✍🏻 ફેહમીદા ઇલ્યાસ કુરૈશી
૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ! જાતીય સમાનતા, મહિલાઓ નાં અધિકારો અને મહિલાઓ પર થતાં અત્યાચારો સામે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આજે મહિલાઓ એ દરેક ક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યુ છે. ભલે પછી તે સામાજિક ક્ષેત્ર હોય કે રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે આર્થિક તેણે દરેક ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યો અને ક્ષમતાઓની તાકાત દેખાડી દીધી છે.
ખરેખર આ બહુ જ ખુશીની વાત છે અને આ બદલાવ એ સ્ત્રીઓમાં જાગૃતિની નિશાની છે. એક જવાબદાર મહિલા ક્યારેય પોતાની ફરજોથી બેદરકાર નથી હોતી અને કોઈ પણ કિંમતે પોતાનાં ઇરાદાઓ સાથે બાંધછોડ નથી કરતી. પરંતુ સ્ત્રી-સ્વાતંત્ર્ય નાં નામ પર તેણે પોતાની માન્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું જેનાં ખતરનાક પરિણામો ૨૧મી સદીની મહિલાઓ ભોગવી રહી છે. પશ્ચિમિ સંસ્કૃતિ નું જાગતું ઉદાહરણ આપણા સામે જ છે, તેમાં આપણા માટે બોધ છે. સમાનતા માટે ની આંધળી દોડ અને ભૌતિકવાદ મહિલાઓને પોતાની પાયાની જવાબદારીઓથી દૂર અને દરેક ક્ષેત્ર માં પુરુષોના સમકક્ષ બનાવી દીધી છે. જેના કારણે કુટુંબ ક્રોધ, દ્વેષ,તણાવ,હિંસા, સ્વાર્થીપણું,અપમાન અને અસ્તવ્યસ્તતા જેવા દુષણો (બીમારી)ઓનો શિકાર બની ગયો છે.અને આની સમગ્ર સમાજ ઉપર માઠી અસર ઊભી થઈ છે. કહેવાય છે કે એક સ્ત્રી થી એક કુટુંબ અસ્તિત્વ માં આવે છે. અને આવા કુટુંબો ભેગા મળીને જ સમાજનું નિર્માણ કરે છે.અને આજ સમાજો થી દેશની રચના થાય છે.
ઇસ્લામ એક તરફ સ્ત્રીને તમામ માનવ અધિકારો આપે છે. અને બીજી બાજુ દરેક ક્ષેત્ર માં આગળ વધવા માટે હિંમત પ્રદાન કરી એ નિયમો અને ફરજો આપે છે જે તેની પ્રકૃતિને અનુરૂપ હોય, તેથી જો મહિલાઓ આ માર્ગદર્શન નું પાલન કરીને આગળ વધશે તો તેઓ પોતે પણ દુનિયા અને આખિરતમાં સાચા અર્થમાં સફળ થશે અને પોતાના દેશને પણ ઊંચી મંઝિલ સુધી પહોંચાડશે.