Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાનવીય જીવન અને અનાથો વિશે ઇસ્લામી શિક્ષણ

માનવીય જીવન અને અનાથો વિશે ઇસ્લામી શિક્ષણ

હત્યા, વ્યભિચાર અને એક કરતા વધારે ઇશ્વરની પુજા એટલે કે શિર્ક ત્રણ મોટા પાપ (ગુનાહે કબીરા) છે. માનવીય જીવન ખુબજ પવિત્ર છે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિના જીવનને છીનવી શકે નહીં. કુઆર્ન શરીફમાં આ અંગેનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં એક બીજાના જીવન અને મિલ્કતની હિફાઝત કરવા અને માનસન્માન આપવા અપેક્ષા રાખવામાં આવે છે. સૂરઃઅલ-માયદાની આયત નં. ૩૨નું અધ્યયન કરવામાં આવે તો આપણને જાણવા મળે છે કે આ વાસ્તવિક્તાનું મહત્વ કેટલું છે. આયતમાં જણાવવામાં આવ્યું છે કે “જો કોઇ વ્યક્તિ બદલાની ભાવનાથી અથવા ધરતીમાં બગાડ કરવાના ઇરાદાથી કોઇની હત્યા કરી નાંખે તો એ તો એવું છે કે જાણે એને સમગ્ર માનવજાતની હત્યા કરી અને જો કોઇ એક જીવ બચાવે તો આ એવું છે જાણે સમગ્ર માનવજાતને બચાવી લીધું”

બીજું અહિંયા કહેવામાં આવ્યું છે કે કોઇની હત્યા ન કરો. આ સૂરઃમાં માત્ર બીજાની હત્યા ઉપર જ પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો બલ્કે પોતાની આત્મા (રૃહ)ને તકલીફ નહી પહોંચાડો, આમ ઇસ્લામમાં આત્મહત્યાને પણ હત્યા જેટલો જ એક ઘૃણાસ્પદ અપરાધ માનવામાં આવે છે. દરેક આત્મા અલ્લાહની છે અને કોઇ વ્યક્તિની જાન લેવાનું આપણને કોઇ અધિકાર નથી. અથવા તો કોઇની સાથે દુર્વ્યવહાર કરવાનો પણ અધિકાર નથી. કારણ કે આ દુનિયા તો કસોટીની જગ્યા છે કે જ્યાં આપણે જીવીએ ત્યાં સુધી માત્ર અલ્લાહની મરજી મુજબ જ જીવવાનું છે. આપણી આસપાસની પરિસ્થિતી અનુકુળ હોય કે પ્રતિકુળ હોય એની પરવા કર્યા વગર આપણે જીવવાનું છે. એટલા માટે જ આ કસોટીથી દૂર ભાગવું ખરાબ બાબત છે. તો પછી આત્મહત્યા જેવા ઘૃણાસ્પદ અપરાધની વાત જ શું હોઇ શકે? જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તે નાની નાની મુશ્કેલીઓથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે અને આખી જીંદગી સુધી યાતના ભોગવે છે.

અમુક કાનૂની શરતો છે કે જે પ્રમાણે માનવી અન્ય વ્યક્તિની જાન લઇ શકે છે.

  1. જે વ્યક્તિને હરબી જાહેર કરવામાં આવ્યો હોય અને જેની સામે યુદ્ધ કરવું જરૂરી હોય તે.
  2. જે પરિણિત મુસ્લિમ વ્યક્તિ વ્યભિચાર (ઝિના) કરે એને પથ્થરો મારી મારી નાખવો જોઇએ.
  3. જો કોઇ મુસ્લિમ અન્ય મુસ્લિમની ઇરાદાપૂર્વક હત્યા કરી નાંખે તો મૃત્યું પામેલ વ્યક્તિના પરિવારજનો હત્યારાને કાં તો માફ કરી શકે અથવા તો કોઇપણ જાતના વળતરની અપેક્ષા વગર માફ કરી શકે અથવા તો એનો જીવ પણ લઇ શકે છે.

ઇસ્લામી શરીઅત મુજબ હત્યાની બાબતમાં સાચો ફરિયાદી સરકાર નહીં બલ્કે જેની હત્યા કરી નાંખવામાં આવી છે તેના વાલી વારસો કે જેમને માફ કરી દેવાનો અથવા તો હત્યા બદલ નાણાંકીય વળતર મેળવવાનો અધિકાર હોય. હત્યાની બાબતમાં રાષ્ટ્રના વડા અથવા તો રાજ્ય સરકારના વડાને દયા અરજી સ્વીકારવાનો કોઇ જ અધિકાર હોતો નથી. માત્ર મૃત્યું પામનાર પરિવારજનો જ એ અધિકાર ધરાવે છે. જેમ કે સમગ્ર વિશ્વમાં મરનારના કુટુંબજનોને એ અધિકાર મળે છે.

એક તરફ તો મૃત્યું પામેલ વ્યક્તિના વાલી વારસોને એટલી બધી સત્તા આપવામાં આવે છે પરંતુ બીજી બાજુ આ પ્રતિક્રિયા ઉપર રોક લગાવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. ‘બદલાની ભાવનામાં કોઇ વ્યક્તિએ મર્યાદા ઓઢંગવી ન જોઇએ.’ એ મર્યાદા કોઇના જીવ લેવાની હોય અથવા તો હત્યારાને ઘાતકી રીતે મારી નાંખવાની પણ ન હોવી જોઇએ અથવા તો મૃત્યું બદલ નાણાંકીય વળતર મેળવી લીધા પછી પણ એની હત્યા કરવામાં આવે. આ તમામ બાબતો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે.

એક અન્ય હુકમ અનાથોની બાબતમાં આપવામાં આવે છે, ‘અનાથોની સંપત્તિ તરફ ન જુઓ જ્યાં સુધી કે તેઓ પુખ્ત વયના થઇ જાય. તમે તમારા વાયદાઓનું પાલન કરો કારણ કે તમે એના માટે જવાબદાર છો.’

અહિંયા પણ ફરીથી ‘અનાથની સંપત્તિ ઉપર દાનત નહીં બગાડવા હુકમ કરવામાં આવ્યો છે. આપણી ફરજ છે કે અનાથની રક્ષા કરીએ, એના ધન – મિલ્કતની અને અન્ય બાબતો જે અનાથની માલીકીની છે તેનું પણ રક્ષણ કરીએ. અનાથો પુખ્ત વયના થઇ જાય ત્યાં સુધી રક્ષા કરવું જોઇએ.’ ખરેખર તો આપણે અનાથોના માત્ર વાલી જ ન બનવો જોઇએ બલ્કે અનાથની સંપત્તિ અને મિલ્કતોના પ્રોત્સાહક બનવું જોઇએ કે જેથી અનાથો કાયદેસર પુખ્ત થાય અને જ્યારે તેઓ મોટા થઇ જાય તો તેમના માં-બાપ જે કંઇ પાછળ મુકીને ગયા હતા તેનો કબ્જો લઇ શકે.

સમાજમાં યતીમો પ્રત્યેની આપણી જવાબદારીને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. પયગંબરે ઇસ્લામ મુહમ્મદ (સ.અ.વ.) એ એક વાર કહ્યું હતું કે “હું એનો વાલી છું જેનો કોઇ વાલી નથી.” આપણા હૃદયમાં જ્યારે ઇમાન હશે ત્યારે જ આપણે આ હુકમને ન્યાય આપી શકીશું. નહીંતર આપણે યતીમ અને અનાથોના અધિકારોથી તેમને વંચિત કરી દઇશું. એટલું જ નહીં બલ્કે એના પિતાના વારસામાંથી પણ એને દૂર કરી દઇશું. અથવા તો જો કોઇ અનાથ આપણી પાસે મદદ માટે આવે છે તો આપણે સાચો રસ્તો દેખાડવાને બદલે અથવા તો તેના પ્રત્યે દયા ભાવ રાખવાના બદલે એને ઠપકો આપીને ભગાડી દઇશું. એવું પણ થઇ શકે છે કે જો એ અનાથ ખૂબ આગ્રહ કરશે તો આપણે આપણી નજરથી પણ એને દૂર કરી દઇશું.
વાસ્તવિક્તા તો એ છે કે વિશ્વના અન્ય સમાજોની જેમ ઇસ્લામમાં અનાથાલય (યતીમ ખાના)નો વિચાર જ નથી. સમાજની દરેક વ્યક્તિની અનાથની સંભાળ લેવાની જવાબદારી છે. તેમ છતાં આપણે ઠેરઠેર અનાથ આશ્રમો જોઇએ છીએ. એની સ્થાપના પણ કરીએ છીએ અને એનું સંચાલન પણ કરીએ છીએ. આ ક્રિયા બીજું કંઇ નહીં પરંતુ અન્ય સમાજના અને ધર્મના રીત રીવાજોની અસર જ છે.

એક અન્ય સૂરઃમાં કહેવામાં આવ્યું છે કે “તમારૃં વચનનું પાલન કરો નહીંતર તમે ગુનેગાર બનશો.” આપણે જે કંઇ કરાર કરીએ છીએ જે સોગંધ લઇએ છીએ અથવા તો વચન આપીએ છીએ એ માટે આપણે જ જવાબદાર બનીશું. કુઆર્નમાં અવાર-નવાર આ પ્રકારના હુકમ આપવામાં આવ્યા છે અને ઘણીવાર અન્ય લેખોમાં આ બાબતને જોઇએ છીએ.

એક અન્ય હુકમ દરરોજના વ્યવહાર અંગેનો છે. એમાં માપ અને વજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણને કહેવામાં આવ્યું છે કે “જ્યારે તમે કોઇ વસ્તુ તોલવા બેસો તો બરાબર તોલો. આ એક શ્રેષ્ઠ રસ્તો છે અને અમે ક્યામતના દિવસે એનો શ્રેષ્ઠ બદલો આપીશું.” આ હુકમ માત્ર વ્યક્તિઓ સુધી જ મર્યાદિત નથી બલ્કે દરેક રાષ્ટ્રોની ફરજોમાં એનો સમાવેશ થવો જોઇએ. આ બાબત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે કારણ કે આનાથી ખરીદનાર અને વેંચનાર વચ્ચે પરસ્પર વિશ્વાસ પેદા થાય છે. પરિણામે વ્યાપાર વાણીજ્ય વિકસે છે અને સામાન્ય સુખાકારીમાં વધારો થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે અંતે તો દરેક બાબતનો આધાર અલ્લાહનો ડર, અલ્લાહની દયા અને આપણી પ્રમાણિક્તા ઉપર જ રહેલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments