Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસરાષ્ટ્રવ્યાપી 'શાંતિ અને માનવતા અભિયાન' - અવધારણા પત્ર

રાષ્ટ્રવ્યાપી ‘શાંતિ અને માનવતા અભિયાન’ – અવધારણા પત્ર

ભારતની એક મહત્ત્વની શક્તિ તેની મજબૂત સામાજિક વ્યવસ્થા છે. આટલા વિશાળ દેશમાં આટલા ભિન્ન-ભિન્ન ધાર્મિક અને સાંસ્કૃતિક સમુદાયોની ઉપસ્થિતિ અને તેમનાં વચ્ચે સદીઓથી સામાજિક સ્તરે સુમળ અને સંવાદિતાનું આવું ઉદાહરણ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. આ પરિસ્થિતિએ સમગ્ર દુનિયામાં આપણા દેશની પ્રતિષ્ઠાને પણ વધારી છે અને શક્તિ પણ. આઝાદી પછી દેશનું જે બંધારણ બન્યું, તેણે પણ ધાર્મિક સ્વતંત્રતા તેમજ જુદા-જુદા ધાર્મિક જૂથો અને વર્ગો વચ્ચે શાંતિ અને સલામતી અને ભાઈચારા માટે મજબૂત આધારો ઉપલબ્ધ કરાવ્યા.

બીજી બાજુ અમુક વર્ષોથી દેશના આ મજબૂત અને સ્થિર સામાજિક માળખાને સખત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સાંપ્રદાયિક પરિસ્થિતિ ઝડપથી બગડતી જઈ રહી છે. કોમવાદી અને સાંપ્રદાયિક બળોએ હવે એ વાત સારી રીતે સમજી લીધી છે કે તેમનાં રાજકીય વિજયો, બલ્કે તેમનું રાજકીય અસ્તિત્વનો આધાર ઊંડા સાંપ્રદાયિક ફાટફૂટ, વિખવાદ અને ઝઘડાઓ પર છે. આ વિભાજન અને ફાટફૂટ જેટલા વધારે હશે, તેમના માટે સફળતા એટલી જ સરળ હશે. તેથી એવું પ્રતીત થાય છે કે તેઓ આખા દેશને અને વિશેષ રૃપે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ રાજ્યોને નિરંતર કોમી તણાવની સ્થિતિમાં રાખવા માગે છે.

ભયંકર કોમી રમખાણોના પરિણામે વૈશ્વિક સ્તરે બદનામી થાય છે અને આંતરરાષ્ટ્રીય જનમતના વિરોધનું જોખમ પણ ઊભું રહે છે. તેથી હવે નવી કાર્ય-પદ્ધતિ અને વ્યૂહ-રચના (Strategy) નાની-નાની, પરંતુ અત્યંત આતંકિત કરનાર અને ભયાનક Low volume high intensity ઘટનાઓના અવિરત ક્રમની છે. લોકસભામાં ગૃહ મંત્રાલય તરફથી ઉપલબ્ધ કરેલ આંકડાઓ અનુસાર ગત વર્ષે (૨૦૧૫માં) સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ૧૭%નો વધારો થયો અને માત્ર એક વર્ષ દરમ્યાન ૭૫૧ ઘટનાઓ નોંધવામાં આવી. આમાંથી મોટાભાગની (આશરે ૮૭%) ઘટનાઓ માત્ર સાત રાજ્યો (ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત)માં બની છે અને આંકડાઓથી એ પણ જાણકારી મળે છે કે ચૂંટણી જ્યારે નજીક હોય ત્યારે આ ઘટનાઓની સંખ્યા અચાનક વધી જાય છે. આમ, સાંપ્રદાયિક સ્તર પર પણ સૌથી વધારે ઘટનાઓ (૮૨૩ ઘટનાઓ) ૨૦૧૩માં બની હતી.

આ નાની, પરંતુ અત્યંત અત્યાચારપૂર્ણ અને ધયાનક ઘટનાઓના ઘણા ઉદાહરણ તાજેતરના દિવસોમાં સામે આવી છે. ઝારખંડમાં એક નવયુવાન અને એક કિશોરની વૃક્ષ પર લટકતી લાશો, દાદરીમાં મુહમ્મદ અખ્લાકની નિર્દયી હત્યા, સાંપ્રદયિકતાનો વિરોધ કરવાવાળા બુદ્ધિજીવીઓને લક્ષ્ય બનાવીને તેમની હત્યાના બનાવો; દિલ્હી, હરયાણા, મધ્યપ્રદેશ, છત્રીસગઢ, આગ્રા અને મુંબઈમાં ચર્ચો પર હુમલાઓ, યુનિવર્સિટીઓમાં દલિતો પર અત્યાચારો, પૂનામાં એક આઈ.આઈ.ટી. એન્જિનીયરની ટોળા દ્વારા હત્યા વગેરે એ કેટલીક ખુલ્લી ઘટનાઓ છે, જે મીડિયામાં ચર્ચામાં આવી ચૂકી છે. આ ઉપરાંત, ગામોમાં, સડકો પર, બસોમાં, ત્યાં સુધી કે કાર્યાલયોમાં અને કામ કરવાની જગ્યાએ પણ સાંપ્રદાયિક મહેણા-ટોણા, પજવણી અને ઉત્પીડન તથા હિંસાના બનાવો પુષ્કળ પ્રમાણમાં બનવા લાગ્યા છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો અને દક્ષિણમાં કર્ણાટક અને કેરાળાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને ઉત્તરપ્રદેશના ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે, અને રાજકીય સ્વાર્થો માટે સાંપ્રદાયિક નફરતની જે આગ ભડકાવવામાં આવી રહી છે, તે આપણા દેશના દૃઢ સામાજિક માળખા અને વ્યવસ્થા તથા સદીઓ પુરાણા સામાજિક મૂલ્યો અને પરંપરાઓને પોતાની લપેટમાં લેવા લાગી છે.

આ ઘટનાઓ આકસ્મિક નથી. તેના પાછળ નફરતભર્યા પ્રવચનો, વૈમનસ્ય ફેલાવતી સંગઠિત સંસ્થાઓ અને આંદોલનો, અખબારોમાં છપાતાં ઉત્તેજનાસભર લેખો અને ટી.વી. પ્રસારણોનો એક લાંબો, એક-બીજાથી સંકળાયેલ અને અસ્ખલિત ક્રમ છે. ગૌરક્ષા, ભારત-માતા અને રાષ્ટ્રવાદ, આતંકવાદ, મુસ્લિમ વસ્તીમાં જબ્બર વધારો, લવ-જિહાદ વગેરે જેવી વિશિષ્ટ પરિકલ્પનાઓ રચવામાં આવી. આ કલ્પનાઓને ઉત્તેજિત પ્રવચનો અને ભાવનાઓને ભડકાવતા નારાઓ દ્વારા પ્રજામાં મોટા પ્રમાણમાં પ્રચારિત અને પ્રસારિત કરવામાં આવી. કૈરાના જેવા ડ્રામાઓનું ચોક્કસ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. સમજી-વિચારીને ‘મુસલમાનોથી મુક્ત ભારત’નું સૂત્ર વ્યાપક રીતે ફેલાવવામાં આવ્યું.ધર્મ-પરિવર્તન વિશે દેશમાં ઘણી જગ્યાએ ખ્રિસ્તીઓ વિરુદ્ધ વાતાવરણ દૂષિત કરવામાં આવ્યું, અને આ બધી વાતોને મીડિયામાં એ રીતે વારંવાર દોહરાવવામાં આવે છે કે નફરતનું ઝેર આખા દેશમાં ફેલાતું જઈ રહ્યું છે.

આ દુષ્ટતા અને ઉપદ્રવનો મૂળ હેતુ એ છે કે સમાજમાં બહુમતી અને લઘુમતીઓ બે તદ્દન અલગ જૂથોમાં વહેંચાઈ જાય. બહુમતી પોતને લઘુમતીથી અલગ કરી લે, લઘુમતીઓને તેઓ પરાયા-પારકાં અને અજાણ્યા સમજે, દરેક સમસ્યા માટે લઘુમતીઓને જવાબદાર માનવા લાગે. તેમને લઘુમતીઓથી સંબંધિત તમામ બાબતોને ભિન્ન અને જુદી જાતના, શક, દુશ્મની અને નફરતના વિશિષ્ટ ચશ્માઓથી જોવાની આદત પડી જાય. ‘પોતાનાં’ અને ‘પારકાં’નો આ ભેદ એટલો મજબૂત થઈ જાય કે બોઈ બીજા સમુદાય કે વર્ગથી સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ પર મોટામાં મોટો  નૃશંસ અત્યાચાર પણ કોઈ બેચેની અને વિહ્વળતા પેદા ન કરે, તેમની કઠોરમાં કઠોર તકલીફ માટે કોઈ સંવેદના ઊભી ન થાય અને તેમની તદ્દન યોગ્ય અને ન્યાયોચિત વાત પણ સમજમાં ન આવે.

એક બાજુની સાંપ્રદાયિકતા, બીજી બાજુની સાંપ્રદાયિકતાને પ્રોત્સાહિત કરે છે, અને ક્રિયા-પ્રતિક્રિયાના અવિરત ચાલતા ક્રમના પરિણામે એવી સનસનીખેજ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે બંને સમુદાયો દરેક મામલાને પોત-પોતાનાં વિશિષ્ટ સાંપ્રદાયિક ચશ્માઓથી જોવા લાગે છે, અને એક-બીજાથી ભાવનાત્મક અને માનસિક રીતે એટલા બધા દૂર થઈ જાય છે કે પરસ્પર વિચાર-વિમર્શ અને સંવાદ પણ અસંભવ બનવા લાગે છે. દુનિયાના ઇતિહાસમાં આ પ્રકારનાં અત્યંત ખરાબ વર્ગીય અને કોમી ખાઈઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. આ પ્રકારની ખાઈઓ દેશ માટે ખૂબ સખત અને ભયંકર વિનાશ સર્જે છે. અફસોસની વાત એ છે કે કેટલાક લોકો આપણા દેશને કોમવાદ અને સાંપ્રદાયિકતાનાં આ નર્કમાં જોવા માગે છે.

દેશની પરિસ્થિતિનું વિશ્લેષણ એ દર્શાવે છે કે રાજકીય મતભેદો છતાં આજે પણ દેશમાં સામાજિક સ્તરે આ પરિસ્થિતિ ઊભી નથી થઈ અને સામાન્ય રીતે હિંદુઓ અને મુસલમાનો હળી-મળીને જ રહે છે. પરંતુ એ વાતમાં સંદેહ નથી કે આ સુખદ સ્થિતિ ખૂબ ઝડપથી અધોગતિ તરફ આગળ વધી રહી છે, અને દેશના કેટલાય રાજ્યોમાં બે સમાજો વચ્ચેની ખાઈ દિવસે-દિવસે ઊંડી થતી જઈ રહી છે.

આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. જેમ કે દેશના અગ્રણી વૈજ્ઞાાનિકોએ દેશના રાષ્ટ્રપતિના નામે એક પત્રમાં લખ્યું છે – આ પ્રકારના સાંપ્રદાયિક ભેદભાવ અને વિભાજનની સ્થિતિ એક પ્રકારનો ન્યૂક્લીયર બોંબ છે, જે ફાટવાના અણી પર છે. આવશ્યકતા એ છે કે તેની સમયસર નોંધ લેવામાં આવે અને એવા પગલાઓ લેવામાં આવે, જેનાથી બે સમુદાયો વચ્ચે આ વધતી અને ઊંડી થતી જતી ખાઈને પૂરવામાં આવે અને પારસ્પારિક વિશ્વાસ અને સૌહાર્દના વાતાવરણને બહાલ કરવામાં આવે.

આ પ્રકારના સાંપ્રદાયિક ભેદભાવ અને વૈમનસ્યની આગથી સૌથી વધારે જે ઈંધણથી ભડકે છે, તે સંવાદના અભાવ (Communication Gap)નું ઈંધણ છે. બંને સમુદાયો વચ્ચે વિચારો અને સંવાદનું પ્રત્યક્ષ આદાન-પ્રદાન ઓછું હોય છે (અથવા ઓછું કરી દેવામાં આવે છે) અને એક-બીજા વિશે તેમની માહિતી એવા ગૌણ અથવા અપ્રત્યક્ષ માધ્યમો અને સાધનો પર આધારિત થઈ જાય છે, જે પોતાના હિતો અને સ્વાર્થો માટે સચ્ચાઈઓ અને તથ્યોને તોડી-મરોડીને અને વિશિષ્ટ બીબામાં ઢાળીને પરિવર્તિત કરે છે. આ અપ્રત્યક્ષ અને ગૌણ સાધનો અને માધ્યમોમાં રાજકીય અને રાજકીય આગેવાનોના ઉત્તેજિત ભાષણો સિવાય એક મોટું માધ્યમ ઇલેક્ટ્રોનિક મીડિયા છે, અને હવે સોશ્યલ મીડિયા પણ ગેરસમજો, ભ્રમણાઓ, અફવાઓ અને ઉત્તેજનાઓને ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

જરૃર એ વાતની છે કે હિંદુઓ, મુસલમાનો અને અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક જૂથો અને વર્ગો વચ્ચે દરેક સ્તરે પ્રત્યક્ષ, વ્યાપક અને નિરંતર પારસ્પારિક સંવાદ (Communication)ની વ્યવસ્થા ઊભી થાય. આ પારસ્પારિક સંવાદ ઉચ્ચ નેતૃત્વ અને બુદ્ધિજીવી સ્તરે પણ થાય તથા ગામે-ગામ, મહોલ્લાઓ અને કોલોનીઓ અને વોર્ડોના જમીની સ્તરે પણ થાય. આ પ્રકારના પારસ્પારિક સંવાદની સ્થાયી એકમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આવશ્યકતા પડે તો પરસ્પરની ગેરસમજોને સમયસર અને પ્રસંગોચિત દૂર કરી લેવામાં આવે.

એ વાતની પણ આવશ્યકતા છે કે સમસ્યાની ગંભીરતાનું દેશવાસીઓને ભાન કરાવવામાં આવે. સાંપ્રદાયિકતા અને કોમવાદ અને પારસ્પારિક વૈમનસ્યના ઝેરે હાલ દુનિયાની ઘણી જગ્યાઓને નર્ક બનાવી રાખેલ છે. કેટલાક દેશો સંગીન વર્ગ-વિગ્રહનો ભોગ બનેલ છે અને આ આગ ત્યાં હવે કોઈના કાબૂમાં નથી આવી રહી. ભારત જેવા બહુ-સાંસ્કૃતિક અને વિશાળ દેશમાં આ આગ ભડકશે, તો સૌને પોતાની લપેટમાં લઈ લેશે. આનાથી લઘુમતીઓના સપનાઓ તો તૂટશે જ, પણ તેના સાથે  બહુમતીના પણ સપનાઓ તૂટશે. તેથી આ સમયની માંગ છે કે આ વાત ભારપૂર્વક દેશવાસીઓની સામે આવે. લોકોનો રાજકીય દૃષ્ટિકોણ ગમે તે હોય, પરંતુ સામાજિક સ્તરે સાંપ્રદાયિકતાના સામના માટે બધા જ એક અને સંગઠિત થઈને આગળ આવે.

હિંસક સાંપ્રદાયિકતાનું એક અનિવાર્ય પરિણામ એ નીકળે છે કે કાનૂન બિનઅસરકારક અને કાનૂનની વ્યવસ્થા નબળી પડી જાય છે. સાંપ્રદાયિકતાનું ઝનૂનમાં લોકો કાનૂન હાથમાં લેવા લાગે છે, તથા પક્ષપાત અને ઉત્તેજિત ભાવનાઓમાં સમાજ તેને સહન કરવા લાગે છે; ત્યાં સુધી કે કાનૂનની પકડ વધારે-ને-વધારે નબળી પડવા લાગે છે, અને દેશમાં અરાજકતા અને અવ્યવસ્થા ફેલાઈ જાય છે. દેશવાસીઓને એ વાત સમજાવવાની જરૃર છે કે આ વલણ અને વર્તન આખા દેશ માટે સંગીન જોખમ છે. કાનૂનની સરકાર કોઈપણ સભ્ય સમાજની મહત્ત્વપૂર્ણ આધારશીલા હોય છે અને કાનૂનને હાથમાં લેવાના વિઘાતક વલણનો સામનો કરવો એ સમગ્રપણે આખા સમાજની જવાબદારી છે.

એ પણ જરૂરી છે કે સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતા અને સૌહાર્દ પેદા કરવા માટે બધા વર્ગોના પ્રભાવી આગેવાનોને આગળ વધારવામાં આવે. બુદ્ધિજીવીઓ તેમજ સામાજિક અને ધાર્મિક આગેવાનો, વિદ્યાર્થીઓ અને નવયુવાનો અને મહિલા આગેવાનો, પત્રકારો, વકીલો – આ સૌને સક્રિય કરવામાં આવે અને તેઓ સાંપ્રદાયિક સદ્ભાવ અને સંવાદિતા, પારસ્પારિક વૈચારિક આદાન-પ્રદાન અને વિશ્વાસના વાતાવરણને બહાલ કરવાની કોશિશ કરે. મીડિયા અને સોશ્યલ મીડિયામાં પણ માનવીય અંતરાત્માને જગાડવામાં આવે અને બતાવવામાં આવે કે વૈમનસ્ય, ઉત્તેજના અને ભ્રમણાઓ તથા અફવાઓને પ્રોત્સાહન આપવાની રમત આગ સાથે રમત છે.

ઇસ્લામ વૈચારિક અને આચરણની સ્વતંત્રતાને માને છે. તે ધાર્મિક બળજબરી, હિંસા અને અસહિષ્ણુતાનો વિરોધી છે. ઇસ્લામની દૃષ્ટિએ દરેક મનુષ્યને આસ્થા અને ધર્મની સ્વતંત્રતા પ્રાપ્ત છે અને આ જ સ્વતંત્રતા દ્વારા તેની પરીક્ષા પણ અપેક્ષિત છે. ઇસ્લામ ઇચ્છે છે કે વૈચારિક, દૃષ્ટિકોણ સંબંધી અને ધાર્મિક મતભેદો પર ખુલ્લા વાતાવરણમાં ગંભીરતાથી ચર્ચા અને વાર્તાલાપ થાય અને સત્ય અને સચ્ચાઈને પામવાનો પ્રયાસ કરવામાં આવે, અને આ સદર્ભમાં કોઈ જોર-જબરજસ્તી કે બળજબરી ન કરવામાં આવે.

ઇસ્લામની આ શિક્ષાઓના પ્રકાશમાં ‘જમાઅતે ઇસ્લામી હિંદ’ હંમેશા ભેદભાવ, સંકીર્ણતા અને ધર્મના નામે હિંસાની વિરોધી રહી છેઅને તેણે હંમેશા દેશમાંથી આ બૂરાઈઓને દૂર કરવાનો સંઘર્ષ કર્યો છે. અત્યારે પરિસ્થિતિની સંગીનતાને જોતાં એક અભિયાનના સ્વરૃપે આ કાર્ય કરવાનો તેમજ દેશવાસીઓને શાંતિ અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ રીતે ‘શાંતિ અને માનવતા અભિયાન’ સમગ્ર દેશમાં ૨૧ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે.

આ કેવળ ઔપચારિક પ્રકારનું જાગૃતિ અભિયાન નથી, બલ્કે આનું લક્ષ્ય સમાજમાં કેટલાક સ્થાયી અને વિશિષ્ટ પરિવર્તન લાવવાનું છે. દેશના અંતરાત્માને અપીલ કરવાનો અને તેને ઝંઝોડવાનો પણ તેનો ઉદ્દશ્ય છે. પરંતુ તેનાથી આગળ વધીને અભિયાનનું લક્ષ્ય એ પણ છે કે કેન્દ્રથી લઈને સ્થાનિક સ્તર સુધી એવા સ્થાયી એકમો અને સંસ્થાઓની સ્થાપનાની દિશામાં આગળ વધવાનો આરંભ થઈ જાય અને એવી પરંપરાઓને પ્રચલિત કરવાનું શરૃ થઈ જાય, જે આ જોખમના કાયમી સામનામાં સહયોગી પુરવાર થાય.

અલ્લાહ આપણી મદદ કરે અને આ અભિયાનને તેના હેતુઓની પ્રાપ્તિ માટે માધ્યમ બનાવે. (આમીન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments