Wednesday, April 17, 2024
Homeપયગામશાખે નાઝુક પે જો આશિયાના બનેગા નાપાયેદાર હોગા

શાખે નાઝુક પે જો આશિયાના બનેગા નાપાયેદાર હોગા

આપણા માટે સૌભાગ્યની વાત છે કે અલ્લાહે આપણને એક એવા દેશમાં જન્મ આપ્યો છે, જે વિવિધતાના ફૂલોથી સુગંધિત છે. એક લાંબા સમયથી જુદા જુદા ધર્મ અને સંસ્કૃતિના લોકો હળી મળીને આ દેશને વધુ દૃઢ અને મજબૂત બનાવી રહ્યા છે. દેશની સ્વતંત્રતામાં બધા જ લોકોએ બરાબરનો ભાગ લીધો છે. એક જ ઘરમાં જન્મતા બાળકોના રૂપ, રંગ,સ્વભાવમાં વિવિધતા હોય છે. આ વિવિધતા જ ઘરની શોભા વધારે છે. ઘરના વડાઓ કુટુંબની જે તે વ્યક્તિને તેની વિશેષતા સાથે જ સ્વીકારે છે અને સ્વતંત્રતા પણ આપે છે. કોઈ એક વ્યક્તિને બીજી જેવી બનવા માટે કોઈ દબાણ આપવામાં આવતું નથી, ન જ કોઈ વ્યક્તિને પોતાનાથી દૂર કરવામાં આવે છે. ન જ એક વ્યક્તિને બીજી વ્યક્તિને ખત્મ કરવાનો અધિકાર છે. જે ઘર કે કુટુંબમાં આવી માનસિકતા જોવા મળતી હોય, અને જેઓ પોતાના પરિવાર કે સમાજને એક જ રંગમાં ઢાળવા માંગતા હોય તો ઘર્ષણ ઊભું થાય છે. જીવનનો ચક્ર કડડડડ…કડડડ અવાજ કરે છે.પરિવારના સભ્યોમાં અશાંતિ અને અસલામતીનો ભાવ વધે છે. બળજબરી કોઈ પણ સારા વિચારને પણ ખરાબ કરી દે છે. અને વિચાર જ ખોટો હોય તો પરિસ્થિતિ અતિગંભીર બની જાય છે. જા કોઈ વ્યક્તિમાં કોઈ ખોટ-ખાપણ કે કમી દેખાય તો તેની સુધારણા સુંદર રીતે થવી જોઈએ.

કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનું સંચાલન કાયદા વડે થાય છે. કાયદા વ્યવસ્થાની ખરાબી અરાજકતા ફેલાવે છે. સમાજની બુનિયાદ કોઈ એક વિચારધારા પર આધારિત હોય છે. જા એક વિચારધારા સાચી ને ન્યાયિક હશે તો સમાજમાં પ્રેમના વાદળો છવાશે અને શાંતિની વરસાદ થશે. આપણો દેશ એક સલાડ બાઉલ જેવો છે જ્યાં વિવિધ વિચારધારા જાવા મળે છે. દરેક  વિચારધારાનો એક આધાર છે, કેટલાક મૂલ્યો છે, એક લક્ષ્ય છે, પોતાની ઓળખ છે. જીવનના વિવિધ ક્ષેત્રો ચાહેં તે આર્થિક હોય,ચાહે  સામાજિક હોય, ચાહે નૈતિક હોય કે રાજનૈતિક હોય, બધે તેના પ્રભાવ જોવા મળે છે. કોઈ પણ વિચારધારા કેટલી સુંદર, સુદૃઢ,સરળ, શાંતિપૂર્ણ અને ન્યાયિક  છે તેનો અંદાજ તેની કાર્યપદ્ધતિથી થાય છે. અને વાસ્તવિક દર્શન તેના પરિપક્વ અવસ્થામાં થાય છે.

હિટલરે દુનિયાને જે વિચારધારા આપી છે, તેમાં સંકિર્ણતા હતી. તેણે જર્મન કોમમાં રાષ્ટ્રવાદનું ઝનૂન પેદા કર્યું. એક કોમને સંગઠિત  કરવા એક બીજી કોમોને દુશમન તરીકે ચીતરી, તેમના વિષે મોટા પાયે ગેરસમજો ફેલાવવામાં આવી.તેમને પોતાનાથી દૂર કરવામાં આવી અથવા મારી નાખવામાં આવી. તેણે સત્તા ગ્રહણ કરવા માટે ઘણા ષડ્‌યંત્રો કર્યા, પોતાના નજીકની વ્યÂક્તની પણ હત્યા કરાવી, તેના વિરોધમાં જે લોકો હતા તેમને તેમણે અંકુશો લાદયા. સિવિલ સોસાયટીના લોકોને દબાવવામાં આવ્યા. શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણ્યા. તેના વિરોધમાં બોલનારાઓને દેશના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા.. કાયદા વ્યવસ્થા ખોરવાઈ ગઈ, આર્થિક કટોકટી આવી પડી,….પરંતુ પરિણામ શું મળ્યું. જર્મની બરબાદ થઈ ગયું.

જે વ્યવસ્થા કે વિચારધારા ઘૃણા, શત્રુતા,અન્યાય અને ભેદભાવ ઉપર ઊભી હોય તેના મૂળ કદાપી ઊંડા હોઈ શકતા નથી. આવી વિચારધારા સત્તા સ્થાને આવી જાય તો પણ તેનું જીવન ટૂંકું જ હોય છે. સ્પેનમાં પણ સત્તા પરિવર્તન પછી ખૂબ જુલમ કરવામાં આવ્યું, મુસ્લિમો હિજરત કરી ગયા, જેઓ ઈમાન પર કાયમ રહ્યા તેમની હત્યા કરવામાં આવી, અને ઘણા ખ્રિસ્તી થઈ ગયા. જુલમની ઉમર લાંબી હોતી નથી.અમેરિકામાં અશ્વેત લોકો સાથે આવું જ જુલમ કરવામાં આવ્યું.આ પ્રાચીન પ્રથા છે. કોઈ પણ વિચારધારા જયારે દલીલના મેદાનમાં ટકી શકતી નથી, જૂઠ પર આધારિત વ્યવસ્થા જેમાં તેમના સરદારોનું સ્વાર્થ છુપાયલું હોય છે તેને ત્યજી સકતી નથી તો આવા જ કૃત્યો કરે છે. શુઐબ અલે. એ જયારે એક અલ્લાહ અને તેમના માર્ગદર્શન તરફ આમંત્રણ આપ્યું તો તેમની કોમના સરદારોએ પણ આવી ધમકી આપી હતી, કુઆર્નમાં તેનો ઉલ્લેખ આ રીતે છે.

 “તેની કોમના આગેવાનોએ, જેઓ પોતાની મોટાઈના ઘમંડમાં ગ્રસ્ત હતા, તેને કહ્યું કે, હે શુઐબ ! અમે તને અને તે લોકોને જેઓ તારા સાથે ઈમાન લાવ્યા છે, પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહીં તો તમારે અમારા પંથમાં પાછા આવવું પડશે.” (૭ઃ૮૮)

આજે અફ્‌સોસ સાથે કહેવું પડે છે કે કેટલાક લોકો છે જેઓ આપણા દેશને મુસ્લિમ મુક્ત કરવાની અથવા પોતાની અંદર બળજબરીપૂર્વક પાછા લાવવા (ઘર વાપસી)ની ચળવળ ચલાવી રહ્યા છે. હત્યાઓ કરી રહ્યા છે, નફરત ઉપર આધારિત આવી કોઈ પણ વિચારધારા લાંબી જીવી શકશે નહિં તે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. અલ્લામા ઇકબાલે (રહ)એ સરસ પંક્તિ કહી છે,

 “શાખે નાઝુક પે જો આશિયાના બનેગા નાપાયેદાર હોગા”

આપણે થોડુંક ધૈર્ય રાખવાની જરૂર છે. શુઐબ અલૈ.એ પણ મુસલમાનોને કહ્યું હતું,

 “જો તમારામાંથી એક જૂથ તે શિક્ષણ પર જેના સાથે મને મોકલવામાં આવ્યો છે, ઈમાન લાવે છે અને બીજું ઈમાન નથી લાવતું, તો ધૈર્યથી જોતા રહો, ત્યાં સુધી કે અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરી નાખે, અને તે જ સૌથી સારો ફેંસલો કરનાર છે.”(૭ઃ૮૭)

અને પરિણામની નજરે જુઓ શું થયું. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ

 “જે લોકોએ શુઐબને ખોટો ઠેરવ્યો તેઓ એવા નષ્ટ થઈ ગયા કે જાણે તે મકાનોમાં તેઓ કદી વસ્યા જ ન હતા ! શુઐબને ખોટો ઠેરવનારા છેવટે બરબાદ થઈને રહ્યા.” (૭ઃ૯૨)

તેના મુકાબલામાં હઝરત મુહમ્મદ સ.અ.વ.એ આરબમાં જે ક્રાંતિ આણી તે ખૂબ જ મજબૂત બુનિયાદો ઉપર ઊભી હતી. ઇસ્લામ પ્રેમ, સમાનતા, બરાબરી, ન્યાય, પ્રમાણિકતા, સહિષ્ણુતા વગેરે જેવા મૂલ્યો પર આધારિત હતો. તે જ કારણ હતું કે માત્ર ૨૩ વર્ષના ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવામાં આપ સફળ રહ્યા. આપ સ.અ.વ. એ સત્તા મેળવીને પણ બદલાની ભાવનાથી કામ નહોતું કર્યું બલ્કે આપે મક્કાના એ તમામ લોકોને માફ કરી દીધા જેમણે આપની હત્યાનું કાવતરૂં રચ્યું હતું,જેમના કારણે આપે મક્કાથી મદીના હિજરત (સ્થાનાંતરણ) કરવું પડયું અને તેમના ઘણા અનુયાયીઓએ જાન-માલનું નુકસાન ઉઠાવવું પડ્યુંં. એમના જમાનામાં યુધ્ધો પણ લડાયા પરંતુ તેમને પણ એક નૈતિક કાયદાની અંદર રાખ્યા. એ જ કારણ હતું કે ઇસ્લામેં ખૂબ જ ઓછા સમયમાં દુનિયા ઉપર પોતાનું શાસન સ્થાપ્યું. અને લાંબા સમય સુધી રાજ કર્યું. હઝરત મુહમ્મદનું ધ્યેય કોઈ વ્યક્તિ, કોમ કે જાતિના શાસનની સ્થાપના કરવાનું ન હોતું બલ્કે આપનું મિશન દુનિયાના સર્જનહાર અલ્લાહના માર્ગદર્શન મુજબ વ્યવસ્થાનું નિર્માણ કરવાનું હતું. અને એ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી પ્રમાણિક, સદાચારી, ન્યાયપ્રિય, જવાબદાર અને પ્રતીભાપૂર્ણ માનવોનો એક સમુદાય તૈયાર ન થઇ જાય. દુનિયામાં કોઈ જૂથ એવો નથી રહ્યો તેને હમેશા હકૂમત કરી હોય, એવી ઘણી બધી કોમો ગુજરી ચૂકી છે તેમના સમયમાં જેમનો ડંકો વાગતો હતો. પરંતુ તેઓ પણ દુનિયાથી ચાલ્યા ગયા. અહીં અનંતકાળ કોઈને પ્રાપ્ત નથી. જે વિચારધારા લોકોના દિલો પર રાજ કરે છે, ન્યાય અને પ્રેમ ઉપર આધારિત હોય છે તેને લાંબી ઉમર મળે છે.અને આ વિચારધારા આપણા પાલનહાર તરફથી જ હોઈ શકે જેની નજરમાં બધા સમાન છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments