ,ઘડાઈ-ઘસાઈ અને પોલીસ દ્વારા સુંદર અને સ્વચ્છતા અને ચળકાટ પેદા કરી શકાય છે. પથ્થરોમાં જેવી રીતે રેખાઓ તેમની શોભા છે તો તેમાં તિરાડ તેની નબળાઈ છે. એ જ પ્રમાણે આપણામાં પણ નકારાત્મક સ્વભાવ અને નબળાઈઓ હોય છે. આત્મશુદ્ધિમાં તેનો ખ્યાલ રાખવો જરૂરી હોય છે. આ અલ્લાહની નિશાનીઓ પેકી છે. જેમકે કુઆર્નમાં છે, “શું તમે જોતાં નથી કે અલ્લાહ આકાશમાંથી પાણી વરસાવે છે અને પછી તેના વડે અમે જાત-જાતના ફળો કાઢી લાવીએ છીએ જેમના રંગો જુદા-જુદા હોય છે. પર્વતોમાં પણ સફેદ, લાલ અને કાળી ભમ્મર ધારીઓ જોવા મળે છે જેમના રંગ વિભિન્ન હોય છે, અને આવી જ રીતે મનુષ્યો અને પ્રાણીઓ અને ઢોરોના રંગ પણ જુદા-જુદા છે. સત્ય એ છે કે અલ્લાહના બંદાઓમાંથી માત્ર જ્ઞાન ધરાવનારા લોકો જ તેનાથી ડરે છે, નિઃશંક અલ્લાહ પ્રભુત્વશાળી અને ક્ષમાશીલ છે.”

પર્સનાલિટી રિફોર્મેશનમાં વ્યક્તિના સ્વભાવના અમુક બુનિયાદી ભાગો એક આવરણમાં અણગમતા લાગે છે, તો એ જ સ્વભાવ બીજા આવરણમાં પ્રસંશિત બની જાય છે. દૃષ્ટાંતરૃપે એક આવરણ જીદ છે. તે જ વસ્તુ બીજા આવરણમાં ઢળીને દૃઢ સંકલ્પ બની જાય છે. ગુસ્સો એક વખોડવાપાત્ર સ્વભાવ છે. પરંતુ તેનો સત્ય માટે ઉપયોગ કરવામાં આવે તો તે શુરવીરતા બની જાય છે. દુરાચાર માટે ચાલબાજી અને પ્રપંચથી કામ લેવામાં આવે છે. એ જ રીતે માનવતાની ભલાઈ અને સત્ય માટે અલ્લાહના ડર સાથે ઉપયોગ કરવામાં આવે તો યુક્તિ અને હિકમત તે ગુણોમાં બદલાઈ જાય છે.

હઝરત ઉમર (રદી.)ના જીવન ચરિત્રનો અભ્યાસ દર્શાવે છે કે તે અજ્ઞાનતાના કાળમાં નિર્દયી, કડક મિઝાજ અને રૃઆબદાર સ્વભાવના માલિક હતા. જ્યારે તેમના વ્યક્તિત્વની કાયાપલટ થઈ તો તે વિનમ્ર, સીધા-સાધા અને બિન આપત્તિનજનક નહોતા બની ગયા. બલ્કે સત્ય માટે એક કસોટીના પથ્થર સમાન અણનમ અને પ્રભાવશાળી વ્યક્તિ બની ગયા. આત્મશુદ્ધિની અસર આ જ છે કે વ્યક્તિ પોતાની સફરની શરૃઆત કરે છે અને પોતાની બુનિયાદ ઉપર જે સર્વશ્રેષ્ઠ રચના છે તેનો વિકાસ શરૃ થઈ જાય છે. અને જ્યારે તે શ્રેષ્ઠતા અને બુલંદીના શિખરે પહોંચી જાય છે ત્યારે તે આત્મશુદ્ધિની અંતિમ મંઝિલ પર પહોંચી જાય છે.

પર્સનાલિટી ડેવલપમેન્ટ :

વ્યક્તિનો વિકાસ એક કુદરતી પ્રક્રિયા છે. જો કે તેના નિકટનો એક શબ્દ છેઃ “વ્ય્કતિત્વ ઘડતર એક ટ્રેનીંગ”. વ્યક્તિનો વિકાસ Organic Growth છે. જેવી રીતે એક વૃક્ષ તેના બીજમાં છુપાયેલી ગુપ્ત યોગ્યતાઓનુ પ્રગટિકરણ હોય છે. જ્યારે વ્યક્તિત્વનું ઘડતર એક ‘Inorganic’ પ્રક્રિયા છે. જેવી રીતે ઈંટ-ઈંટ જોડીને દિવાલ ઉભી કરવામાં આવે છે. વ્યક્તિના વિકાસમાં આદમી અંદરથી બદલાઈ જાય છે. જ્યારે વ્યક્તિત્વના ઘડતરમાં મોટા ભાગે થીગડા મારીને કામ ચલાવવામાં આવે છે જેમાં વ્યક્તિ અંદરથી નથી બદલાઈ શકતો. આમ બધી રીતે અહીં વ્યક્તિની ઉન્નતિ અને વ્યક્તિત્વનું ઘડતર બંનેનો એક સાથે ઉપયોગ થશે.

જેવી રીતે સૂર્યની અનુભૂતિ કિરણો વગર શક્ય નથી, એવી જ રીતે કોઈ વ્યક્તિનું અસ્તિત્વ વ્યક્તિત્વ વગર શક્ય નથી. વ્યક્તિત્વનું અસ્તિત્વ હોવું એ જુદી વાત છે અને વ્યક્તિત્વનું પ્રગટિકરણ જુદી વાત છે. દુનિયામાં જન્મ થનાર દરેક વ્યક્તિ બિલકુલ નવિન અને અદ્વિતિય હોય છે. આ પ્રકારના વ્યક્તિનું અસ્તિત્વ આ પહેલાં ન હતું. જેવી રીતે બે ચહેરા એક સમાન નથી હોતા, જેવી રીતે બે આંગળીઓની છાપ એક સરખી નથી હોતી, તેવી જ રીતે બે વ્યક્તિત્વ પણ એક સમાન નથી હોતા. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ પોતાની યોગ્યતાઓમાં જુદા-જુદા પ્રકારનું હોય છે. કોઈ વ્યક્તિને બદલવા માટે કોઈ જાદુઈ ફોર્મ્યુલા અસરકારક નથી હોતી. પરંતુ કોઈ વ્યક્તિ પોતાની જાત પ્રત્યે વ્યક્તિગત રીતે જાગૃત થઈ જાય અને પ્રગતિ કરવા ઇચ્છે તો તેના માટે દુનિયામાં વિશાળ અવકાશ રહેલો છે.

વ્યક્તિના ચરિત્રની અભિવ્યક્તિ :

દરેક વ્યક્તિ સભાનપણે અથવા અજ્ઞાતપણે પોતાના વ્યક્તિત્વની અભિવ્યક્તિ જીવનના દરેક વળાંક પર કરતો રહે છેઃ-

દુનિયાથી પરિચિત, સામાજીક સમજ, પરિસ્થિતિનો તાગ, મેળવવાની સમજ, નવુ જાણવાની જિજ્ઞાસા અને ગ્રહણશક્તિ આપણા વ્યક્તિત્વની બોલતી તસવીર છે. આપણી બોદ્ધિક વિશેષતાઓ, આપણી વૈચારિક શક્તિ એ નિશ્ચિતપણે આપણા વ્યક્તિત્વનું એક માપદંડ છે.

યાદશક્તિ એ માનવીની સમજદારી અને વર્તનને ઓળખવા માટેની બુનિયાદી વ્યક્તિત્વ વ્યવહારની ધારક છે. યાદશક્તિ વગર માનવીનું અસ્તિત્વ જ શક્ય નથી. પરિસ્થિતિની જાણકારી માટેની ખોજ અને સફળતાની પ્રાપ્તિ યાદશક્તિ પ્રમાણે દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે.

રંગોની પસંદગી, વસ્ત્રોની રુચિ, આહારનો સ્વાદ પણ વ્યક્તિની ઓળખ પ્રદર્શિત કરે છે.

સ્વમાન એ એહસાસનું નામ છે જે એક વ્યક્તિ પોતાની જાત માટે ધરાવે છે. સ્વમાનની અસર માનવીની કાર્યશક્તિ, ધંધા-રોજગારના માધ્યમ, પરસ્પર સંબંધો, પારસ્પરિક વ્યવહાર, તથા જુદી જુદી પરિસ્થિતિમાં આપણા વલણ ઉપર પડે છે. સ્વમાન એ વ્યક્તિત્વનું મોટું અને અગત્યનું અભિવાજ્ય અંગ છે.

જીવનના સમયગાળા દરમિયાન એક વ્યક્તિ પુષ્કળ પ્રમાણમાં કાર્યો કરે છે. જેના માટે તેને આયોજન કરવું પડે છે. સમય અને કાર્યોની વ્યવસ્થિત ગોઠવણી કરવાની હોય છે. જેટલા પ્રમાણમાં આપણે આયોજન અને કાર્યો પૂર્ણ કરવામાં પરિપક્વતાનો દાખલો પુરો પાડીશું તો તે પણ આપણા વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે.

આપણું મગજ એક શ્રેષ્ઠ કોમ્પ્યુટર છે. જે ડેટાનો સ્વિકાર કરે છે, પ્રોસેસ કરે છે, જ્યારે તેની ક્રમબદ્ધ અને વ્યવસ્થિત ગોઠવણી થઈ જાય છે, તો તે જાણકારી બની જાય છે. અને જાણકારીને વાસ્તવિક્તાની કસોટી પર પારખવામાં આવે તો તે જ્ઞાન બની જાય છે. જ્ઞાનની વિશાળતા, ઊંડાણ અને નવિનતા પણ માણસના વ્યક્તિત્વનો અરીસો હોય છે.

એક સાધારણ માનવી પણ વર્તનના આધારે વ્યક્તિત્વને ઓળખી લે છે. સારા અને નરસાના તફાવતથી વ્યક્તિને પણ સારો માણસ કે ખરાબ માણસના નામથી ઓળખવામાં આવે છે.

દરેક કાર્યનો પાયો તે શ્રદ્ધા ઉપર હોય છે જેનો મનુષ્ય ધારક હોય છે. શ્રદ્ધા આધ્યાત્મિક હકિકત વિષે હોય છે. જિંદગી અને તેના ધ્યેય સંબંધે દુનિયામાં માનવીના અસ્તિત્વ અને બ્રહ્માંડમાં તેના સ્થાન સંબંધે દરેક વ્યક્તિની એક ધારણા હોય છે. શ્રદ્ધા અને ધારણા તેની વાણી અને વર્તન દ્વારા વ્યક્ત થાય છે. માટે વ્યક્તિની માનસિકતા તેના વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ છે.

દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્થિતિમાં એક માર્ગદર્શક છે. જેમાં તે પોતાના ક્ષેત્રનું માર્ગદર્શન કરતો હોય છે. તે ક્ષેત્ર સમાજનું બુનિયાદી એકમ અર્થાત્ ઘરથી લઈને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી છે. આ સંસ્થાઓની લીડરશીપની લાયકાત માણસ જન્મે છે ત્યારે પોતાની અંદર સાથે લઈને જ આવે છે. લીડરશીપ માર્ગદર્શકની લાયકાતનું બીજુ નામ છે. લીડર માર્ગદર્શનના કાર્યમાં સમાન ધ્યેય તરફ હેતુની પ્રાપ્તિ માટે પોતાના હાથ નીચેના સાથીઓની લાયકાતોને ઉપયોગમાં લાવે છે. ટૂંકમાં આપણે લીડરશીપની લાયકાતનો સંબંધિતોની સુધારણા માટે ઉપયોગ કરીને પોતાના વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરીએ છીએ.

આપણી જાત વિશે આપણી પોતાની એક લાગણી હોય છે. આપણી લાયકાતો, ગુણો, શક્તિ અને આત્મવિશ્વાસનો એક અહેસાસ હોય છે. જેને આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. વ્યક્તિત્વની ઓળખ માટેનું આ એક મહત્વનું પાસુ છે.

પત્ર-લેખન અને વાણી એક એવું માધ્યમ છે. જેના દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. જ્યાં સુધી કોઈવ્યક્તિ બોલે નહીં, તેના વિષે ચોક્કસ અભિપ્રાય સ્થાપિત કરવો મુશ્કેલ હોય છે. જ્યારે માણસ વાત કરે છે, ત્યારે તે પોતાનું વજન તે પોતે જ જાહેર કરે છે. આ દ્રષ્ટિબિંદુથી એક સર્વે થયો હતો જેમાં એક સામાન્ય અમેરિકનથી આ વાતનો અંદાઝ લગાવવામાં આવ્યો કે તે ઘણી બાબતોનો ડર સેવે છે. (દા.ત. નોકરી છૂટી જવાનો, કોઈ દુર્ઘટનાનો શિકાર બની જવાનો, દુશ્મનોના હુમલાનો ભય વગેરે.) આશ્ચર્યજનક રીતે આ રહસ્ય છતું થયું કે મેદની સામે ઉભા રહીને ભાષણ કરવાના ભયને અનુક્રમે બીજુ સ્થાન પ્રાપ્ત થયું. દસ-પંદર સાથીઓના મશ્વરા કે મસ્જિદ કમિટિ કે ફ્લેટ્સના માલીકોની સોસાયટી સમક્ષ ઊભા થઈને પ્રવચન કરવાથી લઈને લાખોની મેદનીને સંબોધન કરવું એ વ્યક્તિત્વનો મહત્વનો માપદંડ છે.

પત્રના લખાણ અને સહીથી ખબર પડે છે કે પત્ર-લેખક કેવા સ્વભાવનો છે. મિલનસાર છે કે અતડા સ્વભાવનો, આશાવાદી છે કે નિરાશાવાદી, વિવેકી છે કે અવિવેકી, લીડરશીપની લાયકાત ધરાવે છે કે નહીં, ઉદાર દિલનો છે કે કંજુસ, અક્ષરોની સાઈઝ, લખાણની લાઈન વગેરે તેના વ્યક્તિત્વને વ્યક્ત કરે છે.

ઉપરોક્ત મુદ્દાઓના વિવરણથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિની કદર અને કિંમતનો અંદાઝ લગાવવા માટે ઘણા બધા પાસા એવા સામે આવે છે કે ઘણી વખતે આપણને અહેસાસ પણ નથી હોતો કે આપણે આપણા વ્યક્તિત્વનો પરિચય આપી રહ્યા હોઈએ છીએં.

પર્સનાલિટિ ડેવલપમેન્ટના પ્રશિક્ષણથી અમુક વખતે ચાલવામાં, બોલવામાં, હસવામાં માનવી સભાનતાપૂર્વક વર્તે છે. કારણકે તેનું વ્યક્તિત્વ સારૃ અને પ્રભાવશાળી લાગે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેની નબળઆઈ આપોઆપ પરખાઈ જાય છે. પરંતુ આત્યશુદ્ધિ માટે કુઆર્ન અને મુહમ્મદ (સ.અ.વ.)ના તરીકા પર જે લોકો આચરણ કરે છે, તેમને કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો કરવાની કંઇ જ જરૂરત પડતી નથી. તેઓ બાહ્ય સ્વરૃપ કરતાં આંતરિક સ્વરૃપ ઉપર વધારે ધ્યાન આપે છે. તેમનું અંતરમનનું સ્વરૃપ જ્યારે બિલ્કુલ શુદ્ધ, પવિત્ર થઈ જાય છે તો બાહ્ય સ્વરૃપમાં સ્વમાન, આત્મવિશ્વાસ, શિષ્ટતા, આશાવાદ લીડરશીપની લાયકાત, પવિત્રતા અને સ્વચ્છતા પ્રત્યે અભિરૃચિ, પરિપકવતા, સૂઝબૂઝ માનસિક સંતુલન અને સદ્ભાવનાઓનું પ્રગટિકરણ આપોઆપ થવા લાગે છે. આ પ્રકારના સુંદર અને સારૃ દેખાડવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આનું કારણ એ છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં માણસ દુનિયાના માર્કેટમાં મૂલ્ય વધારવા માટે પ્રયત્નો કરે છે. જ્યારે આત્મશુદ્ધિમાં વ્યક્તિ પોતાની આંતરિક ઉન્નતિ કરે છે, તે પોતાની સ્વતંત્રતા અને મનેચ્છાઓને શરીઅતના તાબે બનાવે છે. સંયમ દ્વારા સ્વભાવમાં વિનમ્રતા પેદા થઈ જાય છે. દરેક કાર્ય અલ્લાહની મરજી પ્રમાણે અને અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરે છે. તેની કોશિશ અને દુઆ આ પ્રમાણે હોય છે,

“હે અલ્લાહ! તુ મારા દિલને કપટથી અને મારા કાર્યને દંભથી અને મારી જીભને જૂઠથી અને મારી આંખોને ખરાબ નિયતથી પાક ફરમાવી દે. કારણ કે તુ આંખોની ખરાબ નિયતને જાણે છે. હે અલ્લાહ! તુ અંતઃકરણને મારા બાહ્ય કરતાં સુંદર બનાવી દે. અને મારા બાહ્યને પણ સુંદર બનાવ.”

વ્યક્તિત્વની વ્યાખ્યાની આવશ્યક્તા છે. તેની સર્વમાન્ય વ્યાખ્યા મોજૂદ નથી. વ્યક્તિત્વ કોને કહે છે તે માટે વિદ્વાનો વચ્ચેના અભિપ્રાયોમાં ઘણો તફાવત છે. આ એ જ પ્રમાણે છે કે છ આંધળાઓ ભેગા થઈને હાથીની વ્યાખ્યાનું વર્ણન કર્યું હતું. તો પણ થોડાક અભિપ્રાયોનું અહીં વર્ણન કરવામાં આવે છે. જેનાથી સામાન્ય વાંચકને પ્રારંભિક માહિતી પ્રાપ્ત થઈ જાય કે વ્યક્તિત્વ કોને કહે છેઃ

(૧) ડાર્વિન :

ડાર્વિનના મત પ્રમાણે વ્યક્તિત્વ એ સિવાય કંઇ નથી કે તે પૂર્વજોની અસરો અને વાતાવરણની અસરોનું વાહક છે. મનુષ્યોની અંદર એ જ છે જે તેના બાપ-દાદાઓ તરફથી વારસામાં તેને મળ્યું છે. અથવા વાતાવરણે તેનું ઘડતર કર્યું છે. આ દ્રષ્ટિકોણથી વ્યક્તિત્વને સમજીશું તો આપણે લાચાર માત્ર છીએ. આપણે સારા અથવા ખરાબ જે કંઇ છીએ, તેમાં આપણી કોઈ વિશિષ્ટતા કે દોષ નથી. આ ધારણા જોર-જુલમના માર્ગ તરફ લઈ જાય છે. જે મનુષ્યમાં નિરાશાવાદ પેદા કરે છે.

(૨) હૈગલ :

જર્મન ફિલોસોફર ડાર્વિનથી વિરૂદ્ધ વ્યક્તિત્વ વિશે એક જુદો જ મત ધરાવે છે. તેમનું કહેવું છે કે વ્યક્તિત્વ અમુક ગુણો સાથે જોડાયેલું છે. જેવું કે પ્રખ્યાત બનવાની મહેચ્છા. આ તે ઇચ્છાઓથી વિપરીત છે જે જન્મજાત ઇચ્છાઓ છે. દા.ત. રોટી, પાણી, કપડા, મકાન વગેરે. મનુષ્ય ખાસ કરીને આ વાતની તમન્ના ધરાવે છે કે તે એક મનુષ્ય તરીકે પ્રખ્યાત હોય, જેના કારણે તેના આદરમાન, કદર અને ઇજ્જતમાં વધારો થાય. તેની અંતિમ હદ એ હોય છે કે ઇજ્જત પ્રાપ્ત કરવા માટે તેને સંઘર્ષ પણ કરવો પડે છે. યુદ્ધો તેની જ અભિવ્યક્તિ છે. આ સંઘર્ષ પૂર્વજો કે વાતાવરણની અસરો કરતાં વધારે સ્વતંત્રતાનું પ્રગટિકરણ છે.

(૩) અફલાતૂન :

પુસ્તક ‘Republic’ માં અફલાતૂનના મત પ્રમાણે વ્યક્તિત્વના ત્રણ વિભાગનું વર્ણન છે. ઇચ્છા, બુદ્ધિ અને આત્મા. ઇચ્છા બહારથી વસ્તુઓ મેળવવા માટેની તડપ પેદા કરે છે. બુદ્ધિ તે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટેની સર્વોત્તમ રીત સમજાવે છે. પરંતુ આત્મા તે જ ઇચ્છિત વસ્તુની કદર અને મૂલ્ય સ્પષ્ટ કરે છે. એવી જ રીતે મનુષ્ય પોતાના વ્યક્તિત્વને લાયકાતના બીંબામાં ઢાળવા અને તેની સત્યતા કબુલ કરાવવાના પ્રયત્નો કરે છે. અહીંથી જ માણસની અંદર સ્વમાન પેદા થાય છે.

(૪) મોલાના ફારૃકખાન સાહબી :

મોલાનાના મંતવ્ય પ્રમાણે વ્યક્તિત્વ એ માનવીના વિચારો, લાગણીઓ અને આચરણનો સામૂહિક રીતે અરીસો છે. આ પાસાથી કુઆર્નની આ આયત ઉપર નિરીક્ષણ કરો. “આ સૂઝ-બૂઝ અને બુદ્ધિમત્તાની રોશનીઓ છે તમામ લોકો માટે અને માર્ગદર્શન અને દયા તે લોકો માટે જેઓ વિશ્વાસ કરે.” (૪૫ઃ૨૦)

માલૂમ થયું કે કુઆર્ન આપણા વ્યક્તિત્વના વિકાસ માટે ખોરાક અને પાણીની ગરજ સારે છે. કુઆર્ન Food for Thought (ચિંતન-મનન), Food for Sentiment (કૃપા-દયા), Food for Action (પ્રેરણા-માર્ગદર્શન) છે.

(૫) બાલા સુબ્રહ્મણયમ :

ઘણા વર્ષોથી કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મારા મંતવ્ય પ્રમાણે વ્યક્તિત્વની વ્યાખ્યા સ્પષ્ટ અને સાફ છે. જો મને કહેવામાં આવે કે વ્યક્તિત્વની વ્યાખ્યા એક શબ્દમાં જણાવું તો હું કોઈ પણ જાતના ખચકાટ વગર કહીશ કે કાર્યશૈલી એ વ્યક્તિત્વ છે. વાસ્તવિકતા એ છે કે વિશ્વભરમાં જે શોધખોળો થઈ રહી છે. મુખ્યત્વે-અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં, તે સાબિત કરે છે કે વ્યક્તિત્વનો સાર તે અભિવ્યક્તિ છે જે એક વ્યક્તિની કાર્યશૈલીથી જાહેર થાય છે. (N Bala Subrahmanian, “Personality assessment” India Journal of Applied Psychology, Madras 1998 Vol:35)

(૬) ઑલપોર્ટ :

વ્યક્તિત્વ કોઈ વ્યક્તિના અંતઃકરણમાં સ્થિત ઇચ્છાતંત્રની અંદર તે ગતિશિલતા છે, જેના માધ્યમથી વ્યક્તિ પોતાની આગવી પ્રતિભા સાથે સંસારમાં અવકાશ શોધી લે છે. જોકે સ્પષ્ટતા ગૂંચવણભરી છે, પરંતુ વાત ગહન છે. માણસ એક એવા વાતાવરણમાં વસે છે જેનાથી તે અલિપ્ત રહી શકતો નથી. જો આ દુનિયા સાથે સંપર્કમાં રહેવું હોય તો દરેક પળે પોતાના સિદ્ધાંતો ઉપર કાયમ રહીને પોતાના સ્થાન માટે જગ્યા શોધવી પડે. ડહાપણપૂર્વક સિદ્ધાંતો ઉપર કાયમ રહીને સ્થાન મેળવે છે તો એ પણ વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે. સ્વાર્થ પરાયણતા, જૂઠ, છેતરપિંડી અને બળથી રસ્તો કાઢે છે તો એ પણ વ્યક્તિત્વની બીજી અભિવ્યક્તિ છે. દરેક પરિસ્થિતિમાં ગતિમય સંકલ્પ શક્તિનું નામ વ્યક્તિત્વ છે.

(૭) વોટ્સન :

વ્યક્તિત્વ તે વ્યવસ્થા તંત્ર છે જેના દ્વારા વ્યક્તિના સ્વભાવની પ્રાકૃતિક વ્યવસ્થા કેટલાક ગુણોના માધ્યમથી પ્રગટ થાય છે. અર્થાત્ વ્યક્તિત્વ કેટલાક ગુણોનું નામ છે. માણસ પોતાના વ્યક્તિત્વને એ ગુણોના હવાલાથી પ્રદર્શિત કરે છે.

આ અમુક વ્યાખ્યાઓ છે જે સાબિત કરે છે કે વ્યક્તિત્વની કોઈ ચોક્કસ વ્યાખ્યા શકય પણ નથી. દુનિયામાં અવતરિત દરેક વ્યક્તિ પોતાની સાથે એક વ્યક્તિત્વ લઈને આવે છે, જેનો ઘણા લોકોને એહસાસ નથી હોતો. વિચારો, લાગણીઓ, વર્તન, ઇચ્છાઓ, બુદ્ધિ, આત્મા, લાયકાતો એ બધુ મળીને આદમીના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને આ કાર્ય સતત ચાલ્યા કરે છે. આ પ્રમાણે વ્યક્તિત્વનું ઘડતર એક ગતિશીલ કાર્ય છે. આ ગતિ અને સફર-નિપૂણતા, શ્રેષ્ઠતા અને કલ્યાણ તરફ હોય છે. વ્યક્તિનો આ વિકાસ કુઆર્નની પરિભાષામાં તઝકિયાએ નફસ (આત્મશુદ્ધિ) કહેવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments