રાજસ્થાનનાં કરૌલીમાં 2 એપ્રિલ 2022નાં દિવસે રામનવમીની શોભાયાત્રામાં ભડકાઉ સૂત્રોચાર બાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં ડઝન દુકાનો બાળી નાખવામાં આવી. બાળવામાં આવેલી મોટા ભાગની દુકાનો મુસલમાનોની હતી. ગ્રાઉન્ડ સ્તરે સમજીને અને પીડિતોને થયેલાં નુકસાનનું સર્વે કરીને પરત ફરેલી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે જયપુર પ્રેસ ક્લબમાં કરૌલી રમખાણો સંબંધિત રિપોર્ટ જારી કરી, જેમાં પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
સામાજિક સૌહાર્દ માટે કાર્યરત સંગઠન ફોરમ ફોર ડેમોક્રેસી અને કોમ્યુનલ એમિટી (FDCA)નું એક પ્રતિનિધિ મંડળ 9 એપ્રિલ શનિવારે કરૌલી પહોંચી હતી. ડેલીગેશને બંને ધર્મોનાં બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે, જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી રમખાણ પ્રભાવિત ક્ષેત્રનો પ્રવાસ કર્યો અને સામાન્ય લોકો સાથે મુલાકાત કરી અને તેમની સ્થિતિ જાણી.
કરૌલી પહોંચેલાં પ્રતિનિધિ મંડળમાં એફડીસીએનાં પ્રદેશ અધ્યક્ષ સવાઈ સિંહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ટી. સી. રાહુલ, જમાઅતે ઇસ્લામી હિંદ રાજસ્થાનનાં પ્રદેશ મહાસચિવ ડો. મુહમ્મદ ઇકબાલ સિદ્દીકી, એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ (એપીસીઆર)નાં પ્રદેશ મહાસચિવ મુઝમ્મિલ રીઝવી, રાજસ્થાન ગાંધી સ્મારક નિધિના ધર્મવીર કટેવા, રાજસ્થાન નાગરિક મંચનાં મહાસચિવ બસંત હરિયાણા જન અધિકાર મંચનાં જીતેન્દ્ર ભૂષણ શામેલ હતાં.
કરૌલીથી પરત ફર્યા બાદ પ્રતિનિધિમંડળે સોમવારે જયપુર પ્રેસ ક્લબમાં કરૌલી હિંસા પર ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ જારી કર્યો.
તેમના અહેવાલમાં પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે 2 એપ્રિલ 2022નાં રોજ રાજસ્થાનનાં કરૌલી શહેરમાં હિન્દુ નવવર્ષના અવસર પર હિન્દુ સંગઠનો તરફથી નિકાળવામાં આવેલી બાઇક રેલી દરમ્યાન મુસ્લિમ વિસ્તારોમાં ભડકાઉ સૂત્રો લગાવવા અને ઉશ્કેરણીજનક ગીતો વગાડ્યા બાદ હિંસા ભડકી, જેમાં ઘણાં બધાં લોકો ઘાયલ થયાં અને કરોડોની સંપતિ ને આગને હવાલે કરી દેવામાં આવી. જે પછી શહેરમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો.
એફડીસીએનાં પ્રદેશાધ્યક્ષ સવાઈ સિંહે જણાવ્યું કે પ્રતિનિધિ મંડળે શહેરનાં કેટલાક બુદ્ધિજીવી નાગરિકો સાથે મળીને ઘટના વિશે માહિતી મેળવી અને પછી જિલ્લા વ્યવસ્થાતંત્ર તેમજ પોલીસ અધિકારીઓ સાથે મળીને સ્થિતિ વિશે માહિતી મેળવી તથા શહેરમાં સાંપ્રદાયિક સૌહાર્દને ફરી સ્થાપિત કરવા માટે સૂચનો આપ્યાં.
પ્રતિનિધિ મંડળે વ્યવસ્થાતંત્રની અનુમતિથી કરૌલી હિંસાગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કર્યો.
ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ :
- જિલ્લા વ્યવસ્થાતંત્રએ પોતાની તરફથી આવશ્યક સાવધાનીના પગલાઓ ઉઠાવ્યા હતાં અને રાજ્ય સરકારનાં દિશા નિર્દેશ અનુસાર જ રેલીની અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ રેલી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આવ્યાં બાદ ન ફક્ત વધુ સમય સુધી રોકાઈ બલ્કે ઉશ્કેરણીજનક સૂત્રો પણ લગાવ્યા અને સાંપ્રદાયિક રૂપે ઘોર આપત્તિજનક ગીતો પણ ડીજે પર વગાડવામાં આવ્યા.
- પોલીસ દ્વારા નોંધેલ એફઆઈઆરમાં ક્યાંય પણ ઉશ્કેરણીજનક સૂત્રો તથા ગીતોનો ઉલ્લેખ કર્યો નથી. સાથે જ આમાં રેલી પર પથ્થરમારો કરનારાઓના નામ નોંધેલ છે, પરંતુ દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરનારાઓનાં નામ નથી, જેનાથી આ રિપોર્ટ એકતરફી પ્રતીત થાય છે.
- બજારમાં દુકાનોને ટાર્ગેટ કરી લઘુમતી સમુદાયની દુકાનોમાં આગ લગાવવામાં આવી. પોલીસબળે હિંસા રોકવાનો પ્રયાસ ન કર્યો બલ્કે ઉપદ્રવીઓ દ્વારા જ્યારે આગ લગાવવામાં આવી રહી હતી તે સમયે આ બધું જોઈ રહ્યાં હતાં.
- પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકો સાથે મારપીટ કરવામાં આવી, જેનાથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
- હિંસા અને આગચંપી બાદ કરફ્યુ દરમ્યાન પોલીસ દ્વારા વ્યવસ્થિત રીતે સાવધાની કે નાકાબંધી કરવામાં ન આવી જેનાં લીધે ઉપદ્રવીઓ જાહેરમાં ફરતાં રહ્યાં તથા બીજાં દિવસે પણ આગચંપીની કેટલીક ઘટનાઓ ઘટી.
- ઘટના સમયે પોલીસે તેમના કર્તવ્યનું યોગ્ય પાલન ન કર્યું. પોલીસ જો સાવચેત રહેતી તો ઘટનાને ટાળી શકાતી હતી. રેલીના રસ્તાની અનુમતિ આપતાં સમયે પણ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખવામાં ન આવી. રસ્તો સાંકળો હતો, જો પહોળાં રસ્તા પરથી રેલી નીકાળવામાં આવતી તો યોગ્ય હતું.
- રાજ્ય ઇન્ટેલિજન્સ દ્વારા પહેલાથી જ આવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના બાદ હવે રેલી, શોભાયાત્રા વગેરે નીકળશે તો તેમાં હિંસા અને ઉપદ્રવ થઈ શકે છે, આથી સાવચેત પગલાં લેવામાં આવે. પરંતુ આ આશંકાઓ અને દિશાનિર્દેશોને પણ અવગણવામાં આવ્યાં, જેનાથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી.
- વ્યવસ્થાતંત્ર તથા પોલીસની વચ્ચે યોગ્ય સુમેળ નહોતો, જેનાં લીધે સ્થિતિને કાબુ કરવામાં મોડું થયું. રેલી દરમ્યાન સોસાયટીમાં અગાસીઓ પર પોલીસની ગોઠવણ કરવામાં આવી નહોતી અને ન ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી. પોલીસ તથા વ્યવસ્થાતંત્રએ રેલી દરમ્યાન તમામ સંભાવનાઓને ધ્યાનમાં ન રાખી. આગચંપી બાદ ઘણી વાર સુધી અગ્નિશામક વાહન પહોંચ્યું નહિ, જેના લીધે આગથી નુકસાન ઘણું બધી વધી ગયું.
પ્રતિનિધિ મંડળની માંગો :
ઘટનાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરવામાં આવે તથા એસપી શૈલેન્દ્ર સિંહ ઇન્દોલિયા સહિત સ્થળ પર ઉપસ્થિત પોલીસ સ્ટાફને કરૌલીથી હટાવવામાં આવે, જેનાં લીધે નિષ્પક્ષ તપાસ થઈ શકે.
આગચંપીમાં જે જે લોકોની દુકાનો અને મકાનો ક્ષતિગ્રસ્ત થયાં છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે. આ પણ ધ્યાન રાખવામાં આવે કે જો નુકસાનગ્રસ્ત દુકાન ભાડાની હોય તો સુનિશ્ચિત કરવામાં આવે કે દુકાનનાં માલિક અને ભાડુઆત બંનેને અલગ અલગ વળતર આપવામાં આવે.
શાંતિની સ્થાપના માટે ન્યાય આવશ્યક છે. આથી સરકાર તમામ રાજનૈતિક નુકસાન ફાયદાથી ઉપર ઉઠીને ન્યાય કરે. જેથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત થઈ શકે.
(સૌજન્યઃ रहीम ख़ान | इंडिया टुमारो)