નવી દિલ્હી | ઓક્સફેમ ઈન્ડિયાના સર્વે રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. સર્વે અનુસાર આ ભેદભાવ મુસ્લિમ, દલિત અને આદિવાસીઓ સાથે થતો હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, એક તૃતીયાંશ મુસ્લિમો, 20 ટકાથી વધુ દલિતો, આદિવાસીઓ અને સર્વેક્ષણમાં ભાગ લેનારાઓમાંથી 30 ટકા લોકો સાથે હોસ્પિટલોમાં ધર્મ, જાતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચારમાંથી એક ભારતીય સાથે જાતિ અને ધર્મના આધારે સ્વાસ્થ્ય સુવિધાઓમાં ભેદભાવ કરવામાં આવે છે.
NGO ‘Oxfam India’ એ મંગળવારે ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાન સાથેના પડકારો પર તેનો સર્વે રિપોર્ટ શેર કર્યો.
ઓક્સફેમ ઈન્ડિયા અનુસાર, “ચારમાંથી એક ભારતીયને તેમની જાતિ અને ધર્મના કારણે સ્વાસ્થ્ય સેવાઓની પહોંચમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.”
અહેવાલમાં જણાવ્યું છે કે 43 ટકા લોકોએ કહ્યું કે તેઓ રસી મેળવી શક્યા નથી કારણ કે જ્યારે તેઓ રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે રસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે 12 ટકા લોકો રસીની ‘ઉંચી કિંમતો’ પરવડી શકતાં ન હોવાને કારણે તેઓ રસી મેળવી શક્યાં ન હતાં.
રિપોર્ટ અનુસાર, 35 ટકા મહિલાઓએ કહ્યું કે રૂમમાં કોઈ પણ મહિલાની હાજરી વિના પુરૂષ આરોગ્ય કર્મચારી દ્વારા તેમની શારીરિક તપાસ કરવામાં આવી.
સર્વેમાં, 19 ટકા લોકો કે જેમના સંબંધીઓ હોસ્પિટલમાં દાખલ હતાં તેઓએ કહ્યું કે હોસ્પિટલે મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો હતો.
Oxfam Indiaના CEO અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, “સર્વે દર્શાવે છે કે ભારતમાં આરોગ્ય સુવિધાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગને દર્દીઓના મૂળભૂત અધિકારોથી નિયમિતપણે વંચિત કરવામાં આવે છે.”
અમિતાભ બેહરે કહ્યું, “આરોગ્ય પ્રણાલીમાં સમૃદ્ધ અને ગરીબ, પુરુષો અને સ્ત્રીઓ, ઉચ્ચ જાતિ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જુદા જુદા અનુભવો અને પડકારોને માપવાનું શરૂ કરવાની જરૂર છે. આ આરોગ્ય પ્રણાલીને તમામ લોકોની વ્યક્તિગત જરૂરિયાતો અને સંદર્ભો માટે જવાબદાર બનાવશે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “ભારતે જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાની અને ખાનગી આરોગ્ય ક્ષેત્ર પર વધુ નિયમન સ્થાપિત કરવાની પણ જરૂર છે. ભારત સરકારે તાત્કાલિક આરોગ્યને મૂળભૂત અધિકાર બનાવવો જોઈએ જેથી કરીને દરેક નાગરિક તેના સ્વાસ્થ્ય અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં કાયદાનો સહારો લઈ શકે.
સૌજન્ય : India Tomorrow