ડંકનાદ
કોક્રોચ જનતા પાર્ટીના યુવાનો અને સમાજહિત ચિંતક સોનમ વાંગચુકના ઉપવાસ અને સત્તાધારી વર્ગની પોલીસ દ્વારા ફેલાવાયેલા આતંકના જંતરમંતર પરના દ્રશ્યો જોઈને, ભારતનો નાગરિક આઝાદી વિશે વિચાર કરવા મજબૂર બન્યો હોય એવું લાગે છે. લોકો વિચારવા લાગ્યાં છે કે આઝાદ ભારતમાં આપણી વ્યથાઓ અને આપણી પીડાઓ બાબતે આપણે બોલતાં કેમ નથી? બોલીએ તો પોલીસ આપણને કેમ અટકાવે છે? પોલીસ ભારતની નાગરિક કહેવાય કે નહીં? વગેરે…. વગેરે….
કેટલાંક વર્ષોથી ભારતના ન્યાયતંત્રોમાંથી અદાલતોને વારંવાર કહેવું પડ્યું છે કે રસોડાની બહેનોને ખબર પડે છે કે કૂકરની સીટી વાગશે નહીં તો કૂકર ફાટશે એ ખબર દેશનું શાસન કરતી સરકારને કેમ પડતી નથી? હજુ હમણાં મુંબઈની વડી અદાલતના એક ન્યાયાધીશને કહેવું પડ્યું કે સરકારનો વિરોધ કરવો એ નાગરિકનો અધિકાર છે. એવો વિરોધ કરવા બદલ એના પર હદપારીના પગલાં ન લઈ શકાય.
કેટલીક ગેરસમજો દૂર કરવાની ખાસ જરૂર છે. ચૂંટાયેલી સરકાર અવશ્ય મહત્વની છે, પણ એ સર્વેસર્વા બની જાય અને એની સામે બોલી ન શકાય તો એ લોકશાહી નથી. રશિયા અને ચીનમાં લોકશાહી નથી, ભારતમાં લોકશાહી છે. બંનેની સ્થિતિ જુદી છે એવું લોકોને લાગવું જોઈએ અને અનુભવાવું પણ જોઈએ.
એ જ રીતે આપણે સરકારી કર્મચારી અને જાહેર સેવક આ બે વચ્ચે પણ બહુ ગોટાળો કર્યો છે. સરકારમાં નિમણૂક પામતો પ્રત્યેક જણ એ જાહેર સેવક છે. એણે પ્રજાની સેવા કરવાની છે, સરકારની નહીં. જાહેર સેવકના વળી બે વિભાગો છે : એક ચૂંટાયેલો અને બીજો નિમણૂક પામતો. સરકાર નિશ્ચિત એવા મર્યાદિત સમય માટે હોય છે. કર્મચારીગણની આ સમયમર્યાદા ચૂંટાયેલા જાહેર સેવક કરતાં ઘણી લાંબી હોય છે. સરકારમાં નિમણૂક પામતા કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિમણૂક પત્રો આપતા થયા છે, એ પરંપરા એક પ્રકારની ગેરસમજ ફેલાવે છે અને એને મજબૂત કરે છે, આ તત્કાળ બંધ થવું જોઈએ.
નિમણૂક પામતો જાહેર સેવક પ્રસ્થાપિત નિયમો અને કાયદાઓથી બંધાયેલો છે. કાયદા-નિયમોની મર્યાદામાં રહીને નાના કે મોટા કર્મચારી કે અધિકારીએ પોતાની કામગીરી કરવાની છે. ચૂંટાયેલા જાહેર સેવકોનું કામ બંધારણની મર્યાદામાં નીતિઓ ઘડવાનું છે, જેનો વહીવટી તંત્રે સુચારુ રીતે અને સૌજન્યપૂર્વક અમલ કરવાનો છે.
ચૂંટાયેલો કે નિમાયેલો જાહેર સેવક એ પ્રજાનો સેવક છે પણ તે બધા જ પ્રજાના ‘બોસ’ બની બેઠા છે. આઝાદ ભારતમાં કોઈ કોઈનો ‘બોસ’ હોઈ ન શકે. અમેરિકાના પ્રમુખને એના કર્મચારીઓ કે નાગરિકો ‘સર’ સંબોધનથી સંબોધતા નથી, એ પ્રજાનો સેવક છે કારણ કે દેશમાં લોકશાહી છે.
ભારતની લોકશાહી સામંતવાદી લક્ષણો-વ્યવહારોથી મુક્ત થઈ શકતી નથી. આપણી સર્વોચ્ચ અદાલત વારંવાર કહે છે કે વીઆઈપી અને વીવીઆઈપી એ લોકશાહી વિરોધી શબ્દો છે. સરકાર પોતે અસમાનતા ઊભી કરે તો એ પણ બંધારણ વિરુદ્ધનું, લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે.
આપણી શાળામાં નાગરિક શાસ્ત્ર નામનો વિષય હોય છે. એ કેવી રીતે ભણાવાય છે તે સમજાતું નથી. ઉશ્કેરણીજનક રીતે ભણાવવાનું નથી, પણ પ્રત્યેકનું સ્થાન-મર્યાદા બરાબર સમજાવવાની છે. જેમ પ્રજા કાયદા વિરુદ્ધ ન વર્તી શકે તે જ પ્રમાણે સરકારે પણ બંધારણની મર્યાદામાં રહેવું ઘટે. બંધારણીય મૂલ્યો આ છે જે પ્રત્યેક નાગરિકે જાણવાં જોઈએ. કોઈએ પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. તે સાથે, ચૂંટાઈ ગયા એટલે સરકારે નાગરિકોને ડરાવવાના પણ નથી. પ્રત્યેક નાગરિક પોતાના બંધારણીય અધિકારોનો નિયત મર્યાદામાં ઉપભોગ કરી શકે તેવું વાતાવરણ આખા દેશમાં સ્થાપિત થાય એ મોટી ફરજ બધાની છે.
રમતના નિયમો જ્યારે પળાતા નથી ત્યારે અવશ્ય અંધાધૂંધી ફેલાય છે. એ ન થાય એ માટે અમ્પાયર રાખવા પડે છે. વિધાનસભા કે લોકસભામાં સ્પીકરની ભૂમિકા અમ્પાયરની છે. આખા દેશમાં એ ભૂમિકા અદાલતોના ન્યાયાધીશોની છે. આ ભૂમિકા જ્યારે યથાયોગ્ય રીતે ભજવાતી નથી ત્યારે અરાજકતાનો માહોલ પેદા થતો હોય છે, એવી અરાજકતા ન ફેલાય એ જોવાની ફરજ હર કોઈની છે.
ક્રાંતિકારીઓએ અને અહિંસક સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે જે ભોગ આપ્યો તે આઝાદ ભારતમાં જન્મેલા બીજા લોકોને આપવો પડ્યો નથી. એમની ફરજ અને જવાબદારી હવે એ બને છે કે આગળની પેઢીના બલિદાનો એળે ન જાય. ભારતની લોકશાહી મજબૂત અને કાયમી બને એમાં હવે નવી પેઢીએ યોગદાન આપતાં રહેવાનું છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ જણાવ્યું હતું એટલે પ્રત્યેક નાગરિકનું સ્વરાજ ઝંખ્યું હતું. સમય આવી પહોંચ્યો છે કે જ્યારે આપણે આત્મચિંતન કરીએ કે હું મારી ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવું છું કે કેમ? આ જાગૃતિ, આ ભાવના જો વ્યાપક નહીં બને તો દેશની લોકશાહી સામે ખતરો જરૂર છે. આપણે સભાન બનીએ.
