– ફાતિમા શેખે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી
ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની આજે 191મી જયંતી છે. આ પ્રસંગે ગૂગલે ડૂડલ બનાવીને તેમને સન્માનિત કર્યા છે. ફાતિમા શેખે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી. તે દેશમાં યુવતીઓની પ્રથમ સ્કુલ માનવામાં આવે છે. ફાતિમા શેખનો જન્મ 09 જાન્યુઆરી, 1831ના રોજ પુણે ખાતે થયો હતો. તેઓ તેમના ભાઈ ઉસ્માન સાથે રહેતા હતા. જ્યારે ફુલે દંપતીને તેમના પિતાએ દલિતો અને ગરીબોને શિક્ષણ આપવાના વિરોધમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા ત્યારે ઉસ્માન શેખ અને ફાતિમાએ તેમને શરણ આપ્યું હતું.
સ્વદેશી પુસ્તકાલયની સ્થાપના શેખના ઘરમાં જ થઈ હતી. ફાતિમા શેખ અને ફુલે દંપતીએ તે જગ્યાએ જ સમાજના ગરીબ અને વંચિત વર્ગની મુસ્લિમ મહિલાઓને શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું હતું. પુણેની તે શાળામાં એવા લોકોને શિક્ષણ આપવાનો મહાયજ્ઞ શરૂ થયો હતો જેમને જાતિ, ધર્મ અને લિંગના આધાર પર શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા.
બાળકોને બોલાવવા ઘરે-ઘરે જતાં
ફાતિમા બાળકોને પોતાના ઘરે ભણવાં બોલાવવા માટે તેમના ઘરે-ઘરે જતાં હતા. તેઓ ઈચ્છતા હતા કે, વંચિત વર્ગના બાળકો ભારતીય જાતિ વ્યવસ્થાની અડચણ પાર કરીને પુસ્તકાલયમાં આવે અને ભણે. ફુલે દંપતીની માફક તેઓ આજીવન શિક્ષણ અને સમાનતા માટે સંઘર્ષ કરતાં રહ્યા. પોતાના આ મિશનમાં તેમને ભારે અવરોધોનો સામનો પણ કરવો પડ્યો હતો. સમાજના પ્રભાવશાળી વર્ગે તેમના કામમાં અનેક વિઘ્નો નાખ્યા હતા પરંતુ શેખ અને તેમના સહયોગિઓએ હાર નહોતી માની.