Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નફરત ફેલાવતા સંગીતનો વેપાર: અહેવાલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નફરત ફેલાવતા સંગીતનો વેપાર: અહેવાલ

જરા કલ્પના કરો કે તમે યુટ્યુબ (YouTube) કે સ્પોટિફાય (Spotify) ખોલો અને તમને એક એવું ગીત જોવા મળે જેમાં માત્ર તમારા ધર્મના કારણે તમને ‘દેશદ્રોહી’ કે ‘ઘૂસણખોર’ ચિતરવામાં આવ્યા હોય. એટલું જ નહીં, આ ગીત લાખો લોકો સાંભળી રહ્યા હોય અને તેનાથી ગીત બનાવનાર તેમજ તેને પ્રસારિત કરનાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તગડી કમાણી કરી રહ્યા હોય. ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટ’ (Center for the Study of Organized Hate) ના તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં ઝડપથી વધી રહેલી ‘હિંદુત્વ હેટ મ્યુઝિક’ (નફરત ફેલાવતા સંગીત) ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બરાબર આવું જ થઈ રહ્યું છે. આ રિપોર્ટમાં મુખ્ય સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા કોઈ એકાદ-બે નહીં, પરંતુ પૂરા ૫૨૩ હિંદુત્વ પૉપ ગીતોની ઓળખ કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર, આ ગીતો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નફરત, અમાનવીયતા અને અસંખ્ય કિસ્સાઓમાં ખુલ્લેઆમ હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યા છે. લાંબા સમયથી હિંદુત્વ પ્રેરિત સંગીતનો ઉપયોગ હિંદુ રાષ્ટ્રવાદી ધ્રુવીકરણ અને સાંસ્કૃતિક અભિયાનો માટે થતો આવ્યો છે. પરંતુ વિવેચકોનું માનવું છે કે, હવે આ સંગીત લઘુમતી (ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ) વિરુદ્ધ નફરતભર્યા વાતાવરણને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે સમાજમાં વૈમનસ્ય અને દુશ્મનાવટ વધારવાનું મુખ્ય કારણ બન્યું છે.

કરોડોમાં વ્યુઝ અને લાખો રીલ્સ

આ અભ્યાસ દર્શાવે છે કે આ ગીતોએ બહુ મોટો શ્રોતાવર્ગ મેળવી લીધો છે. માત્ર યુટ્યુબ પર જ આ ગીતોને ૧૯.૮ કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ ગીતોનો ઉપયોગ કરીને ૫૯ લાખથી વધુ રીલ્સ બનાવવામાં આવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આશરે દર બેમાંથી એક ગીત ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ સીધી હિંસા ભડકાવવાનું કામ કરે છે. અહેવાલમાં આવા ૨૧૦ ગીતો યુટ્યુબ પર, ૧૦૯ સ્પોટિફાય પર, ૧૦૩ મેટા (Meta) ની મ્યુઝિક લાઇબ્રેરીમાં અને ૧૦૧ ગીતો એપલ મ્યુઝિક (Apple Music) પર હોવાનું સામે આવ્યું છે.

પ્લેટફોર્મ્સની નીતિઓ અને બેવડું વલણ

વિરોધાભાસ એ છે કે, આ તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સની પોતાની સ્પષ્ટ નીતિઓ (Policies) છે, જે ધર્મના આધારે નફરત, અમાનવીયતા કે હિંસા ફેલાવતી સામગ્રી પર સખત પ્રતિબંધ મૂકે છે. તેમ છતાં, અહેવાલ દાવો કરે છે કે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ સેંકડો ગીતો હજુ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે, લાખો વ્યુઝ મેળવી રહ્યા છે અને કમાણી કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, તપાસવામાં આવેલા ૨૨૫ ગીતોના સેમ્પલમાંથી પ્લેટફોર્મ્સ દ્વારા માત્ર ૮% ગીતો જ હટાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ગીતો મહિનાઓ પછી પણ જાહેરાતો દ્વારા કમાણી (Monetization) કરી રહ્યા છે.

વૈશ્વિક બ્રાન્ડ્સ અને મોટી સંસ્થાઓ સહિત ૧૦૦થી વધુ કંપનીઓની જાહેરાતો આ નફરત ફેલાવતા વીડિયો પર જોવા મળી છે. સેન્ટરના જણાવ્યા અનુસાર, આમાંના ઘણા વીડિયો યુટ્યુબના ‘ફેન ફંડિંગ’ (Fan Funding) ફીચર માટે પણ યોગ્ય ઠર્યા છે, જેનાથી કન્ટેન્ટ ક્રિએટર્સ દર્શકો પાસેથી સીધી આર્થિક મદદ મેળવી શકે છે.

અહીં પ્લેટફોર્મ્સનું બેવડું વલણ (Double Standard) સ્પષ્ટપણે જોવા મળે છે. સત્તા સામે સવાલ ઉઠાવતા, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કે સામાજિક અન્યાયની ચર્ચા કરતા કન્ટેન્ટને નીતિઓના ઉલ્લંઘનના બહાને અવારનવાર ફ્લેગ કે પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. પરંતુ, બીજી તરફ લઘુમતીઓ વિરુદ્ધ નફરત અને હિંસા ફેલાવતા ગીતોને સતત હોસ્ટ કરવામાં આવે છે, લોકોને જોવાની ભલામણ (Recommend) કરાય છે અને તેમાંથી કમાણી પણ ચાલુ રાખવા દેવાય છે.

કડક પગલાં લેવા અપીલ

આ અહેવાલમાં યુટ્યુબ, મેટા, સ્પોટિફાય અને એપલ મ્યુઝિકને સખત અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવે, પોતાના જ બનાવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને નફરત તેમજ હિંસાને પ્રોત્સાહન આપતા આવા કન્ટેન્ટનું મોનેટાઇઝેશન (કમાણી) તાત્કાલિક ધોરણે બંધ કરે.

સાભારઃ Maktoob Media


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments