Tuesday, April 30, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઆત્મશુદ્ધી અને ઈમામ ઇબ્ને તીમિયા રહ.

આત્મશુદ્ધી અને ઈમામ ઇબ્ને તીમિયા રહ.

ભૂતકાળના વિદ્ધાનોમાં ઈમામ ઇબ્ને તીમિયા રહ. આધુનિક યુગમાં એક મહાન વિદ્ધવાન માનવામાં આવે છે. મનુષ્યના વ્યક્તિત્વ વિકાસમાં જે કાર્યો અમલમાં લાવવામાં આવે છે, તે પૈકી અમુક કાર્યોનું વર્ણન તેમની કિતાબોમાં મળે છે, અને અમુક કાર્યો તેમના જીવન ચરિત્રના અભ્યાસથી જાણવા મળે છે. ઈમામ સાહેબની જિંદગી અને તેમની રચનાઓ એક ઉછાળા મારતા સમુદ્ર સમાન છે. તેમાં એક ખાસ વિષય ‘તઝકિયા’ના અંતર્ગત વિચારો અને કલ્પનાઓને શોધવી એ એક મુશ્કેલ કાર્ય છે. તેમના જીવન-ચરિત્રના ઉજવળ પાનાના વિચારો અને કલ્પનાઓ કરતાં તેમની અમલી જિંદગી ‘તઝકિયા’ (આત્મશુદ્ધી), વ્યક્તિની ઉન્નતિ અને વ્યક્તિત્વ ઘડતર માટેના અગત્યના માઈલસ્ટોન તરફ વધારે માર્ગદર્શન કરે છે.

સંક્ષિપ્ત જીવન પરિચય :

ઈમામ ઇબ્ને તીમિયા રહ.નું મૂળ નામ અહમદ તકીયુદ્દીન હતું. પરંતુ તેમના ખાનદાની નામ ઇબ્ને તીમિયાના નામથી પ્રખ્યાત થયા. ઈમામ સાહેબ આજથી લગભગ ૭૭૦ વર્ષ અગાઉ હર્રાન શહેરમાં પેદા થયા. હર્રાન ઈરાકના ઉત્તરે, તુર્કસ્તાનની દક્ષિણમાં અને આરમીનિયાની પશ્ચિમમાં કુર્દ ઇલાકામાં આવેલુ હતું. ઈમામ સાહેબ કુર્દ કોમથી સંબંધ ધરાવતા હતા, જે હિંમતવાન, નીડર અને બહુ બહાદુર કોમ હતી. ઈમામ સાહેબના પિતા શહાબુદ્દીન ઇબ્ને તીમિયા ઇસ્લામના વિદ્વાન, મોહદ્દીસ, અને મુફતી હતા. ઈમામ સાહેબનો જમાનો તાતારિયોના ઉપદ્રવ અને હુમલાઓનો જમાનો હતો. જ્યારે આપ ૭ વર્ષના હતા ત્યારે આપના વાલિદ મોહતરમે ખાનદાન સહિત હિજરત કરી અને દમિશ્કમાં સ્થાયી થયા. ઈમામ સાહેબ બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી અને તેજ યાદશક્તિના માલિક હતા. આપના બાળપણનો એક મશહુર પ્રસંગ છે કે તે સમયના પ્રસિદ્ધ આલિમ ઈમામ હલ્બી દમિશ્કમાં તશરીફ લાવ્યા. તેમણે ઇબ્ને તીમિયા નામના છોકરાની યાદશક્તિ વિશે સાંભળ્યું હતું. એટલે કોઈક દરજીની દુકાને બેસી ગયા. છોકરો ત્યાંથી પસાર થયો તો તેને બોલાવ્યો. તેના હાથમાં એક મોટી સ્લેટ હતી. શેખ બલ્બીએ ઇબ્ને તીમિયાને લગભગ તેર હદીસો લખાવી. છોકરાએ તેના ઉપર એક નજર નાખી દીધી. શેખ હલ્બીએ તે સ્લેટને લઈ લીધી અને પૂછ્યું કે તમે શું લખ્યું? છોકરાએ સડસડાટ બધી હદીસો સંભળાવી દીધી. પછી શેખે બીજી વખત થોડીક સનદો લખાવી. ઇબ્ને તીમિયાએ તેને લખી દીધી. પછી સડસડાટ બધી સનદો મોઢેથી સંભળાવી દીધી. શેખ હલ્બી છોકરાને આવી યાદશક્તિ દેખીને દંગ રહી ગયા અને કહ્યુંઃ “આ છોકરો જો જીવતો રહ્યો તો મહાન સ્થાન પ્રાપ્ત કરશે. મારી નજરમાં આજ સુધી આવો કોઈ છોકરો જોવામાં નથી આવ્યો.”

વાંચન અને જ્ઞાન પ્રાપ્તિથી તેમને અપાર પ્રેમ હતો. જ્ઞાન પ્રાપ્તિ એ જ તેમની પ્રવૃતિ, તેમનું મનોરંજન અને તેમનો જીવનધ્યેય હતો. ઈમામ ઇબ્ને તીમિયા રહ.એ કઠોર મહેનત, ધ્યાન અને તલ્લિનતાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈમામ સાહેબને દીની ઇલ્મની સાથોસાથ દુનિયાના ઇલ્મથી પણ ઊંડી જાણકારી હતી. જે વિષય પર તે વાર્તાલાપ કરતા પોતાના જાણકારીથી તે વિષયના નિષ્ણાંતોને આશ્ચર્યચકિત કરી દેતા. ૨૨ વર્ષની ઉંમરે પોતાના પિતાની દર્સ (વ્યાખ્યાન)ની ગાદી પર વિરાજમાન થયા. આપના દર્સ, ફતવા, ચર્ચા-સભાઓ, દલીલો અને લેખોના કારણે આમ અને ખાસ લોકોમાં અત્યંત લોકપ્રિય બન્યા. તેમના લેખો અને ફતવાની ચોટ જ્યારે સ્વાર્થી આલિમો, દરબારીઓ અને વિદ્વાનોના હાથો ઉપર પડી તો વિરોધનો એક વંટોળ ઉભો થઈ ગયો.

ઈમામ ઇબ્ને તીમિયા રહ. ફકત કિતાબોની રચના અને દર્સની ગાદીના જ માણસ ન હતા, જેહાદના મેદાનમાં શૂરવીર લડવૈયા પણ હતા. તાતારિયોની યાશવતા ફરીથી શરૃ થઈ. તેમણે મુસ્લિમ ઉમ્મત પર હુમલો કરી દીધો. આથી ઈમામ સાહેબ તાતારિયોના જાલીમ બાદશાહ કાઝાનને મળ્યા અને તેના દરબારમાં જુસ્સાભેર અને નિડતાપૂર્વક ભાષણ કર્યું. રાત્રે શહેરના રહેવાસીઓની ચોકી પહેરો કરતા લોકોને જેહાદ ફી સબિલિલ્લાહની આયતો સંભળાવીને ધીરજ અને જેહાદન પ્રેરણા આપતા રહેતા. આપે ઇસ્લામી નગરોનો પ્રવાસ ખેડયો અને મુસ્લિમ અમીરો અને સત્તાધિશોને તાતારિયોના ઉપદ્રવ વિરૂદ્ધ ઊભા કરીને કતારબદ્ધ કર્યા. પોતે ઇલ્મી જેહાદને છાતીથી લગાવીને મેદાનમાં આવી ગયા. આ પ્રયત્નોના ફળ સ્વરૃપ મુસલમાનોને સફળતા પ્રાપ્ત થઈ. ઈમામ ઇબ્ને તીમિયા રહ.ને જેલની તલકીફો પણ સહેવી પડી, પરંતુ આ વખતે તાતારિયો તરફથી નહીં પરંતુ ખુદ મુસ્લિમ સુલતાનોના તરફથી સહેવી પડી. આપના ફતવાઓથી જે લોકોમાં વિરોધ હતો તેમણે ઈમામ સાહેબની વિરૂદ્ધ તે સમયના સુલતાનને ઉશકેર્યા. ઘણી વખત ઈમામ સાહેબની ધરપકડ કરી કારાવાસમાં કેદ કરવામાં આવ્યા. તે જુલ્મ અને સિતમના શિકાર બન્યા. પરંતુ જાલિમ સુલતાનોની સામે ઝુકવા માટે તૈયાર ન થયા. જેલની જિંદગી દરમિયાન ફુરસદ અને મુક્તિ પ્રાપ્ત થઈ તો ઈબાદત રચનાત્મક પ્રવૃત્તિઓમાં લાગેલા રહ્યા. તિલાવતે કુઆર્નમાં ખાસ પરાવાયેલા રહેતા. ફજરની નમાઝ પછી ઇશરાક સુધી ઝિકર-અઝકાર અને તોબા-અસ્તગફારમાં પ્રવૃત્ત રહેતા. આપની આ પ્રવૃત્તિને તે નાશ્તા સાથે સરખાવતા હતા અને ફરમાવતાઃ “જો હું આ નાસ્તો ન કરૃ તો મારી શક્તિ ક્ષીણ થવા લાગે છે.” એકાંત અને એકલતાનો ખૂબ લાભ ઉઠાવ્યો. તેને પોતાના માટે ને’મત સમજતા હતા. ઈમામ સાહેબ ફરમાવે છે કેઃ “મને અહીં (કારાવાસમાં) જેટલા સત્યો અને રહસ્યો પ્રગટ થયા એટલા પહેલાં ક્યારેય નથી થયા. અફસોસ! કે મેં કુઆર્નને છોડીને બીજા ઇલ્મો તરફ આટલી મહેનત કેમ કરી! જો હું આ કિલ્લાના બરાબર સોનું લૂંટાવી દઊં તો પણ અલ્લાહની આ ને’મતનો શુક્ર અદા નથી કરી શકતો. હું મારા હરીફો અને દુશ્મનોનો આભારી છું કે તેમણે મને કેદ કરાવીને ઘણો જ ફાયદો પહોંચાડયો છે. તેને બદલો ચુકવવા માટે હું અસમર્થ છું.” જેલમાં જ્યારે આપની પાસેથી કલમ અને કિતાબો ઝૂંટવી લેવામાં આવી તો આપે જેલની દીવાલો પર કોલસાથી ઘણી રચના કરી. આવી મજબૂરી અને કંઇ પણ સાધન-સામગ્રી વગરની સ્થિતિમાં પણ આપે લેખન અને રચનાત્મક પ્રવૃત્તિના કાર્યોથી પીછેહઠ કરી નહીં. ૬૮ વર્ષની ઉંમરમાં આપ જેલમાં જ કુઆર્ન મજીદની તિલાવત કરતા કરતા આ દુનિયાથી વિદાય થયા.

આપે તફસીરના વિષય પર ૧૫૨, હદીસના વિશે ૪૧, ફિકાહ અને ફતવાઓ પર ૧૩૮, ફિકાહના સિદ્ધાંતો પર ૭૮, ફિલોસોફી અને મન્તક પર ૧૭ અને વિવિધ વિષયો પર ૫૪ નાની-મોટી કિતાબોની રચના કરી. દિલોની બીમારીઓ અને તેનો ઇલાજ અને આત્મશુદ્ધિના નિયમો વિષે કિતાબોના બિશ્મોલ ૫૮૪ કિતાબોનું સુચિપત્ર સંશોધકોએ સંપાદિત કર્યું છે. ઊર્દુ ભાષામાં તેમની આશરે ૩૨ કિતાબોનો અનુવાદ થયો છે. અલ્લાહ તેમનાથી રાજી થાઓ, તેમણે બુલંદ દરજાઓથી નવાઝે અને તેમની આત્માને શાંતિ અર્પણ કરે.

ઈમામ ઇબ્ને તીમિયા રહ.ના જીવનચરિત્રનો અભ્યાસ કરવાથી નફ્સના તઝકિયા અને વ્યક્તિના વિકાસના સંદર્ભમાં ત્રણ મુખ્ય પાસા આપણી સામે આવે છે. (૧) અધ્યયન (૨) અમલનું મેદાન (૩) ઇબાદતનો શોખ.

અધ્યયન – માણસના વ્યક્તિત્વ ઘડતરમાં અધ્યયન એક મહત્વનો રોલ અદા કરે છે. કાર્ય તે જ નક્કર હોય છે જેના પાછળ જાણકારી હોય અને આ જાણકારી પ્રાપ્ત કરવા માટેનું એક અત્યંત અગત્યનું માધ્યમ કિતાબોનું અધ્યયન છે. કિતાબોના અધ્યયનથી માનવીના વિચારોનું ક્ષિતિજ ઉચ્ચ બની જાય છે. તે વસ્તુને દીર્ઘ દૃષ્ટિથી દેખવાનો આદિ બની જાય છે. વાણી અને લેખનકાર્યમાં તર્કશક્તિ અધ્યયનથી જ આવે છે. અધ્યયનથી મનુષ્ય ન ફકત માનસિક રીતે પરિપક્વ બને છે પરંતુ પોતાના દિલમાં ઉત્કંઠ લાગણીઓ અને વિનમ્રતા પેદા કરે છે. આત્મામાં ઉન્નતિ અને આચરણમાં ઉચ્ચતા વ્યવહારમાં શુદ્ધતા, અભિપ્રાયમાં મજબૂતાઈ તે સિવાય સમજણ અને વાક્ચાતુર્ય પણ મોટા ભાગે અધ્યયનને જ આભારી છે. વિચારધારા અને દૃષ્ટિકોણના મેદાનમાં તે જ વ્યક્તિ કંઇક સિદ્ધિ પ્રાપ્ત કરે છે જેમનું અધ્યયન ગહન અને વિશાળ પ્રમાણમાં હોય છે.

ઈમામ ઇબ્ને તીમિયા રહ.ની જિંદગીનું આ પાસુ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. તેમણે જ્ઞાનને પોતાનું પાથરણુ અને ઓઢણુ બનાવી દીધું હતું. જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉચ્ચ દરજ્જાના આલિમોથી લાભ પ્રાપ્ત કર્યો. ૨૦૦થી વધુ સુફી-સંતોથી ફાયદો ઉઠાવ્યો. દરેકની વાત ધ્યાનથી સાંભળતા સારી અને ખામીયુક્ત બંનેને સમાન ગણતા નહીં. શાંતિપૂર્વક ચિનાન કરતા. સંપૂર્ણ વિશ્વાસ અને આનંદ સહિત વાતનો સ્વિકાર કરતા અથવા છોડી દેતા.

સુન્નતે નબવી સલ્લ.ના વિષયમાં પ્રથમ આપે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. પછી તફસીર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ વિષયમાં આપે ગહન અભ્યાસ કર્યો. તે પોતે ફરમાવે છેઃ “એક આયતના અધ્યયન માટે તેની ૧૦૦ તફસીરો દેખુ છું પછી અલ્લાહથી દુઆ કરૃ છું કે મને કુઆર્નની સારી સમજ અતા કર. અને મારા પરવરદિગારથી અરજ કરૃં છું કે હે ઇબ્રાહીમ અલે.ના પથપ્રદર્શન મે જાણકારી અર્પણ કરે. પછી વેરાન મસ્જિદોમાં ચાલ્યો જાઉ છું. અથવા કોઈ સૂમસામ જગ્યા તરફ પ્રયાણ કરૃં છું. અને મારા ચહેરાને ધૂળમાં રગદોળીને કાકલૂદી ભરી અરજ કરૃં છું, અય મારા રબ! ઇબ્રાહીમ અલૈ.ના મોઅલ્લીમ! મને કુઆર્ન સમજવાની નેઅમત અર્પણ કરે.”

કુઆર્નની તફસીર સંબંધે જે ઉપકરણો ઈમામ સાહેબે એકઠા કર્યા છે તેને જો મુદ્રિત કરવામાં આવે તો લગભગ ૫૦ જિલ્દો થઈ જાય. (બહાવલા-શૈખુલ અલ્લામ ઇબ્ને તીમિયા રહ. અબુ ઝોહરા રહ.)

આ પછી ઈમામ સાહેબે ઉલુમે ફિકહ, ઉસુલે ફિકહ, ફને જબાનદાની, ઉલુમે ઉસુલે દીન, ફલસફા, મન્તિક અને અન્ય ધર્મોની માહિતી અને સુક્ષ્મ દૃષ્ટિથી તુલનાત્મક અભ્યાસ કર્યો. આથી જાણવા મળે છે કે ઈમામ સાહેબનો વ્યક્તિત્વ વિકાસ માટેના અભ્યાસમાં કેટલો અગત્યનો ફાળો છે. ઈમામ સાહેબે જેવી તે સમયના આલિમોથી ફાયદો પ્રાપ્ત કર્યો તેવી જ રીતે ભૂતકાળના આલિમોથી પણ લાભ પ્રાપ્ત કર્યો અને આ માટેની એક જ રીત છે અને તે છે અધ્યયન. જેના પરિણામો ઇબ્ને તીમિયા રહ.ના માટે અલ્લાહએ ઇલ્મ (જાણકારી)ને એવી રીતે મીણ જેવું બનાવી દીધું હતું કે જેવી રીતે દાઉદ અલૈ. માટે લોખંડને નરમ બનાવી દીધું હતું. (ઇમામ ઇબ્ને તીમિયા રહ. આબાદશાહપુરા)

હાફિઝ ઇબ્ને કય્યીમ રહ.એ લખ્યું છે કે ઇમામ ઇબ્ને તીમિયા રહ.એક વખત બીમાર થયા. તબીબે કહ્યું કે અધ્યયન કરવાનું છોડી દો નહીંતર રોગ વધી જશે. ઇમામ સાહેબે કહ્યુંકેઃ “એ મુશ્કેલ છે. અધ્યયનથી મને રાહત મળે છે, આરામ મળે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.” તબીબે કહેવા લાગ્યો, “તો પછી તમે અમારા ઇલાજથી બહાર છો.” આમ દરેક પ્રકારે ઇમામ તીમિયા રહ.ની જિંદગીથી જાણવા મળે છે કે માનસિકતાનો વિકાસ વૈચારિક શક્તિ, વ્યક્તિત્વનો વિકાસ, વ્યક્તિત્વના ઘડતર માટે અધ્યયન ઘણો જ જરૂરી અને અત્યંત શક્તિશાળી માધ્યમ છે.

અમલનું મેદાન – મનુષ્યનું વ્યક્તિત્વ અપૂર્ણ છે જો તેમાં લાવણ્ય, પ્રભાવ, સજ્જનતા, શુરવીરતાનું મિશ્રણ ન હોય, વાક્ચાતુર્ય સાથે શારીરિક શક્તિ મનુષ્યનો વ્યક્તિત્વને બહુગુણ સંપન્ન બનાવે છે.

કહ્હારી વ ગફ્ફારી વ કુદ્દુસી વ જબરૃત
યહ ચાર અનાસિર હોં તો બનતા હે મુસલમાન

ઇમામ સાહેબના જીવનમાં આ સદ્ગુણોનું સંયોજન જોવા મળે છે કે તેઓ કલમ અને તલવાર બંને એક સરખી રીતે નિપૂણતાથી ચલાવવાનું જાણતા હતા. તેઓ રાત્રીના આબિદ હતા તો દિવસના શેહસવાર પણ હતા. તાતારિયોના યુદ્ધ માટે તેમણે મિલ્લતના સરદારોને જોરદાર હાકલ કરીને એકઠા કર્યા. તેમણે જ્યારે અબ્બાસી ખલીફા અબુ રબીઅ સુલેમાન સુલતાનથી મુલાકાત કરી અને તેને જેહાદ માટે સહમત કર્યો, તો સુલતાનનો ઇરાદો મક્કમ બની ગયો. તે જેહાદ માટે તૈયાર થઈ ગયો અને ઇમામ સાહેબને અરજ કરી કે યુદ્ધના સમયે તેઓ સુલ્તાનની સાથે રહે. પરંતુ ઇમામ સાહેબે ફરમાવ્યું કે સુન્નત તો આ છે કે આદમી પોતાની કોમના ઝંડા તળે રહીને યુદ્ધ કરે. અમે શામી લશ્કરથી સંબંધ ધરાવીએ છીએ માટે તેને ઝંડા તળે યુદ્ધ કરીશું. એમણે ફરીથી સુલ્તાનને યુદ્ધ માટે રાજી કર્યા અને કહ્યું કે અલ્લાહ વાહિદની કસમ ખાઈને કહું છું કે વિજય આપણો જ થશે. (તારીખ-દાવત-વ-અઝીમત બીજો ભાગ પા. ૬૦ – મો. અબુલહસન અલી નદવી રહ.)

આ યુદ્ધમાં ઇમામ સાહેબે જે શુરવીરતા બતાવી તેનું વર્ણન આબાદ શાહપુરીએ પોતાની કિતાબના પા.૧૧ ઉપર આ પ્રમાણે કર્યું છે;- શહેરની બહાર બંને ફોજો સામ-સામે છે. ઘમસાણ યુદ્ધ થઈ રહ્યું છે. લાશોનો ઢેર થવા લાગે છે. અંતે તાતારિયો ભાગી નીકળે છે. ઇમામ સાહેબે આ યુદ્ધમાં એવી અજોડ શુરવીરતા અને દૃઢતાનું પ્રદર્શન કર્યું કે દુશ્મનોનો સરદાર જમાલુદ્દીન અફરમ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેનું આશ્ચર્ય સમસ્તુ નહોતું, તેણે આલિમો અને ફુકહાઓને અલ્લાહના માર્ગમાં જેહાદ કરતાં જોયા છે. તેમની જબાનો એક બીજાને કાપવામાં તલવાર અને તીરથી પણ વધારે તે તેઝ જોવા મળે છે. પરંતુ આવો મુજાહિદ મર્દ પ્રથમ વાર જોવા મળ્યો છે જે પીરની ગાદીની સાથે-સાથે રણ સંગ્રામમાં ઘોડેસવાર અને કલમની તલવારની સાથે સાથે લોખંડની તલવાર ચલાવવાનું પણ જાણે છે. આથી તે ઇસ્લામના ધર્મશાસ્ત્રીઓ અને ધાર્મિક માણસોને બોલાવે છે અને આ ઇચ્છા જાહેર કરે છે કે તે પણ તીરંદાઝી ઘોડેસવારી અને યુદ્ધની પદ્ધતિઓ શીખે.

આત્માની પવિત્રતા અને વ્યક્તિનો વિકાસ જે ઇસ્લામને તેની જરૃરછે તે ફકત સાંભળવાથી કે સંભળાવવાથી નથી થતો. શીખવા અને શીખવાડવાની સાથે અમલના મેદાનમાં આવવાથી આદમીની શુદ્ધી થાય છે. વ્યક્તિના છુપાયેલા જાહેર ચમકે છે. આત્માની પવિત્રતાના ઇચ્છુક નવયુવાનો માટે આ જરૂરી છે કે ઇજ્તેમાગાહથી બહારની દુનિયા પણ પોતાના માટે ખુલ્લી રાખે. ત્યાં તે પોતાનું કૌશલ્યતા અજમાવે અને પોતાના વ્યક્તિત્વને સુશોભિત કરે. અમલના મેદાનમાં કામ કરવાથી શુરવીરતા, શ્રેષ્ઠતા, બુદ્ધિમત્તા જેવી વિશેષતાઓના પાસાથી વ્યક્તિનો વિકાસ શક્ય બની શકશે.

ઇબાદતનો શોખ – આત્માની શુદ્ધિ માટે કુઆર્ને બતાવેલો ઉપાય ઇબાદત છે. “સફળ થઈ ગયો તે જેણે પવિત્રતા અપનાવી, અને પોતાના રબ (પ્રભુ)નું નામ યાદ કર્યું, પછી નમાઝ પઢી.” (સૂરઃ અલ-આ’લા – ૧૪-૧૫)

પરંતુ ઇબાદત-ઇબાદતમાં ફરક હોય છે. ઇબાદતના અર્થને મર્યાદિત કરી દેવાથી માણસની ઇબાદત ફકત એક રિવાજી અને આદત બની જાય છે. જેના કારણે તેના વ્યક્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એવી ઇબાદત માણસને સવાબ તો અપાવી શકે છે પરંતુ જિંદગીમાં અસર પેદા કરવાથી અસમર્થ બની જાય છે. બીજી પ્રકારની ઇબાદત તે છે જેના અર્થમાં વિશાળતા હોય અને તે સંપૂર્ણ રુચિ અને અત્યંત શોખ સાથે અદા કરવામાં આવે. ઇબાદતની રુચિ અને તેમાં એકાગ્રતા ત્યાં સુધી પેદા થઈ શકતી નથી, જ્યાં સુધી માણસને તેની લિજ્જત અને સાચી મધૂરતા નસીબ ન થાય અને તે તેના દર્દની દવા, દિલનો ખોરાક અને આત્માની શક્તિ ન બની જાય. (અલી મીયાં રહ.)

ઈમામ ઇબ્ને તીમિયા રહ.ની જિંદગીમાં ઇબાદતનો આવો જ અર્થ જોવા મળે છે. તે ફરમાવે છે; “તો જે વ્યક્તિ આ નક્કર વાસ્તવિક્તાની હદ સુધી પહોંચીને થંભી જાય છે, અને આ અબ્દીયતથી જેનો સંબંધ અલ્લાહની ખુદાઈ સાથે છે, આગળ ચાલીને તેના અર્થની હકિકતની હદમાં પ્રવેશ નથી કરતો, અને આ અબ્દીયતનો સ્વિકાર કરનાર અને ધારક નથી બનતો, જેનો સંબંધ ખુદાઈ અને તેની તથા તેના પયગંબરોની ફરમાબરદારી સાથે છે. તે કોઈ પણ રીતે ઇબ્લીસ અને જહન્નમવાસીઓ મુકાબલામાં કોઈ વિશેષતા ધરાવતો નથી, પરંતુ વાસ્તવમાં તેમના જ ખાનદાન અને ટોળામાં સામેલ છે.”

અબ્દનો બીજો અર્થ આબિદ છે. અર્થાત્ એવો બંદો જે ફકત અલ્લાહની જ ઇબાદત કરે. કોઈ અન્યની સામે પોતાનું શીશ ન નમાવે. પયગમ્બરોએ બનાવેલા હુકમોનું પાલન કરે. નેક અને સંયમી લોકો સાથે મોહબ્બત ભર્યો વ્યવહાર રાખે અને રબના નાફરમાન અને વિદ્રોહી બંદાઓથી સંબંધ ન રાખે. આવા અર્થમાં દરેક વ્યક્તિ અબ્દિયતના સ્થાનને પામી શકતો નથી જે અલ્લાહની રબુબિયતનો (ખુદાઈ) સ્વિકાર તો કરતો હોય પરંતુ તેની ઇબાદત અને ફરમાબરદારી કરતો ન હોય. અથવા તેની સાથે બીજા ઉપાસ્યોની ઇબાદત કરતો હોય. કારણ કે કોઈ પણ જાતને પૂજ્ય તરીકે સ્વીકારવાનો અર્થ એ છે કે તે માણસનું દિલ તેના તરફ અપાર મોહબ્બત સંપૂર્ણ ઇજ્જત, માન-મરતબા, ડર અને આશા, ધીરજ અને શુક્રની ઘેરી લાગણીઓ સાથે ઝુકેલું છે.

ઇબાદત એક ઘણો જ વિશાળ અર્થ ધરાવતો શબ્દ છે. તેની અંદર તે સદાળી બાહ્ય અને આંતરિક ક્રિયાઓ અને કથનો સામેલ છે, જે અલ્લાહને પસંદ છે અને જે તેની રઝામંદીનું માધ્યમ બને છે. દા.ત. ઝકાત, રોઝા, હજ, સદાચરણ, અમાનતદારી, સિલારહમી, ઇમાનદારી, માબાપની ફરમાબરદારી, વચનપાલન, અમ્રબિલ મારૃફ અને નહ્ય અનિલ મુન્કર, જિહાદ ફી સબીલિલ્લાહ, પાડોશીઓ, નિરાધારો, ગરીબો અને અશ્વિતોની સાથે (ભલે તે માણસ હોય કે પ્રાણી) સદ્વર્તન કરે, દુઆ, ઝિક્રે ઇલાહી, તિલાવતે કુઆર્ન અને આ પ્રકારના તમામ સત્કર્મો, ઇબાદતના અંગો છે. એવી જ રીતે અલ્લાહ અને તેના રસુલ સલ્લ.ની મોહબ્બત, અલ્લાહની રહમતની ઉમ્મીદ અને અલ્લાહના અઝાબનો ડર, સ્વાર્પણ, નિખાલસતા, ધીરજ, શુક્ર, ભરોસો, આજ્ઞાપાલન, અભિલાષા વગેરે બધા જ સદ્ગુણો ઈબાદતના વર્તુળમાં સામેલ છે. (બહવાલા – ‘હકીકતે અબૂદિયત’ લે. ઇમામ ઇબ્ને તીમિયા રહ., અનુવાદક – મૌલાના સદરૃદ્દીન ઇસ્લાહી રહ.)

આ અર્થને ધ્યાનમાં રાખતાં ઇબાદતની તમામ શાખાઓ તેમની જિંદગી જોવા મળે છે. ઇમામ સાહેબ તહજ્જુદથી પ્રવૃતિ શરૃ કરતા, ફજરની નમાઝ અદા કરતા, પછી ઝિક્ર અને આસ્તગફારમાં લાગી જતા, પછી ફતવાઓના જવાબ આપતા, વિવિધ કિતાબોનો અભ્યાસ કરતા, દર્સની મહેફીલમાં દર્સ આપતા, દર્સની શરૃઆતમાં હમ્દો સના અને દરૃદો સલામ ખૂબ જ મધુર સ્વરમાં પઢતા કે સાંભળનાર ઉપર નશો છવાઈ જતો. પછી એવી રીતે દર્સ આપતા કે ઇલ્મ અને જ્ઞાનનો ખજાનો વિખેરી દેતા પછી ઇશા બાદ ઘણા મોડા સુધી ઇલ્મી કામોમાં પરોવાયેલા રહેતા. દરેક કાર્ય ભલે તે ફર્જ હોય કે નફીલ દિલ અને દિમાગની સંપૂર્ણ એકાગ્રતાથી અદા કરતા. નમાઝ પણ ખુશુઅ અને ખુઝુઅ સાથે અદા કરતા. શરીરમાં અમુક સમયે ધ્રુજારી શરૃ થઈજતી ક્યારેક લિજ્જત અને આનંદ વિભોર બની જવાથી શરીર ધીરે-ધીરે ડાબે-જમણે હલવા લાગતું તેમની ઇબ્દેતામાં નમાઝ પઢનારા પોતાના દિલોને મીણ જેવું નરમ અનુભવતા અને તેમના ઉપર બેહોશી છવાઈ જતી.

આપણે આપણી ઇબાદતો પ્રત્યે દૃષ્ટિપાત કરવાની જરૂરત અનુભવાય છે. નિર્જીવ નમાઝોમાં મસીનની માફક ઉઠક-બેઠક, અલ્લાહની યાદ અને ઝીકરથી ખાલી ઇબાદતો, કામ-કાજની એવી ફિકર કે અલ્લાહની બારગાહમાં બેસીને દુઆ કરવાની ફુરસદ નથી. ખુમારી વિનાનો દર્સે કુઆર્ન, નીરસ તકરીરો, મુર્દા દિલોની મુશકરાહટ, સંબંધોમાં કૃત્રિમતા, પ્રસંશાની મહેચ્છા નફિલોથી બેપરવાઈ, આપણી જિંદગીની ઓળખ બની ગઈ છે. અધ્યયનના નામે ઉદાસીનતાનું વલણ, બુનિયાદી લિટરેચરથી અલિપ્ત, કમજોર દલીલ વગેરે બાબતો એ આપણા વ્યક્તિત્વને વજન વિહોણું બનાવીને મૂકી દીધું છે. ઇમામ ઇબ્ને તીમિયા રહ.ની ઇબાદત અને તેમની પ્રવૃત્તિઓથી પ્રકાશ અને જોશ પ્રાપ્ત કરવા અને પોતાના શોખને પાણીનું સિંચન કરવાની જરૂરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments