Friday, February 13, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામરૂહાની વિકાસ અને તકવા: રમઝાનનો સંદેશ

રૂહાની વિકાસ અને તકવા: રમઝાનનો સંદેશ

વ્યક્તિત્વ નિર્માણનું એક બીજું મહત્વપૂર્ણ પાસું આધ્યાત્મિક અને નૈતિક વિકાસ છે. જેમ કે આપણે જાણી ચૂક્યા છીએ કે માણસ શરીર અને રૂહનું સંયોજન છે. શરીર રૂહ માટે કેદખાનું નથી, પરંતુ એક સવારી છે, જેના માધ્યમથી તે પોતાના પરમ ધ્યેય તરફ આગળ વધે છે. જેમ યાત્રા માટે ગાડીનું સારું હોવું જરૂરી છે, તેમ જીવનની યાત્રા માટે શરીરનું સ્વસ્થ હોવું પણ આવશ્યક છે. પરંતુ જો વ્યક્તિ ગાડીને જ શોભાયમાન બનાવવામાં રચ્યો-પચ્યો રહે, તો યાત્રા અટકી જાય છે અથવા તેમાં અવરોધ ઊભા થાય છે. તેથી સવાર અને સવારી વચ્ચેનું સંતુલન અત્યંત જરૂરી છે.

રૂહનું અવતરણ આકાશમાંથી થયું છે; તે ઊંચે જવા માંગે છે. જ્યારે શરીરની રચના માટીમાંથી થઈ છે; તે સંસારમય થવા માંગે છે. સફળ વ્યક્તિ તે જ છે, જે પોતાની શારીરિક ઇચ્છાઓને નિયંત્રિત કરીને પોતાની રૂહનો વિકાસ કરે છે. જેમ કોઈ વ્યક્તિ પર તેની ક્ષમતાથી વધુ ભાર મૂકી દેવામાં આવે, તો તે ચાલવાનું તો દૂર, ઊભો પણ રહી શકતો નથી. તેવી જ રીતે, જો વ્યક્તિ પાશવિકવૃત્તિઓ અથવા ખોટી મનોચ્છાઓને તાબે રહે, તો તેની રૂહનો વિકાસ રૂંધાઈ જાય છે. અને આવી સ્થિતિમાં જો વ્યક્તિનું મૃત્યુ થાય, તો તે નિષ્ફળ ઠરે છે.

રૂહનો ખોરાક; અલ્લાહની યાદ, સંપૂર્ણ આજ્ઞાપાલન, નૈતિક વલણ અને ભલાઈ તથા કલ્યાણના કાર્યો છે. રમઝાનનો મહિનો રૂહને શણગારવાનો મહિનો છે. આ મહિનો અલ્લાહ સાથે પોતાના સંબંધને મજબૂત બનાવવાનો અવસર પૂરો પાડે છે. રમઝાનમાં વ્યક્તિની એક-એક ક્ષણ અલ્લાહની યાદથી સુગંધિત બની જાય છે. તે અલ્લાહના પ્રેમમાં ખોવાઈ જાય છે.

જેમ પત્ની અને બાળકોનો પ્રેમ માણસને રાત્રે નિંદ્રામાંથી જગાડી દે છે, તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા પરસેવો વહેવડાવે છે અને વ્યક્તિ પોતાનું સુખ-ચેન ત્યજી દે છે, તેમ જ્યારે કોઈ વ્યક્તિ અલ્લાહને સાચો પ્રેમ કરે છે, ત્યારે તે પોતાના રબને ખુશ કરવા માટે બેચેન બની જાય છે. ક્યારેક તે તેના દરબારમાં રાત્રે ઊભો રહી ઝિક્ર કરે છે, પોતાના ગુનાઓ પર ક્ષમાયાચના કરે છે, અશ્રુભીની આંખોથી હાથ ફેલાવી પોતાની આવશ્યકતાઓની પૂર્તિ માટે દુઆ કરે છે. તે વધુ નમાઝ અદા કરે છે, કુરઆનની તિલાવત કરે છે, સદકા-ખૈરાત કરે છે, હરામથી દૂર રહે છે અને હલાલને અનુસરે છે.

રમઝાન મહિનો વ્યક્તિને અલ્લાહમય થઈ જવાનું સામૂહિક વાતાવરણ પૂરું પાડે છે. તે પોતાના રબના પ્રેમમાં તેની આજ્ઞાનું પાલન કરવા ખાવા-પીવાથી અને પત્ની પાસે જવાથી રોકાઈ જાય છે. સવારની સહેરીથી લઈને ઇફ્તાર સુધી અને ઇફ્તારથી તરાવીહ સુધી, તે અલ્લાહના આદેશોને અનુસરે છે. તે ખોટું કરવાથી અટકી જાય છે, ખોટું બોલવા અને સાંભળવાથી બચી જાય છે, હરામ કમાણીથી તૌબા કરે છે અને સંબંધીઓ સાથેના રિશ્તા-નાતામાં ઊભી થયેલી દીવાલો તથા કડવાશ તોડી નાખે છે. અહીં સુધી કે એવું લાગે છે કે માણસે પોતાને અલ્લાહ માટે વકફ કરી દીધો છે.

આવતા રમઝાનમાં એવું આયોજન કરીએ કે આપણી રૂહ અત્યંત બળવાન બની જાય અને આપણામાં એવી સંકલ્પશક્તિનો સંચાર થાય કે જીવનના દરેક તબક્કે આપણે અલ્લાહના બનીને રહી શકીએ. માણસ દુનિયામાં અનેક વસ્તુઓને પ્રેમ કરે છે, પરંતુ એક મોમિન માટે સર્વોચ્ચ સ્થાન અલ્લાહનું હોય છે. તેથી કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે: “ઈમાનવાળા લોકોને સૌથી વધુ અલ્લાહ પ્રિય હોય છે.” (સૂરઃ બકરહ – 165)

અલ્લાહ પર ઈમાન રૂહના વિકાસનું પ્રથમ પગથિયું છે, પરંતુ તેને ઈંધણ પ્રેમથી મળે છે. જ્યારે માણસના હૃદયમાં અલ્લાહનો સાચો પ્રેમ પ્રજ્વલિત થાય છે, ત્યારે તેના દિલમાં અલ્લાહની પ્રસન્નતા અને અપ્રસન્નતાનો ભાવ સ્પષ્ટ થઈ જાય છે. આ સ્તરે વ્યક્તિ એ તમામ વસ્તુઓ ત્યજી દે છે, જે અલ્લાહને નાપસંદ છે, અને એ તમામ વસ્તુઓ સ્વીકારી લે છે, જે અલ્લાહને પસંદ છે. તે અલ્લાહની નારાજગી અને તેના અઝાબથી ડરે છે. આ જ કેફિયતને તકવા કહેવામાં આવે છે, જે રમઝાનનો મૂળ ઉદ્દેશ્ય છે. જેમ કે કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે: “હે ઈમાન લાવનારાઓ! તમારા પર રોઝા ફરજ કરવામાં આવ્યા છે, જેમ કે તમારા પહેલાંના લોકો પર ફરજ કરવામાં આવ્યા હતા, જેથી તમે તકવા પ્રાપ્ત કરો.” (સૂરઃ બકરહ – 183)

આટલું જ નહીં, સામૂહિક રીતે જો કોઈ વસ્તીના લોકો સંયમિત બને, એટલે કે પોતાના અંદર તકવાનો ગુણ પેદા કરે, તો અલ્લાહ તેમના ઉપર પોતાની કૃપાનો વરસાદ વરસાવે છે. જેમ કે કુરઆનમાં અલ્લાહ કહે છે: “જો વસ્તીઓના લોકો ઈમાન લાવતા અને તકવા અપનાવતા, તો અમે તેમના ઉપર આકાશ અને ધરતીમાંથી બરકતોના દ્વાર ખોલી દેતા; પરંતુ તેમણે તો ખોટું ઠેરવ્યું, તેથી અમે તેમને તેમની કરતૂતોના કારણે પકડી લીધા.” (સૂરઃ આરાફ – 96)

અતઃ માણસે જોઈએ કે સંપૂર્ણ સાવધાની સાથે રમઝાનનો મહિનો વ્યતીત કરે, જેથી આ મહિના થકી તેનો આધ્યાત્મિક (રૂહાની) વિકાસ શ્રેષ્ઠ રીતે થઈ શકે અને તે અલ્લાહના પ્રિય બંદાઓમાં સ્થાન પામી શકે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments