Homeકેમ્પસ વોઇસનવી દિલ્હીમાં 'અન નૂર લિટરેચર ફેસ્ટિવલ ૨૦૨૬' સંપન્ન: 'Towards a New Dawn'-...

નવી દિલ્હીમાં ‘અન નૂર લિટરેચર ફેસ્ટિવલ ૨૦૨૬’ સંપન્ન: ‘Towards a New Dawn’- ‘નયા પ્રભાત’ સાથે કંડારાયો નવો રાહ

નવી દિલ્હી: સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા રવિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નવી દિલ્હી સ્થિત જમાઅતે ઇસ્લામી હિન્દ કેમ્પસમાં ‘અન નૂર લિટરેચર ફેસ્ટિવલ ૨૦૨૬’ની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. ‘ટુવર્ડ્સ અ ન્યૂ ડૉન’ (એક નવી પરોઢ તરફ)ની મુખ્ય થીમ પર કેન્દ્રિત આ બે દિવસીય (૨૬–૨૭ સપ્ટેમ્બર) સાહિત્યિક ઉત્સવમાં દેશભરમાંથી ૨,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ અને ૫,૦૦૦થી વધુ જિજ્ઞાસુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધિક આદાન-પ્રદાન, ગહન ચિંતન અને સામાજિક મનોમંથન માટે એક પ્રેરક મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ મહોત્સવમાં ઇસ્લામિક વારસો, તત્વચિંતન, સાહિત્ય, કલા અને સભ્યતાના ઐતિહાસિક યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ સમાંતર મંચો પર આયોજિત આ સમારોહમાં વ્યાખ્યાનો, વર્કશોપ, પેનલ ચર્ચાઓ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને કલા પ્રદર્શનોની અવિરત હારમાળા જોવા મળી હતી.

આ ફેસ્ટિવલનું વિધિવત્ ઉદ્ઘાટન જમાઅતે ઇસ્લામી હિન્દ (JIH)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીના બીજરૂપ વક્તવ્યથી થયું હતું, જેમાં તેમણે ‘ટુવર્ડ્સ અ ગ્રામર ઓફ લિબરેશન: થિંકિંગ ઇસ્લામ ઇન ધ પોસ્ટમોર્ડન કંડિશન’ વિષય પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. SIOના રાષ્ટ્રીય મહાસચિવ એડવોકેટ અનીસ રહેમાને ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરતાં આ બીજી આવૃત્તિ પાછળના મુખ્ય હેતુને સ્પષ્ટ કર્યો હતો અને દેશભરમાંથી સંગઠનના કાર્યકર્તાઓ તરફથી મળેલા અપાર ઉત્સાહ અને સમર્થનની સરાહના કરી હતી. આ બે દિવસીય ઉત્સવમાં સાંસદ મોહિબુલ્લાહ નદવી, પ્રો. નિવેદિતા મેનન, પ્રો. શાફે કિદવાઈ, પ્રો. અમિતાભ કુંડુ, ડૉ. આમિરુલ્લાહ ખાન, ડૉ. ગઝાલા જમીલ, સ્વતંત્ર પત્રકાર કુણાલ પુરોહિત અને ફિલ્મ નિર્માતા નકુલ સાહની સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણી વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લેખકો, રાજકારણીઓ, શિક્ષણવિદો, વિદ્વાનો, પત્રકારો, કલાકારો, બુદ્ધિજીવીઓ તેમજ નાગરિક સમાજના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતા.

ગંભીર વિમર્શના ભાગરૂપે આયોજિત “જ્યારે સંરક્ષણની છેલ્લી હરોળને પડકારવામાં આવે: વક્ફ, મદરેસા અને મસ્જિદનું ભવિષ્ય” શીર્ષક હેઠળના એક અગત્યના સત્રમાં અગ્રણી નેતાઓ અને સમુદાયના પ્રતિનિધિઓએ ભારતમાં ઇસ્લામિક સંસ્થાઓ સામે ઊભા થયેલા નીતિગત અને માળખાકીય પડકારો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તલ્હા મન્નાન દ્વારા સંચાલિત આ પરિસંવાદમાં સાંસદ મોહિબુલ્લાહ નદવી, મલિક મોઅતસિમ ખાન અને ડૉ. એસ.ક્યૂ.આર. ઇલ્યાસે સંબોધન કર્યું હતું. એ જ રીતે સચ્ચર કમિટી રિપોર્ટ (૨૦૦૬)ના બે દાયકા પૂર્ણ થવા નિમિત્તે ડૉ. કાશિફ મન્સૂરના સંચાલન હેઠળ યોજાયેલી ચર્ચામાં પ્રો. અમિતાભ કુંડુ, ડૉ. અબુ સાલેહ શરીફ અને આમિરુલ્લાહ ખાને આ અહેવાલના પ્રભાવ, લઘુમતીઓની વર્તમાન સામાજિક સ્થિતિ અને પ્રાદેશિક અસમાનતાઓનું વિશ્લેષણ કર્યું હતું. આમિરુલ્લાહ ખાને રાષ્ટ્રીય પ્રવાહની તુલનાએ તીવ્ર સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો, જ્યારે પ્રો. કુંડુએ માળખાકીય ભેદભાવને ઉજાગર કરવા માત્ર દલીલોના બદલે આંકડાકીય તથ્યો અને પુરાવાઓની અનિવાર્યતા દર્શાવી હતી.

શિક્ષણ અને સત્તાના સંબંધો પર પ્રકાશ પાડતાં “ભારતીય જ્ઞાન કોનું ગણાય? શિક્ષણ, અભ્યાસક્રમ અને સત્તાનું પુનર્ગઠન” વિષયક સત્રમાં ફવાઝ શાહીન સાથેના સંવાદ દરમિયાન પ્રો. નિવેદિતા મેનને શિક્ષણ નીતિ, બિનસાંપ્રદાયિકતા અને બિન-વસાહતીકરણ (decolonization)નું વિવેચનાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તેમણે સત્તાવાર રીતે સ્થાપિત જ્ઞાનના દાવાઓ સામે સાવચેત રહેવા અનુરોધ કરતાં નોંધ્યું હતું કે આપણી પાસે જે સહજ ભાષા છે તે લોકશાહીની છે, તેમજ સામાજિક સંઘર્ષ અને સંવાદની નિરંતર પ્રક્રિયા તરફ નિર્દેશ કરતાં ઉમેર્યું હતું કે આ કોઈ પૂર્ણવિરામ નથી પણ એક અલ્પવિરામ છે. અન્ય એક મહત્વપૂર્ણ ચર્ચામાં સ્વતંત્ર પત્રકાર અને લેખક કુણાલ પુરોહિતે નફરત ફેલાવતાં ગીતો અને પોપ કલ્ચર દ્વારા સમાજમાં વેરભાવ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ કઈ રીતે ફેલાવવામાં આવે છે તેની વિગતો આપી હતી. તેમણે ડિજિટલ મંચો દ્વારા નફરતભર્યા કન્ટેન્ટના મોનેટાઇઝેશન (આર્થિક લાભ) તરફ ધ્યાન દોરીને બહુસાંસ્કૃતિક સહઅસ્તિત્વની પુનઃસ્થાપના માટે સાંસ્કૃતિક હિંસા સામે લડવાની તાતી જરૂરિયાત દર્શાવી હતી.

વૈચારિક સત્રો અંતર્ગત ફરહાન સૈફીના સંચાલનમાં યોજાયેલ “ડૉ. અબ્દુલ હક અન્સારીનું વાંચન: સૂફીવાદ અને શરિયા” સત્રમાં ડૉ. ખાન યાસિર અને ડૉ. મુહમ્મદ મુશ્તાક તજરવીએ તસવ્વુફ અને શરિયા વચ્ચે રહેલા સુમેળ અને સામંજસ્યનું સુંદર વિશ્લેષણ પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત જાણીતા વિદ્વાન ડૉ. હસન રઝાએ ઇસ્લામિક સૌંદર્યશાસ્ત્ર, સાહિત્ય અને ઉત્તર-આધુનિકતાવાદ વિષય પર પોતાનું વિશેષ વક્તવ્ય આપ્યું હતું. મહિલાઓના વિષય પર યોજાયેલ “વિધીન એન્ડ અગેઇન્સ્ટ: મુસ્લિમ મહિલાઓ, સ્વાયત્તતા અને સત્તાના માળખાં” નામના પરિસંવાદમાં યુસરા હસનના સંચાલન હેઠળ ડૉ. અંબરીન આગા અને શાયમા એસ. દ્વારા શોષણ વિરુદ્ધ સ્વતંત્રતાના રૂઢિચુસ્ત વિચારોને પડકારીને વિવિધ સામાજિક પરિવેશમાં મુસ્લિમ મહિલાઓની નૈતિક અને સામાજિક સક્રિયતા તથા સ્વાયત્તતાને ઉજાગર કરવામાં આવી હતી. આ સાથે ડૉ. રોશન મોહિદ્દીનના સંચાલન હેઠળ મુહમ્મદ સાજિદ, ઝરીન ખાન અને સુપ્રિયા જોશીએ કઠોર પરીક્ષાલક્ષી શિક્ષણ પ્રણાલીના સ્થાને સહાનુભૂતિ, જિજ્ઞાસા અને વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત લવચીક અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિ અપનાવવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. આ ઉપરાંત નાગરિક સ્વાતંત્ર્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી, મીડિયામાં રજૂઆત, પર્યાવરણીય દર્શન અને લોકજ્ઞાન વ્યવસ્થાઓ જેવા પ્રાસંગિક વિષયો પર પણ ગહન ચર્ચાઓ થઈ હતી.

બૌદ્ધિક વિકાસ અને કૌશલ્ય નિર્માણના હેતુથી ફેસ્ટિવલમાં ત્રણ વિશેષ પ્રાયોગિક વર્કશોપ પણ યોજવામાં આવી હતી. જેમાં અદનાન સફીએ ફિલ્મ નિર્માણ અને પટકથા લેખન (સ્ક્રીનરાઇટિંગ) પર કાર્યશાળા લીધી હતી, જ્યારે ડૉ. ઇરફાનુલ્લાહ ફારૂકીએ ‘મૌલાના આઝાદના વિચારો: રાજ્ય, રાષ્ટ્ર અને ધર્મ’ વિષય પર ચિંતન સત્રનું સંચાલન કર્યું હતું. ડૉ. હુઝૈફા ઓમૈર સિદ્દીકીએ ‘અલ્લામા ઇકબાલના દર્શન, સત્તા અને રાજકારણ’ વિષય પર કાર્યશાળા યોજીને આજના પરિપ્રેક્ષ્યમાં અલ્લામા ઇકબાલના વિચારોની પ્રસ્તુતતા તપાસી હતી, જ્યારે ડૉ. સુમૈરા નવાસે “મસ્જિદ સે મયખાના તક: ધર્મ, કટાક્ષ અને સાહિત્યિક આધુનિકતા” સત્રમાં મુસ્લિમ બૌદ્ધિક ઇતિહાસમાં આત્મનિરીક્ષણયુક્ત હળવા કટાક્ષની વિશિષ્ટ ભૂમિકાને રેખાંકિત કરી હતી.

વૈચારિક વિમર્શ ઉપરાંત આ મહોત્સવમાં આકર્ષક કલાત્મક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ હતી જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ગાઝાના દિવંગત પેલેસ્ટિનિયન શિક્ષણવિદ, કવિ, લેખક અને સામાજિક કાર્યકર્તા ડૉ. રિફાત અલારીરને સમર્પિત એક વિશેષ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઇસ્લામિક સભ્યતાના ઇતિહાસ, કલા, કેલિગ્રાફી અને સાહિત્યિક સીમાચિહ્નોની સાથે સાથે કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિશ્વભરના રાજકીય કેદીઓ પ્રત્યે એકતા દર્શાવવામાં આવી હતી, જે ફેસ્ટિવલની મૂળ થીમ ‘ટુવર્ડ્સ અ ન્યૂ ડૉન’નું સચોટ પ્રતિબિંબ પાડતું હતું. આ સાથે ખુર્રમ મુરાદ અને તેમની ટીમ દ્વારા અલ્લામા ઇકબાલના કાવ્યોનું ભાવવાહી પઠન, સૈયદ સાહિલ આગા દ્વારા સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના જીવન પર દાસ્તાનગોઈ (વાર્તાકથન), અને યુવા કલાકારો દ્વારા દક્ષિણ ભારતીય પારંપરિક લોકકલા ‘દફ મુત્તુ’ની પ્રભાવશાળી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય, આશા, અસ્તિત્વ અને મુક્તિની લાગણીઓને વાચા આપતા એક જીવંત મુશાયરામાં નામી અને ઉભરતા ઉર્દૂ શાયરોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. બે દિવસીય ઉત્સવનું સમાપન ડૉ. હૈદર સૈફના આધ્યાત્મિક સંગીત અને કાવ્યાત્મક સુરાવલીઓથી સભર કાર્યક્રમ ‘મેલોડીઝ ઓફ ડૉન’ દ્વારા થયું હતું, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ક્યુરેટર સૈફુલ ઇસ્લામના નિરીક્ષણો, SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ અબ્દુલ હફીઝનું સંબોધન, જમાઅતે ઇસ્લામી હિન્દના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીનું પ્રમુખીય વક્તવ્ય અને ફેસ્ટિવલ કન્વીનર ડૉ. રોશન મોહિદ્દીન દ્વારા આભારવિધિ સંપન્ન થઈ હતી. ‘અન નૂર લિટરેચર ફેસ્ટિવલ ૨૦૨૬’નું આ ભવ્ય અને સફળ આયોજન SIO ઇન્ડિયા માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થયું છે. ગહન વિમર્શ, બૌદ્ધિક પ્રતિકાર અને કલાત્મક પુનરુત્થાન માટે એક સક્ષમ મંચ પૂરું પાડીને આ ઉત્સવે સાબિત કરી દીધું કે આજના દોરમાં પરસ્પર સમજણ, સામાજિક સદભાવ, ન્યાય અને લોકતાંત્રિક સંવાદને બળવત્તર બનાવવા માટે સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો અત્યંત અનિવાર્ય માધ્યમ છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments