Saturday, February 24, 2024
Homeલાઇટ હાઉસશૈખુલ હિંદ, મૌલાના મહમૂદુલહસન (રહ.)

શૈખુલ હિંદ, મૌલાના મહમૂદુલહસન (રહ.)

મહાનતાના ઉંબરે, મહાપુરુષોના પગલે

ઇસ્લામ ફકત ઇબાદતનું જ નામ નથી, પરંતુ તે તમામ ધાર્મિક, સાંસ્કૃતિક, આચાર-વિચાર અને રાજકીય જાગૃતિ સંબંધિત એક સંપૂર્ણ અને પરિપૂર્ણ જીવન-પદ્ધતિ ધરાવે છે. જે લોકો વર્તમાન સમયની વિટંબણાઓમાં ભાગ લેવાથી અલિપ્ત રહે છે, અને ફકત ઘરના ખૂણામાં બેસી રહેવાને ઇસ્લામી ફરજોની અદાયગી માટે પૂરતું સમજે છે, તો તેઓ ઇસ્લામના પવિત્ર પાલવ પર એક કાળો ડાધ લગાવે છે. તેમની ફરજોમાં ફકત નમાઝ, રોઝા સુધી જ સિમિત નથી, પરંતુ તેની સાથે જ ઇસ્લામની આબરૃને અખંડિત રાખવી અને ઇસ્લામી શાનનું રક્ષણ કરવાની જવાબદારી પણ તેમના શીરે આવે છે. (મહમૂદુલ્હસન રહ.)

હક વ ઇન્સાફ કી બેખૌફ હિમાયત કી હૈ,
યે બગાવત હૈ તૌ હાં હમને બગાવત કી હૈ

જન્મ અને બાળપણ

મહમૂદુલહસન ઇ.સ. ૧૮૫૨માં બરેલીમાં પેદા થયા. આપનું ખાનદાન એક શિક્ષિત ખાનદાન હતું. આપના પિતા બરેલી કોલેજમાં પ્રોફેસર હતા. પાછળથી પ્રગતિ કરીને મદ્રસાઓના ડેપ્યુટી ઇન્સપેકટર બની ગયા.
સાતમા વર્ષે તે આપના પિતાજીની બદલીના કારણે મેરઠ આવી ગયા. મેરઠથી જ ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવની શરૃઆત થઈ હતી. આ વિપ્લવ તેની નિષ્ફળતા અને તેની દુરોગામી અસરો બાળપણથી જ મહમૂદુલહસનના માનસ પટ પર અંકિત થઈ ગઈ હતી. જ્યારે આપની ઉંમર ૧૫ વર્ષની થઈ, તો મૌલાના કાસિમ નાનોત્વી (રહ) અને સહાધ્યાયી મિત્રોની ચળવળથી દારૃલ ઉલુમ દેવબંદ મદ્રસાની બુનિયાદ નાખવામાં આવી મહમૂદુલહસન આ મદ્રસાના પ્રથમ વિદ્યાર્થી હતા. દારૃલ ઉલૂમમાં ત્રણ વર્ષ સુધી તાલીમ પ્રાપ્ત કરીને સિહાહ સત્તાહના દર્સ માટે આપ મૌલાના કાસિમ નાનોત્વીના સાનિધ્યમાં મેરઠ આવી ગયા. પ્રવાસમાં અને ઘરમાં દરેક સમયે આપ મૌલાનાની સાથે જ રહેતા. મૌલાના કાસિમ નાનોત્વી દેવબંદ કે નાનોતા જ્યાં જતા ત્યાં મહમૂદુલહસન પણ તેમની સાથે જ હતા. ત્યાં સુધી કે જ્યારે મૌલાના નાનોત્વી દિલ્હી સ્થળાંતરિત થયા, તો આપ પણ તેમની સાથે દિલ્હી આવી ગયા. આ રીતે ૧૮૭૨માં તાલીમથી સંપન્ન થયા. આપે શરીઅતના ઇલ્મ ઉપરાંત જોમેટ્રી, મેથેમેટિક્સ અને ફિલોસોફીનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. નવરાશના દિવસોમાં પણ સમય વ્યર્થ બરબાદ કરવાના બદલે આપના પિતા પાસે અરબી ભાષાનું જ્ઞાાન પ્રાપ્ત કરતા અને શિકારનો હિંમત અને બહાદૂરી ભર્યો શોખ પૂરો કરતા. અભ્યાસના અંતિમ બે વર્ષ દરમ્યાન ખાલી સમયમાં આપે દર્સ અને તદરીસ (અધ્યયન)નો ક્રમ પણ ચાલુ કરી દીધો. આપની બુદ્ધિ પ્રતિભા અને ઇલ્મી વિશેષતાને કારણે મોટી મોટી કક્ષાઓ (શ્રેણીઓ)ના વિદ્યાર્થીઓ અઘરીમાં અઘરી કિતાબોના દર્સ માટે અને મૂંઝવણભર્યા પ્રશ્નોના હલ માટે આપની પાસે આવતા હતા. આપ ખંત અને મહેનતથી તેમને શીખવાડતા હતા. આ માનદ રીતે શિક્ષણ આપવામાં તે બહુ આનંદ પામતા હતા. કાયદેસર પગારથી ભણાવવું તેમની તબિયતને જરાય અનુકૂળ નહોતું લાગતુંુ. કદાચ આ જ કારણસર શરૃ શરૃમાં જ્યારે દારૃલ ઉલૂમ તરફથી અધ્યાપક માટે પ્રસ્તાવ આવ્યો તો આપે તેનો અસ્વિકાર કરી દીધો. પરંતુ પાછળથી વ્યવસ્થાપક મંડળના વધતા જતા વારંવારના આગ્રહ અને પિતાજીના કહેવાથી દારૃલ ઉલૂમમાં કાયદેસર અધ્યાપક બની ગયા.

ઇલ્મના મેદાનનો નિપૂણ ઘોડેસવાર

કાયદેસર અધ્યાપક બનીને આપે ગતિશીલતાપૂર્વક અને રુચિપૂર્વક દર્સ આપવાનું શરૃ કર્યું. શરૃઆતના એક-બે વર્ષ તેમને પ્રાથમિક પુસ્તકો ભણાવવા પડયા. પરંતુ પછી એમની વિશેષતાઓ જોઈને તેમને ઉચ્ચ શ્રેણીઓમાં અઘરા વિષયો શીખવાડવાનું કાર્ય સોંપવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ કેટલાક વર્ષો તો એવા પણ પસાર થયા કે જેમાં આપે સોળથી ઓગણીસ કિતાબોની તાલીમ આપી. મદ્રસાના સમય દરમ્યાન એક મિનિટની પણ ફુરસદ નહોતી મળતી. દર્સની તૈયારી, તેની પ્રાથમિક રજૂઆત, વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો, મુશ્કેલ સ્થાનોના હલ વગેરે બહુ જ પરિશ્રમ અને રુચિપૂર્વક કરતા હતા. આ સમયમાં આપે અરબી ભાષાની એક કલાત્મક કિતાબનો ઉર્દૂ અનુવાદ પણ કર્યાે. માર્ચ ૧૮૭૭માં મૌલાના કાસિમ નાનોત્વી રહ.ની સાથે પ્રથમ હજ્જ અદા કર્યો. અહીં તેમણે મૌલાના કાસિમ નાનોત્વીના ઉસ્તાદ શાહ અબ્દુલગની મુજદ્દેદીથી પણ પ્રમાણપત્ર મેળવ્યું. પરત ફરતી વખતે મૌલાના નાનોત્વીના મદદનીશ તરીકે ‘મેલા ખુદા શનાસી’ના શાસ્ત્રાર્થ (મુનાજરા)માં ભાગ લીધો. આ જ પ્રમાણે મૌલાના કાસિમ નાનોત્વીની આજ્ઞાાથી આપ રૃળકી આવી ગયા. જ્યાં આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસવતીએ એક કોલાહલ ઊભો કરી દીધો હતો. આપે બીજા ત્રણ સાથીઓને સાથે લઈ રૃળકી દરેકના મહોલ્લા-મહોલ્લામાં ગયા. તકરીરો કરી દયાનંદ સરસ્વતીને વાદ-વિવાદ માટે પડકાર ફેંકાયા. તેમની પોકળ દલીલોના નક્કર જવાબો આવ્યા. પરંતુ સરસ્વતી મુનાજરામાં તો શું આવતા, લશ્કરી છાવણીથી બહાર આવવાની પણ હિંમત ન કરી શકયા.

ઇ.સ. ૧૮૮૦માં મૌલાના નાનોત્વી જેવા માયાળુ વડીલના અવસાનનો આપના ઉપર બહુ મોટો આઘાત પહોંચ્યો. તેના પછી તાલીમ અને તદરીસ એ જ આપનું ઓઢણું અને પાથરણું બની ગયું. દર્સની અધિકતા તો પ્રથમથી હતી જ. હવે થોડો વધુ સમય પુસ્તક લેખનના કામોમાં પણ કાઢવા લાગ્યા. તર્જુમાએ કુઆર્ન, અલ અબવાબ વ તરાજિમુલ બુખારી, અદ્લાએ કામિલાઃ અહસનુલ ફુરા, જહદેમુકલ, ઇઝાહુલ અદ્લાહ અને તસ્હીહુલ અબૂદાઉદ, એમની કેટલીક કિતાબોનું સંપાદન એ તેમનું યોગદાન છે. હવે મદ્રસાના સમયની પાબંદી જળવાતી નહોતી. ફજરની નમાઝ પહેલાં જે દર્સ શરૃ થતો તે દિવસભર ચાલતો રહેતો. મુશ્કેલીથી બપોરનો થોડો સમય કાઢીને ઘેર જતા. આટલો બધો પરિશ્રમ ઉઠાવવા છતાં તહજ્જુદ, શબબેદારી, ઇશ્રાક, વિર્દ-વજાઈફ વગેરેના હંમેશા પાબંદ રહ્યા. પગાર લેવા માટે હંમેશા અરૃચિ દાખવતા, તેમને પગારથી પઢાવવું ના પસંદ હતું પરંતુ બુઝુર્ગોના આગ્રહના લીધે લેતા રહ્યા. પાછળથી પગારનો ત્રીજો ભાગ દારૃલ ઉલૂમમાં ચંદામાં આપવા લાગ્યા. થોડાક દિવસો પછી પગાર લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. ૧૮૯૦માં મૌલાના મહમૂદુલહસનને દારૃલ ઉલૂમના સદર મુદર્રિસ તરીકે નીમવામાં આવ્યા. આપનું શૈખુલ હદીસ અને સદર મુદર્રીસ બન્યા પછી દારૃલ ઉલુમે ખુબ જ ઉન્નતિ કરી. વિદ્યાર્થીઓની સંખ્યામાં રોજ બરોજ વૃદ્ધિ થવા લાગી. આપ ફજરની નમાઝથી લઈ અસર સુધી પઢાવતા. દરેક જાતની ઇલ્મ અને હુન્નરની કિતાબો પઢાવતા પરંતુ અંતમાં ‘સિહાહ સિત્તાહ’ની જવાબદારી લીધી હતી. મૌલાના મહમૂદુલહસનના દર્સની રીત કોઈ ચિલાચાલુ લેકચર પ્રકારની ન હોતી પરંતુ દલીલો અને ચર્ચાઓના અંદાજવાળી હતી જેના કારણે વિદ્યાર્થીઓની યોગ્યતાઓ ખૂબ વિકાસ પામતી હતી.

મિલ્લતનું દર્દ

તદરીસના મસનદ પર રહીને ફાયદો પહોંચાડવા છતાં કોમ અને મિલ્લતની હાલતથી નતો અજાણ હતા કે ન બેપરવાહ. દારૃલ ઉલૂમ દેવબંદ એ સમયે હિન્દુસ્તાનની મુસ્લિમ મિલ્લતમાં વ્યાપેલી હતાશામાં આશાનું એક કિરણ હતું. આ દારૃલ ઉલૂમ દેવબંદને કેન્દ્ર બનાવીને મૌલાના મહમૂદુલહસને મિલ્લતને જાગૃત કરવા અને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરવાની યોજના બનાવી. આ તે સમયની વાત છે જ્યારે કોંગ્રેસ આઝાદીના નામથી પણ અપરિચિત હતી. દારૃલઉલૂમને સદ્ધર બનાવવા માટે અને તેના સ્નાતકોમાં કેન્દ્રની મહત્તાનું ભાન પેદા કરવા માટે તેમણે ‘સમસ્તુલ તરબિયહ’ નામની એક સંસ્થાની સ્થાપના કરી અને દારૃલ ઉલૂમના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેના મેમ્બર્સ બનાવ્યા. આ જ પ્રમાણે તેમને મૂળ વિદ્યાર્થીઓને ભેગા કરીને સામાન્ય પ્રજા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે ‘અંજુમને જમિયતુલ અન્સાર’ની રચના કરી. આ બધું કરતી વખતે આપની ઉંમર ચોવીસ વર્ષથી વધારે ન હતી. ૧૯૯૦માં આપે અસંખ્ય ઉદાહરણીય જલ્સાઓ આયોજીત કર્યા. દારૃલઉલૂમની દસ્તારબંદીના જલ્સામાં ત્રીસ હજાર વ્યક્તિઓએ હાજરી આપી. ૧૯૧૧માં ‘જમિયતુલ અન્સાર’ના એક અઝીમુશ્શાન જલ્સાનું મુરાદાબાદમાં આયોજન કર્યું. ઇ.સ. ૧૯૧૩માં શિમલામાં અસંખ્ય જલ્સાઓ થયા. સાથે શિક્ષણ માટે નજીકના જિલ્લાઓમાં અસંખ્ય પ્રતિનિધિ મંડળો મોકલવાનું પણ શરૃ કર્યા. આ પ્રયત્નોથી સામાન પ્રજામાં દીનની રૃહ જાગૃત કરી દીધી. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી આ કાર્યક્રમો ચાલુ રહ્યા.

મૌલાના મહમુદુલ્હસન નાના-મોટા રચનાત્મક કાર્યોથી સંતોષ માનવાવાળા ન હતા. તે સંપૂર્ણ અને સંગીન પરિવર્તનના ઇચ્છુક હતા. આના માટે તેમણે દેશની સંપૂર્ણ આઝાદી અને ઇસ્લામી રાજ્ય વ્યવસ્થાનું સ્વપ્ન સેવ્યું હતું. મૌલાનાના શિષ્ય ઉબેદુલ્લાહ સિંધીએ જ્યારે અંગ્રેજી કોલેજોમાં અભ્યાસ કરતા નવયુવાનોને ઇસ્લામ સંબંધે ગેરસમજોને દૂર કરવા અને નાસ્તિકતાથી બચાવવા માટે ‘નજારતુલ મઆરિફુલ કુઆર્ન’ની સ્થાપના કરી, તો મૌલાનાએ ફરમાવ્યું કે જ્યાં સુધી અંગ્રેજોનું શાસન હિન્દુસ્તાન ઉપર કાયમ છે ત્યાં સુધી તમે જેટલી મુદ્દતમાં તમારી તાલીમ દ્વારા આ મદરસાથી દસવીસ આદમી અહીં સોચવાળા મુસલમાન બનાવશો તેટલી જ મુદ્દતમાં અંગ્રેજો હજારોને વિધર્મી અને નાસ્તિક બનાવી દેશે.

એકતા અને આઝાદીનો સાદ

દારૃલઉલૂમમાં શરૃઆતથી જ ઉત્તર-પશ્ચિમ હિન્દુસ્તાન એટલે કે પેશાવર, સરહિન્દ, બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન અને બીજા આઝાદ કબીલાઓના યુવાનો અભ્યાસ કરતા હતા. આપની તેમના ઉપર ખાસ કૃપાદૃષ્ટિ રહેતી હતી. આ જ તે ઇલાકા હતા જ્યાં બાલાકોટના મુજાહિદો અને તેમની નસલો આબાદ હતી. આ કબીલાઓ સ્વમાની અને સ્વાભિમાની, આઝાદ પ્રકૃતિના અને નિડર હતા. થોડા હથિયારો અને શસ્ત્ર સામગ્રી તેમને અપરાજિત શક્તિ બનાવી શકતા હતા. આપના શાગિર્દોને તે ઇલાકાઓમાં મોકલીને મૌલાના મહમૂદુલહસને પઠાણોને સંગઠિત કર્યા અને તેમનામાં જેહાદનો જોશ પેદા કરવામાં સક્રિય રહ્યા, જેથી તેઓ પરસ્પરના મતભેદો અને વેરઝેર ભૂલી જઈને ઇસ્લામી ભાઈચારાની ભાવનાથી ભરપૂર બની જાય. સરહદના બળવા પછી દેશની અંદર બધા જ શહેરી કેન્દ્રોમાં આમ બળવો થવાનો હતો, જેથી અંગ્રેજીને સંપૂર્ણ રીતે પાંગળા બનાવી દેવામાં આવે. કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી પણ મોટા પ્રમાણમાં બળવાખોર વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. વિશ્વયુદ્ધના લીધે અંગ્રેજોની ઘણી ઓછી સંખ્યા હિન્દુસ્તાનમાં રહી ગઈ હતી. ઉત્તર-પશ્ચિમના પહાડી ઇલાકાઓમાં તો આ સંખ્યા શરૃઆતથી જ ઓછી હતી. આ ઇલાકાઓમાં અંગ્રેજોએ ક્યારેય પગ મૂકવાની હિંમત કરી ન હોતી. અસંખ્ય લડાઈઓમાં આ સ્વતંત્ર કબીલાઓના મુજાહિદોએ અંગ્રેજોની પલ્ટનોની પલ્ટનોનો સફાયો કરી નાખ્યો હતો. જોકે પાછળથી અંગ્રેજો સફળ થયા તે પણ ફકત ધોખાબાજીથી. એટલે કે મુજાહિદોની કતારોમાં આત્મવંચક વ્યક્તિઓ દ્વારા ફૂટ-ફાટ પાડવાના કારણે.

આર્થિક મદદ અને શસ્ત્રોની તાલીમ માટે જર્મની સાથે વાટા-ઘાટો કરવામાં આવી. મૌલાના મહમૂદુલહસને ૧૯૧૫માં હિજાઝનો પ્રવાસ ખેડયો. ત્યાંથી તુર્કસ્તાન જવાનો ઇરાદો હતો કે ઉસ્માની સલ્તનત પાસે આ સિલસિલામાં મદદ માગવામાં આવે.

માલ્ટાની મુશ્કેલી

વિશ્વયુદ્ધના લીધે સામાન્ય પ્રજા ઉપર પાબંદીઓ વધી રહી હતી. નેતાઓની આવ-જા ઉપર દેખરેખ શરૃ થઈ ગઈ હતી. સીઆઈડી સતર્ક હતી. મૌલાના મહમુદુલહસન આમ પણ તુર્કોના વિરુદ્ધ સરકારી નિર્ણયો ઉપર સહી ન કરવાના કારણે અંગ્રેજોના રડાર ઉપર હતા. એટલે તે પહેલાં કે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેમણે ત્વરિત હિજાઝ માટે સફરનો સામાન બાંધી દીધો. હિજાઝના ગવર્નર ગાલિબ પાશા સાથે ઘણી મુલાકાતો થઈ. ઉસ્માની સલ્તનતે હિન્દુસ્તાનમાં ઇસ્લામી આઝાદીની ચળવળને ટેકો જાહેર કર્યો, અને આ કબૂલાતની સનદો મૌલાના મહમુદલહસનને આપી દીધી. આ સનદો અંગ્રેજો અને તેમના ચોકી પહેરા બચાવીને સરહદના પ્રદેશમાં પહોંચાડવુંએ બળવાખોરોની એક સિદ્ધિ હતી. સઘળું એક આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું હતું. પરંતુ કદાચ અલ્લાહને કઇક બીજું જ મંજૂર હતું. મક્કામાં શરીફહુસૈને બળવો કરી દીધો અને ઉસ્માની સલ્તનતનો હિજાઝથી સંપર્ક તૂટી ગયો. મૌલાના મહમૂદુલહસને એ જાણતા હોવા છતાં કે આનું પરિણામ ખરાબ આવશે, તુર્કોના વિરુદ્ધના ફતવા પર સહી કરવાનો એકવાર ફરીથી ઇન્કાર કરી દીધો. છેવટે અંગ્રેજોના ઇશારે શરીફહુસેને તેમને ગિરફતાર દીધા. અફઘાનિસ્તાન જાત-જાતની અફવાઓ ફેલાવીને સામાન્ય ભોળી પ્રજાને ગુમરાહ કરવામાં આવ્યા. અને જેહાદની રૃહને ઠંડી પાડી દીધી. મૌલાના મહમૂદુલહસનને કેદ કરીને જિદ્દાહ પછી સીરિયાના ‘માકુલ અસ્વદ’માં કેદ કરી દેવામાં આવ્યા, જ્યાં તેમની પૂછપરછ થઈ. પૂછપરછ દરમ્યાન આપની મૌમિનાના શાન સ્પષ્ટ રહી. છેવટે આપને માલ્ટાના ટાપુમાં નજર કેદ કરી દેવામાં આવ્યા. માલ્ટાનો ટાપુ તેની ઠંડી અને બર્ફીલા પવનો માટે કુખ્યાત છે. પરંતુ પોતાની પ્રોઢાવસ્થા હોવા છતાં ઠંડીના કારણે મૌલાનાના નિત્યક્રમમાં કોઈ ફરક ન પડયો. તહજ્જુદ, તિલાવત, મુરાકબા, ઇશરાક અને વિર્દ-વજાઈફનો નિત્યક્રમ ચાલુ રહ્યો. એટલું જ નહીં પરંતુ તદ્ઉપરાંત પણ વધારે પ્રબંધ થતો ગયો. જેલમાં એક નવયુવાન સાથીને મિશ્કાત શરીફ, તિર્મિઝી અને જલાલૈન પઢાવતા હતા. (આ કિતાબો તેમની સાથે હતી) સબક આપીને કુઆર્નના તર્જુમા ઉપર નજરે સાની કરતા. જુદા જુદા ઇલ્મી અને ચિંતનાત્મક વિષયો પર સાથીઓ સાથે વાદ-વિવાદ અને ચર્ચાઓ પણ થતી. મૌલાના મહમુદુલહસનને પોતાની જાતના સ્વાસ્થ્યની કોઈ જાતની પરવા નહોતી, પરંતુ પોતાના સાથીઓ માટે ચિંતાતૂર રહેતા હતા. જેલના સાથીઓ પૈકી એક સાથી હકીમ નુસરતને અંગ્રેજોએ મુક્ત કરવાનું કહ્યું પરંતુ તેમણે શૈખ વગર પોતાની મુક્તિ માટે ઇન્કાર કર્યાે. મૌલાના મહમુદુલહસને તેમને ઘણા સમજાવ્યા પરંતુ તે કોઈ પણ રીતે તૈયાર ન થયા. છેવટે માલ્ટામાં જ કેદની હાલતમાં જ ઇન્તેકાલ કરી ગયા.

ઇ.સ. ૧૮૩૮માં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જ્યારે વધારે પ્રમાણમાં કેદીઓ મુક્ત થઈ ચૂકયા હતા ત્યારે અંતમાં મૌલાના અને તેમના સાથીઓને માલ્ટાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. મુક્તિનું દૃશ્ય અજબ હતું. તુર્કસ્તાનનના તમામ અધિકારીઓ, ઉચ્ચ હોદ્દેદારો અને ખુદ શૈખુલ ઇસ્લામ જે અત્યાર સુધી ત્યાં કેદ હતા, મૌલાના અને તેમના સાથીઓની મુક્તિ પ્રસંગે ભેગા થઈ ગયા. વિદાયગીરીના આ પ્રસંગને નિહાળીને અંગ્રેજ અમલદારો હેરત પામી ગયા.

વૃદ્ધ સિંહ અને યુવાન ઇરાદાઓ

અંગ્રેજોએ કદાચ વિચાર્યું હશે કે આ વૃદ્ધ વર્ષો સુધી કેદખાનાની તકલીફો સહન કર્યા પછી પોતાની અવસ્થાના કારણે મૌલાના નિવૃત બની જશે. જાહેર જનતાથી દૂર થઈ જશે, અથવા ઓછામાં ઓછું દારૃલ ઉલૂમની હદથી બહાર નહીં આવે. પરંતુ મુંબઈના દરિયા કિનારે અંગ્રેજોની લાખ અવરોધો છતાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. અને ત્યાંથી જ તબિયત અસ્વસ્થ હોવા છતાં અને મુસાફરીનો થાક હોવા છતાં મૌલાનાએ ખિલાફતના જલ્સામાં હાજરી આપી. આ જલ્સામાં તેમની સેવાઓને ધ્યાનમાં લઈ તેમને ‘શૈખુલહિન્દ’નો ખિતાબ અર્પણ કરી માન આપવામાં આવ્યું. અંગ્રેજો વિરુદ્ધ અસહકારની લડત માટે આપની પાસે ફતવો માંગવામાં આવ્યો. આપે વિના સંકોચ શરીઅતની દલીલોની રોશનીમાં વિસ્તારપૂર્વક અસહકારની તરફેણમાં એક ફતવો જાહેર કર્યાે. આ ફતવાથી સમગ્ર હિન્દુસ્તાનમાં અસહકારની એક લહેર દોડી ગઈ. અંગ્રેજોએ મૌલાના ઉપર આ ફતવો પરત ખેંચવા માટે ભારે દબાણ કર્યું. પરંતુ મૌલાનાએ સાફ ઇન્કાર કરી દીધો. તબિયત એકદમ બગડવા લાગી હતી. ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી. પરંતુ શેખુલ હિન્દને જાણે ચેન જ નહોતું પડતુ. તેમણે આખી જિંદગી પર્યંત અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર બળવાનું આયોજન કર્યું હતું. ઉંમરના આ અંતિમ તબક્કામાં અંગ્રેજો વિરુદ્ધ હવે સત્યાગ્રહની લડતમાં પણ મોખરે રહ્યા. અલીગઢના જલ્સામાં બે પુરુષોના સહારે સ્ટેજ ઉપર ચડી તો ગયા, પરંતુ તબિયત અસ્વસ્થ હોવાથી પ્રમુખીય પ્રવચન વાંચી ન શકયા. કોઈ શિષ્ય પાસે વંચાવી દીધું. દિલ્હીના જલ્સા માટે મુસાફરી કરી પરંતુ માર્ગમાં તબિયત એટલી બધી બગડી ગઈ કે જલ્સામાં હાજરી પણ ન આપી શકયા અને હોસ્પીટલમાં લઈ જવા પડયા. આપની અંતિમ વસિયતમાં પણ આપે ઉમ્મતને ગફલતની ઊંઘમાંથી જાગૃત થઈ જવાની વિનંતી કરી અને સ્પષ્ટરૃપે ફરમાવ્યું કે ઇસ્લામ ફકત ઇબાદતનો જ ધર્મ નથી અને અંગ્રેજોને મદદ કરવી હરામ છે. આપે હિન્દુ-મુસ્લિમ એકતા પર પણ ખૂબ જોર આપ્યું. ૩૦ નવેમ્બર, ૧૯૨૦ના દિવસે આ જ્ઞાાની અને લેખન કળાના મુગટધારી, મુહદ્દિસ અને કાઈદ અલ્લાહ, અલ્લાહ અલ્લાહ બોલતાં બોલતાં અલ્લાહ પાસે જઈ પહોંચ્યા. અલ્લાહ તઆલા આપની મગફિરત ફરમાવે, તેમના દરજા બુલંદ ફરમાવે, અને આપણને તેમની હિંમત અને ઉત્સાહથી બોધગ્રહણ કરવાની પ્રેરણા આપે. આમીન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments